Botad: પતિએ જ પત્નીને કુહાડીના ઘા ઝીંકી પતાવી દીધી, અમદાવાદથી આરોપી પતિ ઝડપાયો
- Botad ના ગઢડામાં મહિલાની હત્યા કરનાર આરોપીની ધરપકડ
- આરોપી સતીશ શાંતિલાલ વસાવાની ધરપકડ કરવામાં આવી
- અમદાવાદના નિકોલથી ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
- ચારિત્ર્યની શંકાને લઈને મહિલાના પતિએ હત્યા કરી હતી
- કુહાડીના ઘા મારી હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું
- હત્યા કર્યા બાદ આરોપીએ કુહાડી કુવામાં ફેંકી ફરાર થઈ ગયો હતો
- આરોપી વડોદરા જિલ્લાના ચગડોળ ગામનો વતની છે
- ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા
- 7 ડિસેમ્બરે વાડીના રૂમમાંથી હત્યા કરી હતી
Botad: બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં તાજેતરમાં બનેલી એક ચકચારી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ હત્યાકાંડમાં મૃતક મહિલાના પતિએ જ ચારિત્ર્ય પર શંકા રાખીને તેને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગઢડા પોલીસે (Gadhada Police) આરોપી પતિ સતીશ (Satish Vasava) વસાવાને અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વહેમમાં પત્નીની ક્રૂર હત્યા
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા જિલ્લાના ચગડોળ ગામના વતની સતીશ શાંતિલાલ વસાવા અને તેમના પત્ની ચંપાબેન વસાવા ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં આવેલી એક વાડીમાં મજૂરી કામ માટે રહેતા હતા. આ દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક તણાવ ચાલી રહ્યો હતો. પતિ સતીશ વસાવાને તેની પત્ની ચંપાબેનના ચારિત્ર્ય પર ગંભીર શંકા હતી. આ શંકામાં 7 ડિસેમ્બરના રોજ સતીશે આ ખૂની ખેલને અંજામ આપ્યો હતો. સતીશ વસાવાએ 7 ડિસેમ્બરના રોજ તેની પત્ની ચંપાબેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ સતીશે પત્નીના મૃતદેહને વાડીના રૂમમાં જ મૂકી દીધો હતો અને પોતે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસની ટીમ તાત્કાલિક વાડી પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો. આ મામલે પોલીસે સતીશ શાંતિલાલ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
Ahmedabad માંથી ઝડપાયો હત્યારો પતિ
ગઢડા પોલીસની ટીમે આ કેસમાં બાતમીદારોના આધારે આરોપી પતિ સતીશ વસાવા (Satish Vasava) ને અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ઝડપ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી સતીશ વસાવાએ કબૂલાત કરી હતી કે તેણે ચારિત્ર્ય પર શંકાના કારણે આવેશમાં આવીને પત્ની ચંપાબેનની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ કબૂલાતના આધારે પોલીસે આરોપી સતીશને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતુ. પોલીસે આરોપી પાસેથી હત્યા કઈ જગ્યાએ કરવામાં આવી, હત્યા માટે વપરાયેલું હથિયાર (કુહાડી) ક્યાં ફેંકવામાં આવ્યું હતું, અને ત્યારબાદ તે કયા માર્ગે ફરાર થયો હતો, તે તમામ બાબતોની માહિતી મેળવીને પુરાવા એકત્ર કર્યા છે. ગઢડા પોલીસે આ સનસનીખેજ હત્યા કેસમાં ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખી આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની તમામ કાર્યવાહી પૂર્ણ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ડુંગળી-લસણ ખાવા બાબતે પતિ-પત્ની વચ્ચે વિવાદ, જાણો પછી ગુજરાત હાઈકોર્ટે શું ચૂકાદો આપ્યો!


