Amareli માં હત્યાના ઈરાદે હિટ એન્ડ રન, સિવિલ કેમ્પસમાં 3 યુવકો પર ચડાવી કાર
- અમરેલીમાં યુવકોને કારથી કચડી નાખવાનો પ્રયાસનો મામલો
- સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં 3 યુવકોને કારથી કચડવાનો પ્રયાસ
- પોલીસે કારચાલક જયસુખ ખેતરીયાને ઝડપી પાડ્યો
30 જૂનની મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ થતા પોલીસ તાબડતોબ પહોંચી હતી. સિવિલના કેમ્પસમાં જ ઘટના બની હોવાથી ઘાયલ ત્રણેય યુવકને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા હતા. ઘાયલ થયેલા યુવાનોમાં રવિ વેગડા, અજય ચૌહાણ અને હિતેશ ગેલોતરનો સમાવેશ થાય છે.
હોસ્પિટલ કેમ્પસમાં ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા
પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. તેમાં GJ 12 DA 2565 નંબરની કારના ચાલક વિશે તપાસ કરી..તે કાર જયસુખ ખેતરીયા ચલાવી રહ્યો હોવાનું તપાસમાં ખુલ્યું...તેના આધારે SOGની ટીમે આરોપીને પકડવા બાતમીદારોને કામે લગાવ્યા હતા..આરોપી જયસુખ ધારીના ચલાલા તાલુકાના ગરમલી ગામમાં હોવાનું જાણવા મળ્યું..તેના આધારે SOGએ જયસુખને ઝડપી વધુ કાર્યવાહી હાથધરી છે.
જૂના ઝઘડાની રીસ રાખી કાર ચડાવ્યાનો ખુલાસો
આખરે એવું તો શું કારણ હતું કે, જયસુખના મનમાં ત્રણેય યુવકો માટે આટલો ગુસ્સો હતો કેમ તેમની હત્યાના ઈરાદે કારની ટક્કર મારી ચડાવી દેવામાં આવી. એ બાબતે પૂછપરછ કરતા જૂની અદાવત કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના કહેવા મુજબ, જૂનની રાત્રે સાવરકુંડલામાં દુકાને બેસવા બાબતે રવિ વેગડા અને ભરત ખેતરીયા વચ્ચે માથાકૂટ થઈ હતી..જેને લઈ હાથસણી રોડ પર આવેલી આસોપાલવ સોસાયટીમાં 12 શખ્સો વચ્ચે છરી અને પાઈપથી મારામારી થઈ હતી.
દુકાન પર બેસવા બાબતે થઈ હતી માથાકૂટ
જેમાં મુકુંદ હેલૈયા, વિશાલ હેલૈયા, રવિ વેગડા, મયુર મારુ, મિલન મકવાણા રાજવીર ખીમસુરીયા, ભરત હેલૈયા સહિત સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે સામે પક્ષે રવિએ આરોપી ભરત ખેતરીયા, તેની પત્ની, ચિરાગ વાઘ અને ભરતના ભાઈ સહિત પાંચ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મારામારીમાં ઘાયલ થયેલા બે શખ્સને અમરેલી સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. 30 જૂનની રાત્રે સાડા દસ વાગ્યાનો સમય હતો. દર્દી સાથે આવેલા હિતેશ, અજય અને રવિ ચા પીવા કેન્ટીન તરફ જતા હતા. ત્યારે, તેમની હત્યાના ઈરાદે ભરત ખેતરીયાનો ભાઈ જયસુખ વીજ વેગે કાર ચડાવી ભાગી ગયો હતો. જેમાં ઘાયલ થયેલા રવિ વેગડા અને અજય ચૌહાણની હાલત વધુ ગંભીર છે. જ્યારે, હિતેશને સામાન્ય ઈજા થઈ છે.
આ પણ વાંચોઃ Bhavnagar :મહુવામાં ડબલ મર્ડરમાં મોટો ખુલાસો, પોલીસે આરોપી જમાઈની કરી ધરપકડ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કાર ચડાવી દેવાના આરોપસર પકડાયેલો જયસુખ ગુનાહિત માનસિક્તા ધરાવે છે. તેની વિરુદ્ધ અગાઉ પણ ત્રણ ગુના નોંધાયેલા છે. હવે હત્યાના ઈરાદે કાર ચડાવી દેવાનો ગુનો નોંધાયો છે. જૂના ઝઘડાના અદાવતની રીસમાં જયસુખે ભરેલા પગલાથી તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ Narmada: ડેડીયાપાડામાં AAP-ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ, ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરતા કાર્યકરોમાં રોષ