Ahmedabad માં લોન રિકવરી બાબતે માર મારવાનો કેસ, માથાભારે શખ્સોએ કર્યો હતો હુમલો
- અમદાવાદમાં લોન રિકવરી બાબતે માર મારવાનો કેસ
- પોલીસે ફરિયાદને આધારે બે આરોપીઓની કરી ધરપકડ
- કેસમાં હજુ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર
- માથાભારે શખ્સોએ દંડા અને છરી વડે કર્યો હતો હુમલો
અમદાવાદના આનંદનગરમાં યુવકને લોન રિકવરી આવેલા શખ્સોએ ભેગા મળીને માર માર્યો હતો. યુવકને છોડવવા માટે તેના સંબંધીઓ અને મિત્રો વચ્ચે આવ્યા તો તેમને પણ રિકવરી માટે આવેલા શખ્સોએ મળીને દંડા અને છરી વડે માર મારીને પથ્થરમારો કર્યો હતો. આસપાસની ગાડીઓના પણ પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા હતા. આ અંગે યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 2 મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપી ફરાર છે.
આનંદનગરમાં રહેતા નવીન નાયક નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. નવીનના કાકા ગાડી ભાડે આપવાનું કામ કરે છે. ખુશી ટુર એન્ડ ટ્રાવેલ્સનો વેપાર કરતા પ્રકાશ ચૌધરીને ફરિયાદીના કાકાએ ગાડી ભાડેથી આપી હતી. તે પેટે ભાડાના 65 હજાર રૂપિયા લેવાના બાકી હતા. તેની સામે પ્રકાશ ચૌધરીએ તેમની ગાડી રાખવા આપી હતી. તે પૈસા આપે ત્યારે ગાડી પરત આપે તેવું જણાવ્યું હતું. ગાડી ઉપર લોન ચાલુ છે, જેના હપ્તા પ્રકાશ ચૌધરી ભરે છે. બે દિવસ અગાઉ નવીન તેના ઘરે હાજર હતો.
બંને ઉશ્કેરાઈ નવીનને અપશબ્દો બોલવા લાગ્યા
ત્યારે બે લોકો કારની રિકવરી માટે આવ્યા. ગાડીના હપ્તા બાકી હોવાથી તે સીઝ કરવાની હોવાથી નવીન માટે કારની ચાવી માગી. નવીને પ્રકાશને ફોન કર્યો તો પ્રકાશે સાંજે આવીને ગાડીનો હિસાબ કરશે અને ગાડીની ચાવી રિકવરી કરનારાઓને ન આપવા જણાવ્યું. નવીને રિકવરી કરવા આવેલા દિલીપ રાવલ અને ઘેમર રબારીને ગાડી લઈ જવાની ના પાડી. આ સાંભળી બંને ઉશ્કેરાઈ નવીનને અપશબ્દો બોલવા લાગ્યા હતા. એ દરમિયાન નવીનના કાકા, પિતરાઈ ભાઈ અને બીજા ઓળખીતા લોકો આવ્યા હતા.
આ પણ વાંચોઃ Jamnagar માં મેગા ડિમોલિશનનો બીજો દિવસ: 331 બાંધકામો હટાવાયા
ત્યારે, રિકવરી કરવા આવેલા દિલીપ સહિતના ત્રણ વ્યક્તિએ ભેગા મળીને ઝઘડો કર્યો. ઘેમર રબારીએ નવીનના સંબંધીને હાથ પર છરી મારી અને બાકીના શખ્સોએ દંડાથી માર માર્યો હતો. બે ગાડીના કાચ તોડી નુકસાન પણ કર્યુ હતું.આ હુમલામાં નવીન અને તેના સંબંધીઓને ઈજા થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Surat : માવઠાના કારણે ખેડૂતોનું નુકસાન, પાલ આંબલિયાનો સરકાર પર પ્રહાર