Chhota Udepur: Ambulance માં દર્દીને બદલે દારુ, આ રીતે થયો ફર્દાફાશ!
- Chhota Udepur ના પાવી જેતપુરમાં Ambulance માંથી દારૂનો જથ્થો ઝડપાયો
- કુલ 928 બોટલો, કિંમત રૂ. 2.55 લાખનો મુદ્દમાલ કબજે
- સીટ નીચે ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું
- એમ્બ્યુલન્સ ચાલક ફરાર, પોલીસ દ્વારા શોધખોળ શરૂ
Chhota Udepur News:છોટા ઉદેપુર જિલ્લામાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે અપનાવવામાં આવતા નવા કિમીયાનો પર્દાફાશ થયો છે. પાવી જેતપુર પોલીસે(Pavi Jetpur Police) એક ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી, દર્દીઓને સેવા આપવા માટે ઉપયોગમાં લેવાતી એક એમ્બ્યુલન્સ(Ambulance)માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 2.55 લાખની કિંમતની 928 બોટલો સાથે એમ્બ્યુલન્સ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જોકે એમ્બ્યુલન્સ ચાલક ઘટનાસ્થળે વાહન મૂકીને ફરાર થવામાં સફળ રહ્યો હતો.
ચોક્કસ બાતમી અને પોલીસની વોચ
મળતી માહિતી મુજબ સ્થાનિક પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પાવી જેતપુર પંથકમાંથી એક એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક જનતા ડાયવર્ઝન પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન પોલીસ ટીમે GJ 06 TW 0102 નંબરની શંકાસ્પદ એમ્બ્યુલન્સને રોકાવી હતી. એમ્બ્યુલન્સની અંદર તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. બુટલેગરોએ દારૂ છુપાવવા માટે અનોખી રીત અપનાવી હતી. એમ્બ્યુલન્સની સીટ નીચે ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, જેમાં દારૂ અને બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.
રૂ. 2.55 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે એમ્બ્યુલન્સમાંથી કુલ 928 વિદેશી દારૂની બોટલો (અને બિયર)નો જથ્થો કબજે કર્યો હતો. આ સમગ્ર દારૂની બજાર કિંમત આશરે રૂ. 2,55,000 આંકવામાં આવી છે. આ જથ્થાની સાથે એમ્બ્યુલન્સને પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે કરી હતી. જોકે, પોલીસના હાથે ઝડપાઈ જવાની બીકે એમ્બ્યુલન્સનો ચાલક વાહન સ્થળ પર મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ વિદેશી દારૂનો જથ્થો મોટી રાસલી ગામેથી અન્ય કોઈ સ્થળે પહોંચાડવાનો હતો.
હેલ્થ સેવાનો દુરુપયોગ
દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવેલો 'એમ્બ્યુલન્સ'નો કીમિયો પ્રશાસન માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. દર્દીઓના જીવ બચાવવા માટેની પવિત્ર ગણાતી સેવાને બુટલેગરો પોતાના ગેરકાયદેસર ધંધા માટે ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા હોવાનું આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. અગાઉ પણ આવા બનાવો સામે આવ્યા છે, જે સૂચવે છે કે બુટલેગરો પોલીસથી બચવા માટે સતત નવી તરકીબો અપનાવી રહ્યા છે.
ફરાર આરોપીને ઝડપવા કાર્યવાહી
છોટા ઉદેપુર જિલ્લા પોલીસ અવારનવાર આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી, બુટલેગરોની કમર તોડવાનું કાર્ય કરી રહી છે. હાલમાં પાવી જેતપુર પોલીસે ફરાર એમ્બ્યુલન્સ ચાલક અને આ દારૂના કન્સાઇનમેન્ટ પાછળ સંકળાયેલા મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલઃ સલમાન મેમણ
આ પણ વાંચોઃ Chhota Udepur: MGVCLના વીજ ચેકિંગથી ખળભળાટ, 74 વીજ ચોરો ઝડપાયા, આટલો ફટકાર્યો દંડ!