ChhotaUdepur: ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, શાળામાં વિદ્યાર્થીનીઓને સુવિધાના અભાવ બાબતે અહેવાલ રજૂ થતાં તંત્રએ સંચાલકોને આદેશ આપ્યા
- છોટાઉદેપુરની વડાતલાવ શાળામાં વિદ્યાર્થીઓને સુવિધાનો અભાવ
- વાલીઓ દ્વારા બાળકોને સુવિધાના અભાવના બાબતે અક્ષેપ કરાયો હતો
- આ આક્ષેપને મામલે ગઈકાલે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો હતો
Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સરકાર દ્વારા છોટા ઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકામાં રેસીડેન્સીયલ શાળાઓ બનાવવામા આવી છે. જ્યાં બાળકોને શિક્ષણ અને સાધ્ય સામગ્રી સહિત રહેવાનું અને જમવાનું મફતમાં આપવામાં આવે છે. પરંતુ કેટલીક શાળામાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોય તેવો કિસ્સો બહાર આવ્યો હતો જેને લઈને ગુજરાત ફર્સ્ટમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તંત્ર જાગ્યું હતુ અને આ બાબતે યોગ્ય પગલાં લેવા વહીવટદારને આદેશ આપ્યા હતા.
છોટાઉદેપુર જિલ્લાના વડાતલાવ શાળામાં વાલીઓ દ્વારા બાળકોને સુવિધાના અભાવના કરાયેલા આક્ષેપના મામલે પ્રાયોજના વહીવટદાર દ્વારા જરૂરી પગલાં લેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. સોમવારે બોડેલી નજીક આવેલ વડાતળાવ ગામ પાસેની રેસીડેન્સીયલ શાળાના વિદ્યાર્થીઓને ગુણવત્તા વિહિન જમવાનું અપાતું હોવાના આક્ષેપને લઈ વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. જે સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેને લઈને આ મામલે હાલ પ્રાયોજના વહીવટદારે કમાન સંભાળી જરૂરી આદેશ આપ્યા છે.
ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા આઈ.એ.એસ. કલ્પેશકુમાર શર્મા પ્રાયોજના વહીવટદારે જણાવેલ કે, હું પણ ત્યાં જઈ જમી આવીશ તેમજ સાબુ તેલ જેવી વ્યવસ્થાઓ સત્વરે મળે તેવી સૂચનાઓ આપવામાં આવી છે.
જમવામાં રોજ એક જ શાક આપવામાં આવે છેઃ વિદ્યાર્થિનીઓ
બોડેલી તાલુકાની વડાતલાવ ગામ પાસે આવેલ રેસીડન્સીયલ શાળાની કેટલીક વિદ્યાર્થીનીઓએ તેમના વાલીઓને જણાવ્યું હતું કે, શાળામાં તેમને મેનૂ પ્રમાણે જમવાનું આપવામાં આવતું નથી. પાણીની પૂરતી વ્યવસ્થા નથી શિયાળાના સમયે પણ ગરમ પાણી આપવામાં આવતું નથી. બાથરૂમમાં પણ પૂરતા પાણીની વ્યવસ્થા નથી. જમવામાં રોજ બટાકાનું જ શાક આપવામાં આવે છે. આવી તો અનેક તકલીફોની રજૂઆત બાળકોએ કરી જેને લઇ આસપાસ ગામના વાલીઓ ભેગા થઈને શાળા પર પહોંચ્યા હતાં, પણ તેમને સ્કૂલમાં પ્રવેશવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી. કલાકો બાદ કેટલાક વાલીઓને સ્કૂલમાં બોલાવ્યા પણ તેમની રજૂઆત સાંભળવામાં આવી ન હતી.
વાલીઓએ પોતાની દીકરીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી
વાલીઓની વાત સાંભળી ગુજરાત ફર્સ્ટએ હકીકત જાણવા માટે શાળામાં જવાની કોશિશ કરી પણ પ્રવેશ આપવામાં આવ્યો નહીં. જેથી લાગી રહ્યું છે કે, વિદ્યાર્થીનીઓને મળતા સરકારના લાભોમાં પણ સંચાલકો તરફ શંકાનો ઈશારો પરોક્ષ રીતે થઈ રહ્યો છે. વાલીઓએ તો ગુજરાત ફર્સ્ટ સમક્ષ પોતાની દીકરીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાની વાત કરી છે. ત્યારે સ્કૂલ કેમ્પસમાંથી બહાર આવી વિદ્યાર્થીનીએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા કહી રહી હતી. તેજ સમયે એક શિક્ષક તેને ખેંચીને કેમ્પસમાં લઈ ગયા હતાં.
હક્કને છીનવતા સંચાલકો સામે પગલાં ભરાય તેવી વાલીઓની માગ
વિદ્યાર્થીનીઓએ અગાઉ તેમના આચાર્યને લેખિતમાં જાણ કરી હતી. જે અરજી તેમના વાલીઓને આપવામાં આવી હતી જે ગુજરાત ફર્સ્ટ સમક્ષ વાલીઓએ રજૂ કરી હતી. ગરીબ આદિવાસી બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તેને લઇ સરકાર કરોડોનો ખર્ચ કરે છે, ત્યારે તેમના હક્કને છીનવતા સંચાલકો સામે પગલાં ભરાય તેવી માગ વાલીઓ અને વિદ્યાર્થીનીઓ કરી રહ્યા છે.
અહેવાલઃ તૌફીક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો: ChhotaUdepur: વિદ્યાર્થીઓને ગુણવત્તા વગરનું જમવાનું આપવામાં આવે છે, વાલીઓએ લગાવ્યા આક્ષેપો


