ચીને બનાવી વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન , ટૂંક સમયમાં કરશે લોન્ચ,જાણો તેની ખાસિયત
- CR450: ચીને બનાવી વિશ્વની સૌથી ફાસ્ટ બુલેટ ટ્રેન
- ચીનમાં CR450 નામની નવી બુલેટ ટ્રેન લોન્ચ કરશે
- ટ્રેનનો પ્રોટોટાઇપ નવેમ્બર 2024 માં અનાવરણ કરાયો હતો
હાઇ-સ્પીડ ટ્રેનોના ક્ષેત્રમાં ચીન તેની અજોડ ગતિ જાળવી રાખીને સતત નવા રેકોર્ડ્સ સ્થાપિત કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ ચીનમાં CR450 નામની નવી બુલેટ ટ્રેન લોન્ચ થવા જઈ રહી છે. જેની ટોચની ગતિ 450 કિમી-કલાક છે, ચીન વિશ્વની સૌથી ઝડપી ટ્રેન બનાવી રહ્યું છે અને આ ટ્રેનને ટૂંક સમયમાં લોન્ચ પણ કરી દેવાની તૈયારીમાં છે.
CR450: ચીને બનાવી વિશ્વની સૌથી ફાસ્ટ બુલેટ ટ્રેન
CR450બુલેટ ટ્રેન હાલમાં પ્રી-સર્વિસ ટ્રાયલના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને ટૂંક સમયમાં આ ટ્રેન લોન્ચ કરાશે. આ ટ્રેનનો પ્રોટોટાઇપ નવેમ્બર 2024 માં અનાવરણ કરવામાં આવ્યો હતો. આ ટ્રેન 0 થી 350 કિમી/કલાકની ગતિ ફક્ત 4 મિનિટ અને 40 સેકન્ડમાં હાંસલ કરી શકે છે, જે વર્તમાન CR400 મોડેલ કરતાં એક મિનિટ ઓછી છે.
આ ટ્રેનની ખાસિયત
CR450 એ ચીનની શાંઘાઈ-ચોંગકિંગ-ચેંગડુ રેલ્વે લાઇન પર ટ્રાયલ દરમિયાન 450 કિમી/કલાકની ટોચની ગતિ હાંસલ કરીને પોતાનો રેકોર્ડ બનાવ્યો છે. તેની અત્યાધુનિક ડિઝાઇનમાં નવીનતા જોવા મળે છે:
એરોડાયનેમિક સુધારાઓ: તેની ડિઝાઇનમાં બંધ બોગીઓ અને નીચલા સ્કર્ટ પેનલ્સનો સમાવેશ થાય છે, જેનાથી હવાનો ખેંચાણ (Drag) 22 ટકા જેટલો ઘટાડવામાં આવ્યો છે.
નોઝ કોન: તેનો નોઝ કોન (આગળનો શંકુ આકારનો ભાગ) 15 મીટર લાંબો છે, જે અગાઉના મોડેલો કરતા 2.5 મીટર લાંબો છે. આ ફેરફાર ટ્રેનની એરોડાયનેમિક પેનિટ્રેશનમાં સુધારો કરે છે.
વજન અને કાર્યક્ષમતા: CR450 અગાઉના મોડેલો કરતાં 20 સેન્ટિમીટર ટૂંકી અને 55 ટન હળવી છે, જેનાથી ટ્રેનની પ્રવેગકતા (Acceleration) અને ઊર્જા બચતમાં મોટો સુધારો થાય છે.
આ બુલેટ ટ્રેને અત્યાર સુધીમાં 600,000 કિલોમીટર ઓપરેશનલ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
ટ્રેનની ડિઝાઇન તૈયાર કરતા પાંચ વર્ષ લાગ્યા
ચીની સંશોધકો અને ઇજનેરોને CR450 ને ડિઝાઇન કરવામાં પાંચ વર્ષ લાગ્યા છે, જેમાં મુસાફરો માટે અત્યંત આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. 2026 માં તેના સત્તાવાર લોન્ચ પછી, CR450 ચીનને હાઇ-સ્પીડ રેલમાં વૈશ્વિક નેતા તરીકે વધુ મજબૂત બનાવશે.
આ પણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરીમાં થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર પર થયા હસ્તાક્ષર