ચોરવાડ નગરપાલિકાના કરાર આધારિત કર્મચારીને ACB એ લાંચ લેતા રંગે હાથ પકડ્યો
ગુજરાતના પાટનગર ગાંધીનગરથી લઈને રાજ્યના નાના ગામ સુધી ભ્રષ્ટાચારનો સડ્ડો છેલ્લાં દસકાઓમાં ફેલાઈ ચૂક્યો છે. એન્ટી કરપ્શન બ્યૂરોમાં ભ્રષ્ટાચારની રોજે રોજ અનેક ફરિયાદો આવી રહી છે. જૂનાગઢ જિલ્લાની ચોરવાડ નગરપાલિકા કચેરીમાં કરાર આધારિત કર્મચારીને 1.46 લાખ રૂપિયાની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં કરાર આધારિત કર્મચારી/અધિકારીઓએ ભ્રષ્ટાચારમાં માજા મૂકી દીધી છે અને તેના આંકડા Gujarat ACB ના ચોપડે જોવા મળે છે.
ACB ને ફરિયાદીએ શું જણાવ્યું ?
ચોરવાડ નગરપાલિકા કચેરી (Chorwad Municipality Office) એ વર્ષ 2022માં વોર્ડ નંબર-2માં પેવર બ્લૉક લગાવવાનું કામ કોન્ટ્રાક્ટરને આપ્યું હતું. પેવર બ્લૉક લગાવવાનું લગભગ દસેક લાખ રૂપિયાનું કામ કોન્ટ્રાક્ટરે પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ તેનું બીલ નગરપાલિકા કચેરીએ મંજૂર કર્યું હતું. મંજૂર થયેલા બીલનો ચેક આપવા પેટે ચોરવાડ ન.પા.ની બાંધકામ શાખાના જુનિયર ઇજનેર રાજેશ ખીમજીભાઈ સેવરા (ઉ.39) એ કોન્ટ્રાક્ટર પાસે 15 ટકા લેખે રૂપિયા 1 લાખ 46 હજાર રૂપિયાની લાંચ માગી હતી. કોન્ટ્રાક્ટર લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે આ અંગે ACB Officer નો સંપર્ક કરી આ અંગે ફરિયાદ આપી હતી.
આ પણ વાંચોઃ ભ્રષ્ટ અધિકારી સામે લાંચની માગણીનો ગુનો નોંધવામાં Gujarat ACB ને સાડા 6 વર્ષ કેમ લાગ્યા ?
ફરિયાદ મળતા ACB એ છટકું ગોઠવ્યું
ચોરવાડ નગરપાલિકા કચેરીના બાંધકામ શાખાના જુનિયર ઈજનેર રાજેશ સેવરાએ લાંચ માગી હોવાથી તેમને પકડવા છટકું ACB Trap ગોઠવવામાં આવ્યું. આજરોજ સોમવારે સરકારી પંચોની હાજરીમાં રાજેશ સેવરાએ તેમની કચેરીમાં એસીબીના ફરિયાદી પાસેથી 1.46 લાખની લાંચ સ્વીકારી હતી. દરમિયાનમાં ગીર સોમનાથ એસીબી પીઆઈ ડી. આર. ગઢવી (PI D R Gadhavi) એ ટીમ સાથે રાજેશ સેવરાને રંગે હાથ ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, રાજેશ સેવરા કરાર આધારિત કર્મચારી હતા. એસીબીની અન્ય ટીમે પકડાયેલા આરોપીની ઑફિસ તેમજ નિવાસ સ્થાને સર્ચ શરૂ કર્યું છે.
આ પણ વાંચોઃ પત્નીની હત્યા કરી મૃતદેહની વિડીયોગ્રાફી કરનારા પતિની Police એ કરી ધરપકડ