સમગ્ર દેશ-ગુજરાત માટે ગૌરવની ક્ષણ, Commonwealth Games 2030 ની યજમાની કરશે અમદાવાદ!
- ગુજરાત દેશનું સ્પોર્ટ્સ કેપિટલ બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
- અમે વિશ્વને આવકારવા સજ્જ છીએ : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
- આ મોદીજીના સતત પ્રયાસોને આભારી છે : કેન્દ્રિય ગૃહ મંત્રી
- આ સીમાચિહ્ન ‘વિકસિત ભારત@2047’ ના વિઝનને મજબૂત બનાવશે : મંત્રી ડૉ. મનસુખ માંડવીયા
Ahmedabad : આખરે જે ક્ષણની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ઘડીને સત્તાવાર મહોર લાગી ગઈ છે. હા, અમદાવાદ હવે વર્ષ-2030 માં આયોજિત થનારા કોમનવેલ્થ ગેમ્સની (Commonwealth Games 2030) યજમાની કરશે. આ અંગેની જાહેરાત આજરોજ ગ્લાસગ્લો, સ્કોટલેંડ (Scotland) ખાતે આયોજિત ‘કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી’ની (Commonwealth Sports General Assembly) બેઠકના અંતે કરવામાં આવી છે. આ ક્ષણ સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) રમતગમતની સંસ્કૃતિને સતત પ્રોત્સાહન અને દૂરદર્શીતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel) તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (Harsh Sanghvi) અથાક પ્રયાસોના લીધે ભારત ખેલકૂદના ક્ષેત્રમાં સતત આગેકૂચ કરી રહ્યું છે, જેના પરિણામસ્વરૂપે આજે કોમનવેલ્થ રમતોત્સવની શતાબ્દી અંતર્ગત 24-માં કોમનવેલ્થ રમતોત્સવની યજમાની અમદાવાદને પ્રાપ્ત થઇ છે.
કોમનવેલ્થ ગેમ્સનો પ્રારભ થયા’ના શતાબ્દી વર્ષની ઉજવણી
કોમનવેલ્થ ગેમ્સનો (Commonwealth Games 2030) પ્રારભ થયા’ના શતાબ્દી વર્ષની ઉજવણી વર્ષ-2030 માં થઇ રહી હોઈ, આ નિર્ણય ભારત અને કોમનવેલ્થ સપોર્ટસ મુવમેન્ટ માટે ઐતિહાસિક ક્ષણ બની રહેશે. આ નિર્ણય કોમનવેલ્થ રાષ્ટ્રોની રમતગમત પ્રત્યેની શ્રેષ્ઠતા, એકતા અને સંયુક્ત પ્રગતિના 100 વર્ષની ઉજવણીનાં પ્રતિકરૂપ બની રહેશે.
આ મોદીજીના સતત પ્રયાસોને આભારી છે : કેન્દ્રિય ગૃહ મંત્રી
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ખેલો ઇન્ડિયા’ થી પ્રતિભાવંત ખેલાડીઓની શોધ અને તેમના સંવર્ધન માટે સતત પ્રવૃત એવા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનના લીધે દેશને કોમનવેલ્થ રમતોત્સવની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આ ક્ષણને વધાવી લેતા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે દેશના સૌ નાગરિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ મોદીજીના સતત પ્રયાસોને આભારી છે. રમતગમતને લગતી સબળ માળખાકીય સુવિધાઓ અને ખેલાડીઓ ઊભા કરીને તેને આંતરરાષ્ટ્રીય કક્ષા સમકક્ષ મુકવાના લીધે જ આ બહુમાન ભારત અને ખાસ કરીને અમદાવાદને પ્રાપ્ત થયું છે.
અમદાવાદ, ગુજરાત, ભારત માટે આ અપ્રતિમ ગૌરવની ક્ષણ છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ
‘અમદાવાદ, ગુજરાત અને ભારત માટે આ અપ્રતિમ ગૌરવની ક્ષણ છે’ તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના સતત પ્રયાસોને વખાણતા ઉમેર્યું હતું કે, ગુજરાત હવે દેશના સપોર્ટસ કેપિટલ તરીકે ઉભરશે. એટલું જ નહિ, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સંકલ્પનાને વધુ મજબુત કરશે.
આ સીમાચિહ્ન ‘વિકસિત ભારત@2047’ ના વિઝનને મજબૂત બનાવશે : મંત્રી ડૉ. મનસુખ માંડવીયા
આ પ્રસંગે કેન્દ્રિય રમતગત અને યુવા બાબતોના મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ-2030 એ ભારતની વિકાસયાત્રાનો તથા રમતગમતને રાષ્ટ્રીય વિકાસના સાધન તરીકે અપનાવવાની પ્રતિબદ્ધતાનો ઉત્સવ બની રહેશે. આ સીમાચિહ્ન ‘વિકસિત ભારત@2047’ ના આપણા વિઝનને મજબૂત બનાવશે અને પ્રભાવશાળી, સમાવેશી તથા ટકાઉ રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં ભારતની વૈશ્વિક નેતૃત્વક્ષમતાને વધુ સુદૃઢ કરશે.”
આ ક્ષણ ગુજરાત તથા ભારત માટે અત્યંત ગૌરવપ્રદ ક્ષણ છે : હર્ષ સંઘવી
ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે, “આ ક્ષણ ગુજરાત તથા ભારત માટે અત્યંત ગૌરવપ્રદ ક્ષણ છે. સો વર્ષ પૂર્ણ થતી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ અમારા માટે સન્માન અને જવાબદારી બંને છે. અમદાવાદ અને ભારતની પ્રગતિ, સમાવેશી વિચારસરણી તથા આતિથ્યની ઝલક દર્શાવતા આ ઉત્સવ સાથે વિશ્વનું સ્વાગત કરવા અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ રમતો આપણી માળખાકીય સુવિધાઓ અને પ્રતિભાનું પ્રદર્શન જ નહીં, પરંતુ એકતા, ટકાઉ વિકાસ તથા શ્રેષ્ઠતા જેવા આપણા મૂલ્યોનું પણ પ્રતિબિંબ પાડશે”
આ તકે કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ ડૉ. પી. ટી. ઉષાએ (Dr. P. T. Usha) જણાવ્યું હતું કે, “કોમનવેલ્થ સ્પોર્ટ દ્વારા અમારા પર જે વિશ્વાસ મુકવામાં આવ્યો છે તેનાથી અમે ખૂબ જ ગૌરવાન્વિત છીએ. વર્ષ-2030 ની રમતો માત્ર કોમનવેલ્થ ચળવળના સો વર્ષની ઉજવણી જ નહીં, પરંતુ આવનારી સદીનો પાયો પણ નાખશે. આ રમતો કોમનવેલ્થના તમામ દેશોના ખેલાડીઓ, સમુદાયો અને સંસ્કૃતિઓને મિત્રતા તથા પ્રગતિની ભાવના સાથે એકસૂત્રે બાંધશે”
કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ ડૉ. ડોનાલ્ડ રુકારેએ (Dr. Donald Rukare) જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેરની વર્ષ-2030 ના કોમનવેલ્થ ગેમ્સના (Commonwealth Games 2030) યજમાન તરીકે સત્તાવાર પસંદગી એ ભારતની કોમનવેલ્થ ચળવળ માટેની એક નિર્ણાયક ક્ષણ છે. વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ભારત સો વર્ષ પૂર્ણ કરનારા આ રમતોત્સવમાં વિશાળતા, યૌવન, મહત્વાકાંક્ષા, સમૃદ્ધ સંસ્કૃતિ તથા અપાર રમતપ્રેમ લઈને આવશે. ભારતનો આ રમતોત્સવ માટેનો પ્રસ્તાવ સમાવેશી તથા ભવિષ્યલક્ષી કોમનવેલ્થ સ્પોર્ટના અમારા વિઝન સાથે સંપૂર્ણપણે મેળ ખાનારો છે.”
“ન્યૂ એજ ગેમ્સ ફોર અ ન્યૂ સેન્ચુરી”ના થીમ આધારિત બિડએ સૌને પ્રભાવિત કર્યા
આજની આ જાહેરાત સમગ્ર ભારત દેશ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે, જે દેશમાં વધી રહેલા વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ્સના માળખા અને આ પ્રકારની સ્પોર્ટ્સ ઇવેન્ટનું નિયમન કરવાની રાષ્ટ્રની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. ભારત દ્વારા રજૂ કરવામાં આવેલા સર્વસમાવેશકતા અને મજબૂતાઈની વિભાવનાને સમાવતા “ન્યૂ એજ ગેમ્સ ફોર અ ન્યૂ સેન્ચુરી”ના થીમ આધારિત બિડ કોમનવેલ્થ જનરલ અસેમ્બલીને પ્રભાવિત કરી ગઈ હતી. આ થીમ કોમનવેલ્થ સ્પોર્ટ ગેમ્સના નિર્ધારિત સિદ્ધાંતો—સસ્તું, સુગમ, સર્વસમાવેશકતા અને દીર્ઘકાલીન વારસાને બંધબેસતી હતી.
આ પણ વાંચો - Commonwealth Games 2030 : PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?
અમદાવાદનો ગેમ્સ પ્લાન સંક્ષિપ્ત, આધુનિક અને ખેલાડી-કેન્દ્રિત અભિગમ રજૂ કરે છે. એશિયાના સૌથી મોટા મલ્ટી-સ્પોર્ટ વિકાસ પ્રકલ્પોમાનું એક — સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ (Sardar Vallabhbhai Patel Sports Enclave) — ગેમ્સના મુખ્ય કેન્દ્ર તરીકે કાર્ય કરશે. કરાઈ સ્થિત ગુજરાત પોલીસ એકેડેમી અને નારણપુરા ખાતેનું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા અત્યાધુનિક સપોર્ટસ સંકુલો આ વ્યવસ્થામા સહાયકની ભૂમિકા ભજવી મજબૂતાઈ પૂરી પાડશે. આ સ્પોર્ટ્સ સંકુલોની આસપાસમાં પરિવહનના સંકલિત નેટવર્ક્સ, રહેણાંકની અદ્યતન સુવિધાઓ, ડીજીટલ માળખું વર્ષ-2030 પૂર્વેની અમદાવાદની સજ્જતાને સિદ્ધ કરે છે. આ રમતોત્સવ સાથે પેરા-સ્પોર્ટ્સને પણ આવરી લેવામાં આવશે તથા સૌની સુગમતા સુનિશ્ચિત કરવાની સાથે નવીનીકરણીય ઊર્જા-આધારિત સ્થળો, ઓછા ઉત્સર્જનવાળા પરિવહન સંસાધનો અને શૂન્ય-કચરાનાં સંચાલન દ્વારા ટકાઉપણામાં નવા ધોરણો પ્રસ્થાપિત કરવામાં આવશે.
આ આયોજનથી ગુજરાત ઝડપભેર દેશના ‘સ્પોર્ટિગ કેપિટલ’માં રૂપાંતરિત થશે!
વર્ષ-2030ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની ‘વિકસિત ભારત–2047’ અને ‘વિકસિત ગુજરાત’ ની સંકલ્પનાઓને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. આ ગેમ્સના આયોજનથી ગુજરાત ઝડપભેર દેશના ‘સ્પોર્ટીંગ કેપિટલ’માં રૂપાંતરિત થશે, જેના લીધે શહેરી વિકાસ અને નવીનીકરણને પ્રોત્સાહન મળવાની સાથે રાજ્યમાં રોજગારીનું સર્જન થશે, પર્યટનમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાથી નાગરિકોની જીવનશૈલીમાં પણ આમૂલ પરિવર્તન આવશે.
આ દ્રષ્ટિને મુખ્ય રાષ્ટ્રીય સુધારાઓ—રાષ્ટ્રીય રમત નીતિ ૨૦૨૫, રાષ્ટ્રીય રમત શાસન અધિનિયમ 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ 2025—દ્વારા મજબૂત આધાર મળે છે, જે ભારતીય રમતગમત ઇકોસિસ્ટમમાં પારદર્શિતા, શાસન અને રમતવીર કલ્યાણને સામૂહિક રીતે વધુ મજબૂત બનાવે છે. નેશનલ સ્પોર્ટ્સ પોલીસી-૨૦૨૫ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે રમતગત ક્ષેત્રમાં કરવામાં આવેલા સુધાર, નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ-2025 તથા નેશનલ એન્ટી-ડોપિંગ (એમેન્ડમેન્ટ) બિલ-૨૦૨૫ અંતર્ગત થયેલા ફેરફારોએ સામુહિક રીતે આ બીડને મજબુત સહયોગ આપ્યો હતો. આ કારણે ભારતીય સ્પોર્ટ્સ ઇકો –સિસ્ટમમાં પારદર્શિતા, વહીવટ અને રમતવીરોના કલ્યાણને મજબૂતી મળી છે.
આ રમતોત્સવ ભારત સરકાર, ગુજરાત સરકાર તથા કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CGA ઈન્ડિયા) વચ્ચેના પારસ્પરિક સહયોગથી યોજાશે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનની જનરલ એસેમ્બલી સમક્ષ આ પ્રસ્તાવ શ્રી અશ્વિની કુમાર, અગ્ર સચિવ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર; શ્રી કુણાલ ખરેચા, સંયુક્ત સચિવ (રમતગમત), ભારત સરકાર; શ્રી બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મહાનગરપાલિકા; શ્રી રઘુ ઐયર, મુખ્ય કાર્યકારી અધિકારી, કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ અધિકારીગણના સંકલિત પ્રયાસો અને તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે સાયુજ્ય સાધીને જનરલ એસેમ્બલી સમક્ષ કરવામાં આવેલી આકર્ષક પ્રસ્તુતિએ અમદાવાદને આ ગેમ્સને યજમાની આપવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.
આ પણ વાંચો - Himmatnagar : સિક્સ લેન નેશનલ હાઇવેનું નિરીક્ષણ કરવા હિંમતનગર પહોંચ્યા નીતિન ગડકરી
પરંપરાગત વારસા, સમસમાવેશીતાની ભાવના અને પારસ્પરિક સહકારને કેન્દ્ર સ્થાને રાખીને અમદાવાદ ખાતે આયોજિત થનારા કોમનવેલ્થ ગેમ્સના આ શતાબ્દીનું આયોજન ભૂતકાળનું સન્માન, વર્તમાનની ઉજવણી કરશે અને કોમનવેલ્થ સ્પોર્ટ ચળવળના ભવિષ્યને નવો આકાર આપશે.
અમદાવાદને Commonwealth Games 2030 નું યજમાન પદ : શ્રેણીબદ્ધ તબક્કાઓ
વર્ષ-2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાનપદના અધિકાર મેળવવાની ભારતની યાત્રા કોમનવેલ્થ સ્પોર્ટ (CS) સાથેની સુવ્યવસ્થિત અને સહકારપૂર્ણ પ્રક્રિયા દ્વારા પૂર્ણ થઈ છે. આ પ્રક્રિયાની ઔપચારિક શરૂઆત તા. 9 જાન્યુઆરી 2025 ના રોજ થઈ હતી, જ્યારે ભારતને CS તરફથી ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ (LoI) નું આમંત્રણ મળ્યું. ત્યારબાદ 29 જાન્યુઆરી 2025 ના રોજ કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ અને CEO એ ગુજરાતની મુલાકાત લીધી અને રાજ્યના નેતૃત્વ સાથે વાતચીત કરીને રમતો માટેની પ્રાથમિક વિઝન અને તૈયારીનું અવલોકન કર્યું. આ પછી તા.13 માર્ચ 2025 ના રોજ ભારતે ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ સુપરત કરીને રમતોનું આયોજન કરવા માટેની ઔપચારિક પ્રતિબદ્ધતા દર્શાવી. આ અંગેની તૈયારીઓ તેજ થતાં, તા. 29 એપ્રિલ 2025 ના રોજ ભારત અને કોમનવેલ્થ સ્પોર્ટ વચ્ચે પ્રથમ વર્ચ્યુઅલ કિક-ઑફ મીટિંગ યોજાઈ, જેમાં વર્કસ્ટ્રીમ, દસ્તાવેજોની અપેક્ષાઓ તથા સમયમર્યાદા નક્કી કરવામાં આવી. મે, 2025 માં બિડના વિકાસ માટે એક વિશેષજ્ઞ કન્સલ્ટન્સી એજન્સીની નિમણૂક કરવામાં આવી.
જૂન 2025 માં ભારતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ લંડન ગયું અને કોમનવેલ્થ સ્પોર્ટના અધિકારીઓ સાથે મળીને પ્રસ્તાવના તાંત્રિક તથા સંચાલનાત્મક પાયાને વધુ મજબૂત બનાવ્યું. ત્યારબાદ તા. 3 ઑગસ્ટ 2025 ના રોજ કોમનવેલ્થ સ્પોર્ટની ટીમે અમદાવાદની મુલાકાત લીધી અને સ્થળો, આધારભૂત સુવિધાઓ, શાસન વ્યવસ્થા તથા રમતોની તૈયારીનું મૂલ્યાંકન કર્યું.
તા. 23 સપ્ટેમ્બર 2025 ના રોજ ભારતે પોતાની ઔપચારિક બિડ પ્રેઝન્ટેશન રજૂ કરી, જેમાં સો વર્ષ પૂર્ણ થતી રમતોના આયોજન માટેની દ્રષ્ટિ, ક્ષમતા તથા તૈયારી દર્શાવવામાં આવી. વિગતવાર મૂલ્યાંકન પ્રક્રિયાના પરિણામે 14 ઑક્ટોબર, 2025 ના રોજ કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડે ભારતની બિડની મજબૂતાઈ, સ્પષ્ટતા તથા વ્યાવસાયિકતાને ટાંકીને અમદાવાદને યજમાન શહેર તરીકેની ભલામણ કરી.
આ પ્રક્રિયાને આખરીઓપ તા. 26 નવેમ્બર 2025 ના આપવામાં આવ્યો અને કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલીએ અમદાવાદને વર્ષ-2030 માં સો વર્ષ પૂર્ણ કરતી કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકેની પુષ્ટિ આપી. આ ક્ષણ ભારત, ગુજરાત તથા સમગ્ર કોમનવેલ્થ રમતગમત ચળવળ માટે ઐતિહાસિક ક્ષણ છે.'
આ પણ વાંચો - CWG-2030 ની અમદાવાદની યજમાનીથી ઓલિમ્પિક-2036ની ભારતની દાવેદારી થશે મજબૂત!