Punjab પૂર પ્રભાવિત લોકોની સહાય, 700 ટનથી વધુ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ભરેલી ટ્રેનને CMએ લીલીઝંડી આપી
- પંજાબના પૂર પ્રભાવિત લોકોની સહાયતા માટે ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે મોકલવામાં આવી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૪૦૦ ટન ખાદ્ય સામગ્રી તેમજ ૭૦ ટન જેટલી દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું
- પંજાબ અને છત્તીસગઢના પૂર આફત ગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. પાંચ-પાંચ કરોડની સહાયના ચેક મોકલવામાં આવ્યા
Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાતે પંજાબના પૂર પીડિત લોકોની પડખે ઊભા રહિને મુશ્કેલીના સમયે જરૂરત મંદોની મદદ માટે આપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને આગળ ધપાવી છે. પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી ગુજરાત સરકારની રાહત કમિશનરની કચેરીના સંકલન હેઠળ અન્ન નાગરિક પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવા વિવિધ વિભાગો દ્વારા જીવન આવશ્યક ચીજ વસ્તુઓ વિશેષ રાહત ટ્રેન મારફતે પંજાબ પહોંચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ગુજરાત તરફથી રૂ. પાંચ-પાંચ કરોડની મદદ સહાયના ચેક તે રાજ્યોના મુખ્યમંત્રીઓને અગાઉ મોકલી આપ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોટ, ડુંગળી, બટાકા, ચોખા, સીંગતેલ, ખાંડ અને દૂધ પાવડર જેવી આવશ્યક વસ્તુ મળી કુલ ૪૦૦ ટન ખાદ્ય સામગ્રી તેમજ ૧૦ હજાર નંગ તાડપત્રી, ૧૦ હજાર મચ્છરદાની, ૧૦ હજાર બેડશીટ અને ૭૦ ટન જેટલી દવાઓ સાથેની આ વિશેષ રાહત ટ્રેનને ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂર આફત ગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી રૂ. પાંચ-પાંચ કરોડની મદદ સહાયના ચેક તે રાજ્યોના મુખ્યમંત્રીઓને આ અગાઉ મોકલી આપ્યા છે.
ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યા બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારો માટે વિવિધ રાહત સામગ્રી સાથેની જે ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવી છે. તેમાં ઘઉંથી માંડીને કપડા સુધીની વિવિધ ચીજ વસ્તુઓનો સમાવેશ ૨૨ વેગન સાથેની આ ટ્રેનમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત છત્તીસગઢના અસરગ્રસ્ત વિસ્તારો માટે પણ જીવન જરૂરિયાતની અંદાજે ૮ હજાર જેટલી રાહત કીટ મોકલવામાં આવી છે. તેમ પ્રવક્ત મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
રેલવે તંત્ર તેમજ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
તેમણે એમ પણ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લાના વરસાદ આપત્તિગ્રસ્ત વિસ્તારોની પણ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પ્રભારી મંત્રીઓ સાથે મુલાકાત લઈને જિલ્લા તંત્રની કામગીરીની સમિક્ષા કરવા સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવાના છે. મુખ્યમંત્રીએ આ વિશેષ રાહત ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું તે વેળાએ અન્ન નાગરિક પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહરાજ્ય મંત્રી અને ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ધારાસભ્ય રીટા બહેન પટેલ, પ્રદેશ મહામંત્રી રજની ભાઈ પટેલ, શહેર પ્રમુખ ડૉ. આસિત દવે તેમજ અન્ન નાગરિક પૂરવઠા અગ્ર સચિવ મોના ખંધાર, રાહત કમિશનર આલોક પાંડે, રેલ્વેના ડી.આર.એમ. અને રેલવે તંત્ર તેમજ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Gujarat Rain: બનાસકાંઠામાં મેઘરાજાની તબાહી બાદ હવે રાજકારણ