વાવાઝોડાની તબાહી બાદ પોલીસની પ્રશંસનીય કામગીરી
કચ્છમાં દુર્ગાપુરના વાડી વિસ્તારમાં કમરડુબ પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા. વાડી વિસ્તારમાં ગાડી જઈ શકે એમ નહોતા પોલીસે બે કિલોમીટર પગે ચાલીને પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા. બિપરજોય વાવાઝોડાંની ભયાનક પરિસ્થિતિ વચ્ચે પોલિસની કામગીરી કરી હતી. દુર્ગાપુર વાડી વિસ્તારમાં ભારે વરસાદ થકી કમરસમા પાણી ભરાઈ જતા વાડી વિસ્તારમાં રહેતા મજૂર પરિવારો પર જીવનું જોખમ સર્જાયું હતું. કુલ ૧૬ લોકોનો સમાવેશ થતો હતો. જેમાં નવ બાળકો ચાર મહિલા અને ત્રણ પુરુષ સામેલ હતા.
કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી માટે NDRF ની ૬ ટીમ તૈનાત કરવામાં આવી છે. માંડવી નગરપાલિકાના બગીચાબાગ વિસ્તારમાં ફસાયેલા ૬ લોકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
બીજી તરફ જામનગરમાં એક પરિવાર માટે ફાયરના જવાનો દેવદૂત બનીને આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ફસાયેલા બિમાર વૃદ્ધા સહિત 5 લોકોને બચાવી લીધા છે. ઘટના સેતાવાડ વિસ્તારની છે. જ્યાં તોફાની પવન સાથે વરસેલા વરસાદમાં એક મકાન ધરાશાયી થઈ ગયું. જેના કારણે બાજુના મકાનની છત અને પગથિયા તૂટી જતાં પરિવાર ફસાઈ ગયો હતો.
જે અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફસાયેલા પરિવારને બહાર કાઢવા કામગીરી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડની ગાડી પરથી છેક બિલ્ડિંગની બારી સુધી સીડી ગોઠવવામાં આવી હતી અને દિલધકડ બચાવકાર્ય હાથ ધર્યું હતું. કચ્છમાં સર્જાયેલી ભયાનક સ્થિતિને લઈ NDRFના જવાનો આશીર્વાદ સમાન સાબિત થયું છે.
આપણ વાંચો -ગુજરાત સરકારની આગોતરી તૈયારીથી ‘બિપોરજોય’થી થનારું ગંભીર નુકશાન ટળી ગયું..!