CWG-2030 ની અમદાવાદની યજમાનીથી ઓલિમ્પિક-2036ની ભારતની દાવેદારી થશે મજબૂત!
- ભારતને મળી CWG-2030 ની યજમાની
- અમદાવાદમાં યોજાશે કોમનવેલ્થ ગેમ્સ
- 15 વર્ષ પછી મળી કોમનવેલ્થ ગેમ્સ
Commonwealth Games 2030: ગુજરાતના અમદાવાદ શહેરને કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 ની યજમાની મળી છે. ઇતિહાસમાં પહેલીવાર કોઈ મોટો આંતરરાષ્ટ્રીય મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ દિલ્હીની બહાર યોજાશે. અગાઉ ભારતે 1951 અને 1982ની એશિયન ગેમ્સ તેમજ 2010ના કોમનવેલ્થ ગેમ્સ સહિત તમામ 3 મુખ્ય ઇવેન્ટ્સનું આયોજન દિલ્હીમાં જ કર્યું હતું. ભારતના અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળી છે , હવે આના આધારે ભારતને 2036 ઓલમ્પિકની યજમાની પણ મળી શકે છે તેની દાવેદારી પણ વધુ મજબૂત બનશે.
અમદાવાદને મળી કોમનવેલ્થ ગેમ્મ 2030ની યજમાની
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ના સફળ આયોજન માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. CWGની ટીમ અત્યાર સુધીમાં બે વખત ગુજરાતનો પ્રવાસ કરી ચૂકી છે. ખેલાડીઓ, અધિકારીઓ અને દર્શકો માટે અહીં વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ છે.મુખ્ય વેન્યુ તરીકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નરોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.હવે આ પ્રસ્તાવને સત્તાવાર અમદાવાદને કોમનવેલ્થ ગેમ્મ 2030ની યજમાની મળી ગઇ છે.
Commonwealth Games 2030: CWG ની યજમાની વિશે
કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કોઈ પણ દેશ માટે માત્ર એક રમતગમતની ઘટના નથી, પરંતુ તે તેની આંતરરાષ્ટ્રીય છબી, વિકાસની ક્ષમતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિઝનનું પ્રતીક માનવામાં આવે છે. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ભારત, કેનેડા અને ન્યૂઝીલેન્ડ સહિત કુલ 9 દેશોએ તેની યજમાની કરી છે. સૌથી વધુ 5 વખત યજમાની કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. 2030માં આ ગેમ્સને 100 વર્ષ પૂરા થશે.
Commonwealth Games 2030: ઓલિમ્પિક-2036 ની દાવેદારીને મળશે મજબૂતાઇ
કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળવાથી ઓલિમ્પિક ગેમ્સ 2036 ની યજમાની માટે ભારતની દાવેદારી મજબૂત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આ અંગેની તૈયારીઓનો સંકેત આપ્યો હતો. ભારતે ગયા વર્ષે નવેમ્બરમાં ઓલિમ્પિક ગેમ્સ-2036 ની યજમાની માટે સત્તાવાર રીતે દાવેદારી પણ રજૂ કરી છે.
ભારતીય પ્રદર્શનનો ઇતિહાસ:
ભારત અને કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ આ યજમાનીને વધુ ખાસ બનાવે છે, 2010 દિલ્હી ગેમ્સ 71 દેશોના 6081 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે કુલ 101 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો, જેમાં 38 ગોલ્ડ મેડલ સામેલ હતા.
2022 બર્મિંગહામ ગેમ્સ:
72 દેશોના 5 000 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે કુલ 61 મેડલ (22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ) જીત્યા હતા. રસપ્રદ વાત એ છે કે આમાંથી 30 મેડલ માત્ર કુસ્તી, વેઇટલિફ્ટિંગ અને એથ્લેટિક્સમાંથી આવ્યા હતા, જ્યારે મહિલા ક્રિકેટ ટીમે પણ સિલ્વર મેડલ જીત્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ
કોમનવેલ્થ ગેમ્સ એક આંતરરાષ્ટ્રીય મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ છે, જેમાં બ્રિટિશ શાસન હેઠળ રહેલા દેશોના ખેલાડીઓ ભાગ લે છે. હાલમાં તેમાં 54 સભ્ય દેશો છે. આ ગેમ્સની શરૂઆત 1930 માં કેનેડાના હેમિલ્ટન શહેરથી થઈ હતી. પહેલાં તેને બ્રિટિશ એમ્પાયર ગેમ્સ કહેવાતું, જેનું નામ 1978 થી બદલીને 'કોમનવેલ્થ ગેમ્સ' કરવામાં આવ્યું.
આ પણ વાંચો: બ્રેકિંગ ન્યૂઝ : 2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાશે, ગુજરાત માટે ઐતિહાસિક દિવસ