હું PM MODI ને મળીને ખુબ જ ખુશ થયો; વર્તમાન સમયમાં ભારત-ચીનને પડોશી દેશો તરીકે સારા મિત્ર બનવું ખુબ જ જરૂરી : XI Jinping
- ડ્રેગન અને હાથી’નો સંગ : PM Modi - XI Jinping ની મુલાકાતમાં ભારત-ચીન દોસ્તી પર ભાર
- ભારત-ચીનની નવી શરૂઆત: તિયાનજિનમાં મોદી-જિનપિંગની મહત્વની બેઠક
- જિનપિંગનો સંદેશ : સીમા વિવાદ સંબંધો પર હાવી ન થાય, ભારત-ચીન બનશે ભાગીદાર
- મોદી-જિનપિંગની દોસ્તી : SCO સમિટમાં ભારત-ચીન સંબંધોને નવી દિશા
- ગ્લોબલ સાઉથનો મજબૂત આવાજ: ભારત-ચીનની મુલાકાતમાં બહુપક્ષવાદ પર ભાર
તિયાનજિન : રવિવારે ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની (PM Modi - XI Jinping) મુલાકાતે વૈશ્વિક મંચ પર નવો રંગ ભર્યો. જિનપિંગે કહ્યું કે તેઓ મોદીજીને મળીને ખૂબ ખુશ થયા અને આજના જટિલ વૈશ્વિક સંજોગોમાં ભારત-ચીનની દોસ્તી અને પડોશી તરીકેનો સહયોગ અત્યંત જરૂરી છે. ખાસ વાત એ કે જિનપિંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એકતરફી નીતિઓ પર આડકતરૂં નિશાન સાધ્યું અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થા તેમજ આંતરરાષ્ટ્રીય લોકશાહીને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
PM Modi - XI Jinping ની દ્વિપક્ષીય બેઠક લગભગ એક કલાક ચાલી
તિયાનજિનના ગેસ્ટ હાઉસમાં રવિવારે બપોરે યોજાયેલી આ દ્વિપક્ષીય બેઠક લગભગ એક કલાક ચાલી હતી. આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે ટ્રમ્પની ટેરિફ નીતિઓથી ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ છે, અને 2020ના ગલવાન સંઘર્ષ બાદ ભારત-ચીન સીમા પર શાંતિ સ્થાપવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબર 2024માં રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન થયેલી બેઠકે બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાનો માર્ગ મોકળો કર્યો હતો. આ વખતની બેઠક એ પ્રગતિને આગળ ધપાવવા માટેનું એક મહત્વનું પગલું હતું.
આ પણ વાંચો- Gmail અને Google Cloud ના 2.5 અબજ યુઝર્સના ડેટા ચોરાયા, જાણો કેવી રીતે બચશો
ભારત સાથેના મજબૂત સંબંધ વિશે શું કહ્યું જિનપિંગે
શી જિનપિંગે કહ્યું કે આજે વિશ્વ એક સદીમાં એકવાર થતા બદલાવોના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ જટિલ અને અસ્થિર છે, અને આવા સમયે ભારત-ચીનનું એકજૂટ થવું એ સમયની માંગ છે. તેમણે નોંધ્યું કે 2025માં ભારત-ચીન રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ છે, અને આ તકનો ઉપયોગ બંને દેશોએ સંબંધોને રણનીતિક અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણથી મજબૂત કરવા માટે કરવો જોઈએ. જિનપિંગે ચાર મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા.
1. રણનીતિક સંવાદ અને વિશ્વાસ : બંને દેશોએ એકબીજાને પ્રતિસ્પર્ધી નહીં પણ ભાગીદાર તરીકે જોવું જોઈએ. એકબીજાને વિકાસની તક તરીકે જોવું જોઈએ ખતરા તરીકે નહીં.
2. સહયોગ અને આદાન-પ્રદાન : બંને દેશો વિકાસ અને પુનરુત્થાનના તબક્કામાં છે. સહયોગને પ્રાથમિકતા આપીને ‘વિન-વિન’ પરિણામો મેળવવા જોઈએ.
3. શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ : 70 વર્ષ પહેલાં નક્કી થયેલા પંચશીલ સિદ્ધાંતોને ફરીથી અપનાવવા અને સીમા વિવાદને સંબંધો પર હાવી ન થવા દેવો. સીમા વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સાથે મળીને કામ કરવું.
4. સામાન્ય હિતોનું રક્ષણ : બહુધ્રુવીય વિશ્વ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના લોકતાંત્રીકરણને પ્રોત્સાહન આપવું. ન્યાય, સમાનતા અને વૈશ્વિક શાંતિ માટે ભારત-ચીનની ઐતિહાસિક જવાબદારી નિભાવવી.
‘ડ્રેગન અને હાથી’નો રાગ
જિનપિંગે ફરી એકવાર તેમનો ફેમસ ‘ડ્રેગન અને હાથી’નો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત અને ચીનનું એકસાથે આવવું એ બંને દેશો માટે યોગ્ય નિર્ણય છે. તેમણે કહ્યું કે બંને દેશો પ્રાચીન સંસ્કૃતિઓ અને ગ્લોબલ સાઉથના મહત્વના સભ્યો છે, જેમની જવાબદારી છે કે તેઓ પોતાના 2.8 અબજ લોકોનું ભલું કરે અને વૈશ્વિક પ્રગતિમાં યોગદાન આપે.
PM મોદીનો જવાબ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કઝાનની મુલાકાતે ભારત-ચીન સંબંધોને સકારાત્મક દિશા આપી હતી, અને હવે બંને દેશો સાચા માર્ગે આગળ વધી રહ્યા છે. તેમણે નોંધ્યું કે સીમા પર શાંતિ અને સ્થિરતા જળવાઈ છે, અને ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ્સ ફરી શરૂ થશે. મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારત અને ચીન પ્રતિસ્પર્ધી નહીં, પણ ભાગીદાર છે, અને બંનેમાં અસહમતિ કરતાં સહમતિ વધુ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને ચીન મળીને ‘એશિયન સદી’ને મજબૂત કરશે અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવશે.
PM Modi - XI Jinping ની બેઠકમાં ટ્રમ્પ પર નિશાન
જિનપિંગે નામ લીધા વિના અમેરિકાની એકતરફી નીતિઓ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભારત અને ચીનએ બહુપક્ષવાદને પ્રોત્સાહન આપવું જોઈએ અને વૈશ્વિક વ્યવસ્થાને વધુ લોકતાંત્રિક બનાવવી જોઈએ. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પની ટેરિફ નીતિઓએ ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ વધાર્યો છે. આ મુલાકાતને ભારતની ‘જરૂરિયાત-આધારિત ગઠબંધન’ની વિદેશ નીતિના ભાગરૂપે જોવામાં આવે છે, જેમાં ભારત રશિયા, ચીન અને અન્ય ગ્લોબલ સાઉથ દેશો સાથે સંતુલન જાળવી રહ્યું છે.
આ પણ વાંચો- રામાનંદ સાગરના પુત્ર Prem Sagar નું 81 વર્ષની વયે નિધન, ‘રામાયણ’ના ‘લક્ષ્મણે’ વ્યક્ત કર્યો શોક