કોંગ્રેસે સંગઠનમાં મોટાપાયે કર્યા ફેરફાર, AICC સચિવ સાથે સહ-પ્રભારીની પણ કરી નિમણૂક
- કોંગ્રેસ સંગઠનમાં કર્યા મોટાપાયે ફેરફાર
- કોંગ્રેસે નવા 9 AICC સચિવોની નિમણૂક કરી
- કોંગ્રેેસે સંગઠન મજબૂત કરવા આ ફેરફાર કર્યા
કોંગ્રેસે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે.કોંગ્રેસ પક્ષના માનનીય અધ્યક્ષ દ્વારા સંગઠનમાં તાત્કાલિક અસરથી મહત્વના ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, પક્ષના અધ્યક્ષે કુલ નવા 9 AICC સચિવોની નિમણૂક કરી છે, જેઓ સંબંધિત રાજ્યોના મહાસચિવો અને પ્રભારીઓ સાથે જોડાશે અને તેમને સહાય કરશે. આ નિમણૂક પક્ષના સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણીલક્ષી વ્યૂહરચનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે.
કોંગ્રેસે ગુજરાતમાં આ યુવા નેતાઓને સહ પ્રભારીની જવાબદારી સોંપી
નોંધનીય છે કે ગુજરાતના નવા સહ-પ્રભારી તરીકે બી.વી. શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવની નિમણૂક કરવામાં આવી છે. આ બંને નેતાઓની ગણતરી રાહુલ ગાંધીની ટીમના મજબૂત અને સક્રિય કાર્યકર્તાઓ તરીકે થાય છે. શ્રીનિવાસ બી.વી. ભૂતકાળમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો સારો રેકોર્ડ ધરાવે છે. જ્યારે દેવેન્દ્ર યાદવ અગાઉ ઉત્તરાખંડના AICC સચિવ તરીકેની જવાબદારી સંભાળતા હતા, પરંતુ હવે તેમની જવાબદારી ગુજરાત માટે બદલીને આપવામાં આવી છે. આ બંને યુવાન નેતાઓની નિમણૂકથી ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં નવી તાકાત અને કામ કરવાની તેજી આવવાની સંભાવના છે.
સંગઠનમાં કર્યા મોટાપાયે કરાયા ફેરફાર
નિયુક્ત કરાયેલા નવા સચિવોમાં ગુજરાત માટે શ્રીનિવાસ બી.વી.ની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ટી.એન. પ્રતાપનને પુડુચેરી અને લક્ષદ્વીપની જવાબદારી સોંપાઈ છે. સંજના જાટવને મધ્યપ્રદેશ, સચિન સાવંતને તેલંગણા અને રેહાના રિયાઝ ચિશ્તીને મહારાષ્ટ્રની જવાબદારી આપવામાં આવી છે. પંજાબ માટે એમ.એસ. હિના કાવરે અને સૂરજ ઠાકુરની નિમણૂક થઈ છે. આ ઉપરાંત, જેટી કુસુમ કુમાર ઓડિશા અને નિવેદિત આલ્વા તમિલનાડુ માટે AICC સચિવ તરીકે કાર્યભાર સંભાળશે.
કોંગ્રેસેનવા 9 AICC સચિવોની નિમણૂક કરી
આ સાથે, કોંગ્રેસ અધ્યક્ષશ્રીએ હાલના પાંચ AICC સચિવોના કાર્યક્ષેત્રમાં પણ ફેરફારને મંજૂરી આપી છે. આ ફેરફાર મુજબ, ઉષા નાયડુને મધ્યપ્રદેશ,ભૂપેન્દ્ર મરાવીને ઝારખંડ, અને પરગટ સિંહને જમ્મુ અને કાશ્મીરની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર યાદવને હવે ગુજરાતની જવાબદારી આપવામાં આવી છે, જ્યારે મનોજ યાદવ ઉત્તરાખંડ માટે કાર્ય કરશે. આ ફેરફારો દ્વારા કોંગ્રેસ પક્ષે રાજ્ય સ્તરના એકમો અને મુખ્ય નેતૃત્વ વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે, જે આવનારી રાજકીય પરિસ્થિતિઓનો સામનો કરવા માટેની પક્ષની તૈયારી દર્શાવે છે.