Amreli Congress : ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન પહેલા પ્રતાપભાઈ દુધાતની ખેડૂતોને આક્રમક અપીલ
- Amreli Congress : ખેતી બચાવો સત્યાગ્રહ : કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતની ખેડૂતોને અપીલ - ડિજિટલ સર્વે વિરુદ્ધ ગ્રામપંચાયતમાં ઠરાવ પસાર કરો
- ગુજરાતના ખેડૂતો જાગો : પ્રતાપભાઈ દુધાતે સરપંચોને કહ્યું - સર્વે કરનારને રોકો, આંદોલનમાં જોડાઈને દેવા માફ કરાવો
- સત્યાગ્રહ આંદોલન પહેલા અપીલ : પ્રતાપભાઈ દુધાતની વિનંતી - રોડ પર આવો, સરકારને જાગૃત કરો, ખેતીનું રક્ષણ કરો
Amreli Congress : રાજ્યમાં કમોસમી વરસાદ પછી વેરાયેલા સર્વત્ર વિનાશ પછી રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. એક તરફ સરકાર સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપવાની બાહેંધરી આપી રહી છે પરંતુ બીજી તરફ વિપક્ષ કહી રહ્યું છે કે, સરકારે સહાય આપવી નથી એટલે ડિજિટલ સર્વેની વાત કરીને સહાયને ટલ્લે ચડાવી રહી છે. આ વચ્ચે અમરેલી કોંગ્રેસનો ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન વચ્ચે કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈએ ખેડૂતો સામે અપીલના રૂપમાં એક નવો મમરો મૂક્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ
ગુજરાતમાં કમોસમી વરસાદ પછી ખેડૂતોને સહાય આપવા સહિત ખેડૂતોની સમસ્યાઓને લઈને વધતી નારાજગી વચ્ચે કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતે કોંગ્રેસનું "ખેતી બચાવો" સત્યાગ્રહ આંદોલન પહેલા ખેડૂતો અને સરપંચોને વ્યાપક અપીલ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો અને પોસ્ટ દ્વારા કરેલી આ અપીલમાં તેમણે સરકારના ઓનલાઇન ડિજિટલ સર્વે વિરુદ્ધ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ગ્રામપંચાયતોમાં બેસીને ઠરાવ પસાર કરીને સર્વે કરનાર અધિકારીઓને કોઈ જગ્યાએ જવા દેવા નહીં. આ આંદોલન દ્વારા ખેડૂતોના દેવા માફ કરાવવા અને સરકારને જાગૃત કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.
ગુજરાતભરના સરપંચો અને ખેડૂતોને વિનંતી
પ્રતાપભાઈ દુધાત જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરીકે જાણીતા છે, તેમણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના સરપંચો અને ખેડૂતોને વિનંતી કરી છે કે તેઓ તરત જ ગ્રામપંચાયતની બેઠકો બોલાવીને આ વિરુદ્ધ ઠરાવ પસાર કરે. તેમણે કહ્યું, "ઠરાવ કરીને આપી દો, સરકાર ગતકડાં બંધ કરે અને ખેડૂતોના દેવા માફ કરે. સૌરાષ્ટ્રભરમાં કમોસમી વરસાદથી વેરાયેલા વિનાશ પછી સરકારે ખેડૂતોને સહાય આપવા માટે ડિજિટલ સર્વેના આદેશ આપ્યા હતા. જોકે, ખેડૂતો પોતે જ સર્વેનો વિરોધ કરી રહ્યાં છે.
આ અંગે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું કે, અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના ખેડૂતો અને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે, આપના ગામમાં જ ગ્રામ પંચાયતમાં ઠરાવ કરીને સર્વે કરવા આવનારને સર્વે કરવા જવા દેવા ન જોઈએ. ખેડૂતોએ પણ જાગવુ પડશે, રોડ પર આવવું પડશે. જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ અને અવાજ નહીં ઉપાડો ત્યાં સુધી સરકાર જાગવાની નથી.
આ પણ વાંચો- VNSGU : પરીક્ષામાં ગેરરીતિ કરવા બદલ વિદ્યાર્થીઓ પાસેથી ₹70 લાખનો દંડ વસૂલાયો
શું ડિજિટલ સર્વેએ વધારી ખેડૂતોની સમસ્યા?
હાલમાં સોશિયલ મીડિયા ઉપર પણ ખેડૂતોના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં તેઓ ડિજિટલ સર્વેની મર્યાદાઓ વિશે જણાવી રહ્યાં છે. એક ગામમાં 500થી વધારે સર્વે નંબર હોય છે, તેવામાં ખેડૂતો પોતાના ખેતરોમાં પાથરા ન પણ રાખી શકે. તેવામાં પોતાની નુકશાની કેવી રીતે દર્શાવશે. તે ઉપરાંત ઓનલાઈન સર્વે કરવામાં સર્વરની મુશ્કેલી આવતી હોવાના કારણે ખેતરના ચારેય ખૂણે સર્વે કરવા આવનારાને ફરવું પડતું હોય છે. કલાકોની મહેનત પછી પણ સર્વે સફળ થતું નથી, તેવામાં એક ગામમાં જ સર્વે કરવામાં અનેક દિવસો નિકળી જાય તેવી સ્થિતિ ઉભી થાય છે. તો આખા ગુજરાતમાં તો સર્વે ક્યારે પૂર્ણ થાય તે પણ એક પ્રશ્ન છે.
પ્રતાપ દૂધાતની ખેડૂતોને વિનંતી
આ વચ્ચે ખેડૂતોના વ્હારે આવીને પ્રતાપ દૂધાતે ખેડૂતોને આક્રમક વિનંતી કરી છે કે, ખેડૂતો જ્યાં સુધી રોડ પર આવશે નહીં ત્યાર સુધી સરકાર જાગશે નહીં. તેમણે કહ્યું કે, આંદોલન અને સત્યાગ્રહ થકી જ સરકાર ઉપર દબાણ લાવી શકાય છે. ખેડૂતોને પોતાના દેવા માફ કરાવવા હોય તો આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાઓ.
કમોસમી વરસાદ પછી ખેડૂતોને થયેલા વ્યાપાક નુકશાન બાદ સરકારે ખેડૂતોને સહાય આપવાની વાત કરી છે. પરંતુ આ પહેલા સરકારે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. હવે આ સર્વે ક્યારે પૂર્ણ થાય છે અને ખેડૂતોને કેટલી અને ક્યારે સહાય ચૂકવવામાં આવે છે, તે પ્રશ્નનો જવાબ અત્યાર સુધી મળ્યો નથી. તેથી કોંગ્રેસે સરકારને ઘેરીને સર્વે કરવાની જગ્યાએ ખેડૂતોને સીધી સહાય આપવાની માગ કરી રહી છે.
Amreli Congress નું ખેતી બચાવો આંદોલન
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 'ખેતી બચાવો સત્યાગ્રહ' શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના અનુક્રમે અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં પ્રતિક ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 3 નવેમ્બર, સોમવારથી આ ધરણા કાર્યક્રમ શરુ થઈ રહ્યો છે.
"અમરેલી જિલ્લામાં આગામી 3 નવેમ્બરથી શરુ થનાર ખેતી બચાવો આંદોલનમાં જોડાવ અને તમારા દેવા માંગ કરવા અપીલ કરો." -- પ્રતાપ દૂધાત
- 3 નવેમ્બર, સોમવાર - વડીયા અને બગસરા
- 4 નવેમ્બર, મંગળવાર - લીલીયા અને સાવરકુંડલા
- 5 નવેમ્બર, બુધવાર - ધારી અને ખાંભા
- 6 નવેમ્બર, ગુરુવાર - લાઠી અને બાબરા
- 7 નવેમ્બર, શુક્રવાર - રાજુલા અને જાફરાબાદ
- 8 નવેમ્બર, શનિવાર - અમરેલી
આ પણ વાંચો- Gujarat Rain : રાજ્યમાં માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા, જગતનો તાત લાચાર