બોટાદમાં કોંગ્રેસની Mahapanchayat : કોંગ્રેસી નેતાઓના સરકાર પર આકરા પ્રહાર, અમિત ચાવડાએ કહ્યું- ગુજરાતમાં 'નેપાળવાળી'થશે
Botad Mahapanchayat : ગુજરાતના બોટાદ જિલ્લાના કાનીયાડ ચોકડી પાસે 27 ઑક્ટોબર 2025ના રોજ કોંગ્રેસ પાર્ટીના કૃષક આંદોલન હેઠળ યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. તાજેતરના કમોસમી વરસાદ અને માવઠાની આફતથી પીડિત ખેડૂતોના મુદ્દાઓને લઈને આ મહાસભામાં રાજ્ય સરકાર પર આકરા પ્રહારો થયા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, બનાસકાંઠા લોકસભાના સંસદ ગેનીબેન ઠાકોર અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલભાઈ વાસણીક જેવા નેતાઓએ ભાગ લીધો હતો. જેમાં ખેડૂતોના દેવા માફી, પોષણક્ષમ ભાવ અને પોલીસ અત્યાચાર જેવા મુદ્દાઓ પર તીખી ટીકા કરવામાં આવી હતી. આ મહાપંચાયત કોંગ્રેસના 2027ના વિધાનસભા ચૂંટણી પહેલાના આંદોલનનો ભાગ છે, જેમાં પાર્ટીએ ખેડૂત વર્ગને જોડવા પર ભાર મૂક્યો છે.
Botad Mahapanchayat માં ખેડૂતોની વ્યથા
બોટાદ જિલ્લો જે સૌરાષ્ટ્રના મુખ્ય કૃષિભૂમિ વિસ્તારોમાંનો એક છે, તાજેતરના માવઠા અને વરસાદથી ભારે અસરગ્રસ્ત થયો છે. અહીં કપાસ, મગફળી અને ડાંગર જેવા પાકોને 50%થી વધુ નુકસાન થયું છે, જેના કારણે હજારો ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં છે. આ પહેલા બોટાદના ખેડૂતોએ કડદાને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ કડદાના વિરોધમાં ખેડૂતોની વ્હારે ગોપાલ ઈટાલિયા આવ્યા હતા. જોકે, તેમની એક ખેડૂત મહાસભામાં પોલીસ અને ગામલોકો વચ્ચે થયેલા આક્રમક હિંસા બાદ રાજ્યનું રાજકારણ વધારે તપ્યું હતું. આ પૃષ્ઠભૂમિમાં યોજાયેલી આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકર્તાઓએ ભાગ લીધો જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં યોજાઈ. તો આની જવાબદારી કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા ઈન્દ્રનીલભાઈ રાજ્યગરૂ પર રહેલી છે.
અમિતભાઈ ચાવડાનું આકરૂં નિવેદન : ગુજરાતમાં 'નેપાળવાળી થશે
મહાપંચાયતની શરૂઆતમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ તીખું નિવેદન આપતાં કહ્યું કે, "તોફાન કરવા વાળા અને રાજકારણ કરવા વાળા હવે ખેતરમાં ભાગી ગયા છે. હડદડમાં પોલીસે નિર્દોષ લોકો પર જે અત્યાચાર કર્યો છે, તેમાં નિર્દોષોને છોડાવવા કોંગ્રેસ તમામ મદદ કરશે." તેમણે ગુજરાતમાં વર્તતી પરિસ્થિતિને 'નેપાળવાળી' થશે તેનો સંકેત આપ્યો હતો. જેમાં કહ્યું કે, "ગાંધી અને સરદારના ગુજરાતમાં સહનશીલતાની હદ આવી ગઈ છે, અને સરકારની નિષ્ઠુરતાની હદ પણ. સરકારમાં બેઠેલા લોકો કોઈનું સંભાળતા નથી, પોલીસ અત્યાચાર કરે છે, અને ચારે તરફ લૂંટ અને ભ્રષ્ટાચાર ચાલે છે. તો સામાન્ય પ્રજા જાય ક્યાં? આ પ્રજાનો આક્રોશ યુવાનોના સ્વરૂપમાં મળ્યો છે- ગુજરાતમાં નેપાળવાળી થશે." આ નિવેદનથી સભામાં તાળીઓની ગડગડાટ થઈ ગઈ હતી. હડદડના અત્યાચારનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આવા કિસ્સાઓમાં કોંગ્રેસ કાનૂની અને રાજકીય મદદ કરશે.
આ પણ વાંચો-કોંગ્રેસનું કૃષક આંદોલન, ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરૂને સૌંપી જવાબદારી- Botad ના ખેડૂતો સાથે મહાપંચાયત
જીગ્નેશભાઈ મેવાણીએ કવિતાથી શરૂઆત અને ભાજપ પર તીખા પ્રહાર
વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ કવિતા વાંચીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમને 'જ્ઞાતિના વાડામાં ફેરવાઈને નહીં પરંતુ ફક્ત ખેડૂત થઈને સાથે રહેવું જોઈએ' જેવા પંક્તિઓથી ખેડૂતોની એકતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, "ભાજપના શાસનમાં ખેડૂતોને પાયમાલ કરી દેવામાં આવ્યા છે. વિકાસના નામે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે." પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં તેમણે કહ્યું, "30 વર્ષથી ચોરો શાસન કરી રહ્યા છે, હવે ગુજરાતીઓ જાગો. ઉદ્યોગપતિઓ કમાઈ રહ્યા છે, પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા." તેમણે કોંગ્રેસના પૂર્વ શાસનની તુલના કરતાં કહ્યું, "કોંગ્રેસ સરકારમાં આર્મી મેનને જમીન મળી હતી, હાલની સરકારે તો કંઈ નથી રહેવા દીધું." 2027ની ચૂંટણીના સંદર્ભમાં તેમણે કહ્યું, "2027માં જાત-નાતના વાડા ભૂલી જાઓ, કોંગ્રેસની સરકાર બનશે."
શક્તિસિંહના ચાબખા- મોંઘવારી અને લૂંટ પર તીખી ટીકા
પૂર્વ પ્રદેશ પ્રમુખ અને લોકસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું, "સારા કામ માટે ભેગા થઈએ તો ઉપરવાળા પણ મદદ કરે છે. પણ સત્તામાં બેઠા લોકો યાદ રાખો, ખેડૂતોને જે દુઃખી કરો છો, તો હાઈ લાગશે." તેમણે ખેડૂતોના અધિકારો પર કહ્યું, "ખેડૂતો અધિકાર માગવા જાય અને મળે છે ધોકા. ભાજપવાળા જાદુગરના ખેલ જેવું કરે છે – ખેલ પૂરો થાય તો લોકોના ખીસા કપાઈ જાય છે." GST, ડીઝલના ભાવ અને મોંઘવારી પર તીખા પ્રહાર કરતાં તેમણે કહ્યું, "ખેડૂતોના ખાતર-બિયારણ પર GSTના નામે લૂંટ ચલાવવામાં આવી છે. તેમના ખાતામાં પૈસા નથી મૂકતા. કોંગ્રેસ સરકારમાં ડીઝલ સસ્તું હતું, હવે આકાશને ચૂમે છે. કોંગ્રેસના રાજમાં ડોક્ટર-એન્જિનિયર માત્ર 12 હજારમાં બનતા છે, હવે લાખો ખર્ચ કરીને બને છે, એવી મોંઘવારી થઈ ગઈ." તેમણે ખેડૂતોના ખર્ચ બમણા થવા અને આવક સ્થિર રહેવા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે "દયાહીન માણસ સત્તામાં બેઠા છે, તેથી જ માવઠા અને કમોસમી વરસાદ વરસે છે. હળદળના ખેડૂતોની તકલીફમાં અમે તમારી સાથે છીએ."
મુકુલભાઈ વાસણીકની દેવા માફીની માગ અને ઉગ્ર આંદોલનની ચેતવણી
ગુજરાત પ્રભારી મુકુલભાઈ વાસણીકે કહ્યું, "મહાપંચાયતમાં ઉઠેલા મુદ્દાઓ મુખ્યમંત્રી મંડળ સુધી પહોંચાડીશું. કોંગ્રેસના તમામ નેતાઓ ગુજરાતના ખેડૂતો સાથે છે." બેંકોના દેવાના બોજ પર ભાર મૂકતાં તેમણે કહ્યું, "ખેડૂતો પર બેંકોનો બોજો માફ કરવો જોઈએ. જો સરકાર ખેડૂતોનું દેવું માફ નહીં કરે, તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે." તેમણે દેશના અન્ય રાજ્યોમાં થતા અન્યાયના ઉદાહરણો આપીને કહ્યું કે, "ખેડૂતો સાથે દેશભરમાં અન્યાય થઈ રહ્યો છે, અને ગુજરાત પણ અપવાદ નથી." વાસણીકનું આ નિવેદન કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વનું સમર્થન દર્શાવે છે, જે 2025માં પંજાબ અને મહારાષ્ટ્રમાં પણ આવા આંદોલનોને સમર્થન આપી રહ્યું છે.
મહાપંચાયતનું મહત્વ : 2027 તરફ વિરોધી વલણ અને ખેડૂત એકતા
આ મહાપંચાયતથી કોંગ્રેસે રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ખેડૂત અન્યાયના મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. જે 2027ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના વિરોધી વલણને મજબૂત કરશે. ગુજરાતમાં ખેતી 60% વસ્તીને અસર કરે છે, અને કમોસમી વરસાદથી મોટી સંખ્યામાં ખેડૂતો પ્રભાવિત થયા છે, જેની સહાયમાં વિલંબને કારણે અસંતોષ વધ્યો છે. કોંગ્રેસે આવા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને જોડીને ભાજપના 'વિકાસ'ની વાતોને પડકારવાનો પ્રયાસ કર્યો છે. ભવિષ્યમાં આવા આંદોલનો વધશે, જેમાં દેવું માફી અને MSPની માગ મુખ્ય રહેશે. કડદા પ્રથાથી શરૂ થયેલા ખેડૂતોના આંદોલન હવે ખેડૂતોના અન્ય કેટલા મુદ્દાઓને આવરે છે, તે જોવાનું રહ્યું છે.
આ પણ વાંચો- Surat : ખુરશી પર બેઠા બેઠા કઈ થવાનું નથી અહિયાં આવો તો ખબર પડે!


