કોંગ્રેસનું કૃષક આંદોલન, ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરૂને સૌંપી જવાબદારી- Botad ના ખેડૂતો સાથે મહાપંચાયત
Botad મહાપંચાયત : ગુજરાતના બોટાદના હળદડમાં આમ આદમી પાર્ટી દ્વારા બોલાવવામાં આવેલ ખેડૂત મહાપંચાયતમાં થયેલી નાસભાગ અને પોલીસ સાથે થયેલી મારામારી પછી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આપ નેતાઓની ખેડૂત સભા પછી ગોપાલ ઈટાલિયા અને રાજુ કરપડા સહિતના નેતાઓ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તો મોટી સંખ્યામાં ગામના લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે. હવે એક વખત ફરીથી કોંગ્રેસે હળદડમાં ખેડૂત કૃષક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયત આંદોલન વિશે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરૂએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત-ચીત કરી હતી.
આ ખેડૂત મહાપંચાયતમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા. તે ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની પણ તાતી હાજરી રહી હતી. કોંગ્રેસ નેતા નયનાબા જાડેજા, વશરામભાઈ સાગઠિયા સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરૂએ કૃષક આંદોલન મહાપંચાયત વિશે વાત કરતાં જણાવ્યું હતુ કે, કોંગ્રેસ પાછલા બે મહિનાથી કૃષક આંદોલન ચલાવી રહી છે. આ આંદોલન ખેડૂતોને જાગૃત કરવા માટે કરવામાં આવી રહ્યો છે, જેથી તેઓ પોતે જ સરકાર પાસે પોતાના હક્કોની માંગણી કરી શકે. આ અંગે તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં 65 ટકા લોકો ખેતી ઉપર નિર્ભર છે. આ ક્ષેત્રે ખેડૂત હોય કે ખેત મજૂર સહિત ગામડાનો વ્યાપારી હોય કે નગરનો વ્યપારી હોય, તે તમામ ખેતીની આવક ઉપર જ નિર્ભર કરે છે.
ખેડૂતોના પાકના ભાવના પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ખેડૂતોને પોતાના પાકનો પોષણક્ષમ ભાવ મળતો નથી. ખેડૂતે પકવેલા પાકના વ્યાપાર-ધંધામાં અને ઉદ્યોગમાં સારો ભાવ મળી રહે છે તો પછી ખેતીમાં કેમ નહીં? સરકારની નીતિઓ પર બોલતા ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરૂએ કહ્યું કે, તમે ઉદ્યોગપતિને જમીન આપો છો તો તમે પશુપાલકો અને ખેતમજૂરોને કેમ જમીન આપતા નથી. ખેતી સાથે સંકળાયેલા 65 ટકા લોકો સાથે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે?
તમે અમદાવાદમાં રિવરફ્રન્ટ બનાવો તેમાં કોઈ વાંધો નથી પરંતુ તમે કેનાલ દ્વારા ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચે તેનું કેમ કંઈ કરતાં નથી. આ અંગે તેમણે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, મહાનગરપાલિકાઓને વિકાસ વધારે થાય છે.. તો આ ગામડાઓના લોકોનો શું વાંક? શહેરની સાથે-સાથે ગામડાઓ અને નગરોનો પણ વિકાસ થવો જોઈએ.
પોતાના ખેડૂત મહાપંચાયતને લઈને કહ્યું કે, ઉપરોક્ત તમામ તમામ પ્રશ્નને લઈને અમે ખેડૂતોમાં જાગૃત્તિ આંદોલન કરી રહ્યાં છીએ, કેમ કે લોકો જ સરકારના માલીક છે. તેથી લોકોને જગાડીએ છીએ અને તેઓ જ સરકાર પાસે પોતાની માગણીઓ મૂકશે.
Botad ના હળદડમાં થયેલા દમન અને કોંગ્રેસના કૃષક મહાપંચાયતમાં કેટલી સામ્યતા છે?
આ પ્રશ્નના જવાબમાં ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરૂએ કહ્યું કે, અમારૂં આંદોલન તો પહેલાથી જ નક્કી હતું, અમે અમારા રથ સાથે દસ તાલુકાઓમાં જાગૃત્તિના ગીતો સાથે ફર્યા છીએ. હળદડમાં પણ અમારો કાર્યક્રમ નક્કી જ હતો. અમે તેના માટે તમામ ગામડાઓમાં ફરીને પત્રિકાઓ પણ નાંખી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના મહાપંચાયતમાં થયેલા લાઠીચાર્જને લઈને કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, આને મહાપંચયાત કહેવાય.. તમે લોકોને દંડા ખવડાવો તેને મહાપંચાયત ન કહેવાય
ખેડૂતોની મહાપંચાયતને લઈને તેમણે તેમણે કહ્યું કે, ખરા અર્થમાં મહાપંચાયત એટલે ખેડૂતો ભેગા થાય- ચિંતન કરે, તેમની માંગણી માટે, તેમની લાગણી માટે, તેની જરૂરિયાત માટે, તેની મુશ્કેલી માટે, તેના બાળકો માટે, તેમના પોતાના ગામડા અને નગરના વિકાસ માટે, આ તમામ બાબતોને લઈને વિસ્તારપૂર્વક વાત કરીએ તે તેને મહાપંચાયત કહેવાય છે. લોકોને દંડા ખવડાવવામાં આવે તેને મહાપંચાયત ન કહેવાય.
આપ દ્વારા હળદડમાં જે આયોજન કરવામાં આવ્યું હતુ તે શું 2027ની ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવેલું કાર્યક્રમ હતું?
આ પ્રશ્નના જવાબમાં ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરૂ કહે છે કે, તમને પણ ખ્યાલ હશે કે હું આમ આદમી પાર્ટીમાં જઈને આવ્યો છું. કેજરીવાલ ખુદ એક મોટું નાટક છે. આવા ડિંડક કરીને લોક લાગણી જીતવી, ખેડૂતોએ માર ખાધો, માર ખાધો, ખેડૂતો જેટલી રાડો નહીં નાંખે તેટલી તો એ (આપ નેતા) નાંખશે. એમને મતનું રાજકારણ કરવું છે, તેમને ખેડૂતો સાથે કંઈ જ લેવા દેવા નથી.
ગોપાલભાઈ ઈટાલિયા સામે આક્ષેપ કરતાં ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરૂ દ્વારા કહેવામાં આવ્યું કે, ધારાસભ્ય કક્ષાનો આદમી રોડ ઉપર સૂઈને વાત કરે અને ક્યાંક આવું (બોટાદ કાર્યક્રમ) નાટક કરે. આ અંગે ચિવટપૂર્વક જોશો તો આખા ગુજરાતમાં તેમનું આખું નાટક જ ચાલતું હોય તેવું સ્પષ્ટ દેખાશે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ છે. આ અંગે તમે સરકાર સમક્ષ શું માગ કરશો?
અંતે સરકાર પાસે ખેડૂતોની માંગણીને લઈને કરવામાં આવેલા પ્રશ્નમાં ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરૂએ સરકાર પર ફરીથી ચાબખા માર્યા હતા. તેમણે જણાવ્યું કે, આ સરકારને લોકોની તકલીફ સાથે કંઈ લેવા દેવા જ નથી અને કમનશીબે લોકોને જેવું જીવન હોય તેવું જીવી લેવા માટે આદત પાડી દેવામાં આવી છે, જે છે તેમાં ચલાવી લો. આ સરકાર કશું જ નહીં કરે. અમારો અભિયાન જ એ છે.. તમે ખેડૂતોને એમએસપી આપી દો પછી તેઓ માર્કેટભાવે વિજળી પણ લઈ લેશે, ખાતર પણ લઈ લેશે, પાણી પણ લઈ લેશે બધુ જ લઈ લેશે, બસ તેને તેના પાકની યોગ્ય કિંમત મળવી જોઈએ. એજ અમારી મુખ્ય માંગણી અમારા મહાપંચાયત આંદોલનમાં છે.
તો અમે ખેડૂતોને જાગૃત કરીને તેમના પાકની યોગ્ય કિંમત મળે તે માટે જાગૃત કરી રહ્યાં છીએ. જેથી ખેડૂત પોતે જ સરકાર પાસેથી પોતાનો હક્ક મેળવી શકે.
ઉલ્લેખનિય છે કે, પાછલા દિવસોમાં બોટાદમાં કડદાને લઈને થયેલી એક સભામાં પોલીસ અને કેટલાક ગામ લોકો આમને-સામને આવી ગયા હતા. તે પછી રાજ્યભરનું રાજકારણ ગરમાઈ ગયું છે. તેથી આ મુદ્દાને લઈને કોંગ્રેસ પણ પાછી-પાની કરવાં માંગતી નથી. તેથી પાછલા કેટલાક સમયથી કોંગ્રેસ ગ્રાઉન્ડ લેવલે ખેડૂતોને પીઠબળ પુરૂ પાડવા માટે સક્રિય થઈ ગઈ છે.
હાલમાં કોંગ્રેસ ગામે-ગામ અને તાલુકા લેવલે ખેડૂતોની મહાપંચાયતોનું આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ અંગેની જવાબદારી દિગ્ગજ નેતા ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરૂને આપવામાં આવી છે. તેથી 2027ની ચૂંટણી સુધીમાં કોંગ્રેસ પણ ખેડૂતોમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા માટે અથાગ મહેનત કરી રહી છે. આગામી દિવસોમાં પણ ખેડૂતોની માગોને પૂરી કરવા માટે રાજ્યભરમાં કૃષક મહાપંચાયતોનું આયોજન કરવામાં આવશે.