Cyber Fraud ના 386 ગુના આચરી 200 કરોડની ઠગાઈમાં સામેલ ટોળકીના 6 સભ્યોને સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સની ટીમે ઝડપ્યા
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં ભાડાના બેંક એકાઉન્ટ અને બોગસ પેઢીઓ ખોલી કાળા નાણાને ધોળા કરવાનો તેમજ હવાલા થકી વિદેશમાં મોકલવાનો કારોબાર ચાલી રહ્યો છે. એકાદ દસકમાં અસ્તિત્વમાં આવેલી ટૂંકા નામવાળી આંગડિયા પેઢીઓ Cyber Fraud ના કરોડો રૂપિયાની મહિને હેરાફેરી કરે છે. દેશભરમાં બનેલા 386 જેટલા સાયબર છેતરપિંડીના ગુના (Cyber Fraud Crime) માં 200 કરોડ લોકોએ ગુમાવ્યા છે. આ ગુનાઓ સાથે સંકળાયેલી ટોળકીના 6 સભ્યોને સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સ (Cyber Center of Excellence) ની ટીમે ઝડપી પાડ્યા છે.
કોની-કોની ધરપકડ કરાઈ
- મહેન્દ્ર શામજીભાઈ સોલંકી રહે. ઈન્દીરાનગર, માળીયા ફાટક પાસે, મોરબી
- રૂપેન પ્રાણજીવન ભાટીયા રહે. જીકીયારી, તા.જિ. મોરબી
- રાકેશ કાંતીલાલ લાણીયા રહે. ભડવાણા, તા. લખતર, જિ.સુરેન્દ્રનગર
- રાકેશકુમાર ચમનભાઈ દેકાવાડીયા રહે. ભાડવણ, તા. લખતર
- વિજય નાથાભાઈ ખાંબલ્યા રહે. સુરત શહેર
- પંકજ બાબુભાઈ કથીરીયા રહે. સુરત મૂળ રહે. સાવરકુંડલા, અમરેલી
Cyber Fraud ના પુરાવા મોબાઈલ ફોનમાંથી મળ્યા
સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સ એટલે કે, સ્ટેટ સાયબર ક્રાઈમ સેલે (Cyber Crime Cell Gujarat) એક માહિતીના આધારે ત્રણ પોલીસ ટીમે કેટલાંક શખસોને ઉપાડ્યા હતા. સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી અને સુરતના 6 શખસો પાસેથી પોલીસે 12 મોબાઈલ ફોન અને 12 સીમકાર્ડ કબજે લીધા છે. પકડાયેલા શખસો પૈકીના પંકજ કથીરીયાના મોબાઈલ ફોનમાંથી 100 થી વધુ ભાડાના બેંક એકાઉન્ટ (Mule Bank Account) ની વિગતો મળી આવી હતી. પકડાયેલા શખસોની તપાસમાં આરોપી ટોળકી દેશભરમાં નોંધાયેલા 386 Cyber Fraud ના મામલાઓમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સામેલ હોવાની વિગતો સામે આવી છે.
Cyber Fraud ના નાણા વિદેશ કેવી રીતે મોકલતા ?
ટોળકીનો સૂત્રધાર પંકજ કથીરીયાએ મહેન્દ્ર સોલંકી થકી એપીએમસી લખતર (APMC Lakhatar) ખાતે એક બોગસ પેઢી ખોલાવી હતી. પેઢીના બેંક એકાઉન્ટમાં જુદાજુદા ખાતાઓમાંથી આવતા કરોડો રૂપિયાને રોકડમાં રૂપાંતરિત કરી દેવામાં આવતા હતા. મહેન્દ્ર સોલંકીને કમીશન ઉપરાંત દર મહિને 25 હજાર રૂપિયાનો પગાર પણ આપવામાં આવતો હતો. પંકજ કથીરીયા કરોડો રૂપિયા આંગડિયા પેઢી થકી અથવા ક્રિપ્ટો ટ્રાન્જેક્શન થકી દુબઈ સહિત અન્ય દેશમાં મોકલી આપવા પેટે 1 લાખ ઉપર 650 રૂપિયા કમીશન મેળવતો હતો. અત્રે નોંધનીય છે કે, પંકજ કથીરીયા સાયબર ક્રાઈમ ટોળકીના મુખ્ય સૂત્રધારોને મળવા ત્રણેક વખત દુબઈ પણ જઈ આવ્યો છે.
આ પણ વાંચો - Bangladeshi ઘૂસણખોર મહિલા/યુવતીઓ પૈકી કોઈ 4 વર્ષથી તો કોઈ મહિનાઓથી પશ્ચિમ અમદાવાદમાં ભાડે રહેતી હતી


