Dahod: પોલીસે ડ્રોનની મદદથી આરોપીને ઝડપી પાડી ચાર મંદિર અને એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો
- મહાદેવના મંદિરમાથી ઘરેણાં તેમજ રોકડ રૂપિયાની ચોરી થઈ હતી
- પોલીસની ટીમોએ વિસ્તાર કોર્ડન કરી ડ્રોનથી આરોપી ઉપર વોચ રાખી
- આરોપીએ ચાર મંદિર અને એક ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી
દાહોદ જિલ્લામાં આવેલ મંદિરમાં તેમજ એક ઘરમાં ચોરી કરીને નાસતાં ફરતાં આરોપી અને તેની પાસેથી ઘરેણાં ખરીદનાર સોનીને આજે પોલીસે ડ્રોનની મદદથી ઝડપી પાડ્યા છે.
દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે, ડુંગરાળ અને પથરાળ વિસ્તારના કારણે આરોપીઓ પોલીસ પકડથી ભગવામાં સફળ થતાં હોય છે. ત્યારે દાહોદ જિલ્લા પોલીસે નાઈટ વિઝન થર્મલ ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો અને ડ્રોનથી પેટ્રોલીંગ તેમજ ડુંગરાળ વિસ્તારમાં તપાસ કરવા ડ્રોનનો ઉપયોગ શરૂ થયો. જેને પગલે દાહોદ પોલીસને અનેક સફળતાઓ મળી હતી. ભૂતકાળમાં પણ ડ્રોનની મદદથી તસ્કરોને ઝડપી પાડ્યા હતા, ગાંજાની ખેતી કરતા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી તો અફીણ ભરેલી ગાડી પણ જંગલમાથી ડ્રોનની મદદથી શોધી કાઢી હતી, આવી અનેક સફળતાઓ બાદ ફરી આજે મંદિરમાં ચોરી કરનાર તસ્કરને પોલીસે કોર્ડન કરી ડ્રોન વડે નજર રાખી ભાગી રહેલા ચોરને દબોચી લીધો હતો.
મહાદેવના મંદિરમાંથી ઘરેણાં તેમજ દાનના રોકડ રૂપિયાની ચોરી થઈ હતી
થોડા દિવસ અગાઉ ઝાલોદ તાલુકાના વરોડ ખાતે આવેલા મહાદેવના મંદિરમાંથી મૂર્તિ ઉપરના ઘરેણાં કળશ તેમજ દાનના રોકડ રૂપિયાની ચોરી થઈ હતી. જે મામલે પોલીસ તપાસમાં જોતરાઈ હતી તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, આ પ્રકારની જ ચોરીઓ રાજસ્થાનના સરહદી જિલ્લામાં પણ થઈ છે જે આધારે રાજસ્થાનથી એક સીસીટીવીના આધારે આરોપી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મતવા ગામનો રાજેશ ભાભોર હોવાનું સામે આવતા પોલીસે તેની વોચ રાખી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આરોપી પોતાના ઘરે મતવા ખાતે આવ્યો હોવાની માહિતી માલ્ટા એલસીબી સહિત પોલીસ ટીમો પહોંચી હતી પરંતુ ડુંગરાળ વિસ્તારમાં આરોપી ફરાર ના થઈ જાય તે માટે પોલીસની અલગ અલગ ટીમો એ વિસ્તાર કોર્ડન કરી ડ્રોનથી તેની ઉપર વોચ રાખી હતી અને આરોપી કઈ દિશામાં ભાગી રહ્યો છે, તેની માહિતી ટીમોને આપતા હતા અને આરોપી ભાગવા જતાં પોલીસે દબોચી લીધો. આરોપી પકડાતાં રાજસ્થાનના ત્રણ મંદિર, ઝાલોદનું એક મંદિર એમ કુલ ચાર મંદિર અને એક ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી. સાથે જ ચોરેલા દાગીના રાખનાર દાહોદના જ્વેલર્સ દિલિપ સોનીની પણ પોલીસે ધરપકડ કરી હતી. 6.82 લાખના દાગીના તેમજ બાઇક મળી કુલ 7.32 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
અહેવાલ: સાબિર ભાભોર (દાહોદ)
આ પણ વાંચો: Gandhinagar: અક્ષરધામમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રીના હસ્તે મેડિકલ વાનનું લોકાર્પણ