Deesa : ગ્રામજનો વીસ વર્ષથી કહી રહ્યા છે કે રસ્તો બનાવી આપો - વિકાસ વચ્ચે અંધકારનું ટપકું
- Deesa : બનાસકાંઠા ડીસા તાલુકામાં આસેડા-રામપુરા કાચા રસ્તાની સમસ્યા : ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ધમકી
- વીસ વર્ષથી કાચા રસ્તાની હાલત દયનીય : બનાસકાંઠા આસેડા-રામપુરા ગ્રામજનોનો આક્રોશ
- બનાસકાંઠા ડીસા : આસેડા-રામપુરા રોડની મુશ્કેલીઓ, શાળા-હોસ્પિટલ જવું મુશ્કેલ
- વિકાસના દાવા વચ્ચે કાચા રસ્તાની વેદના : બનાસકાંઠા ગ્રામજનોની રજૂઆતો નિષ્ફળ
- બનાસકાંઠા આસેડા-રામપુરા રસ્તો : ચોમાસામાં કાદવ, વર્ષભર ખાડા, તંત્રની અવગણના
Deesa : ગુજરાતમાં વિકાસના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આવું જ ચિત્ર બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં જોવા મળી રહ્યુ છે, જ્યાં આસેડા અને રામપુરા ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા વીસ વર્ષથી પાકો બન્યો નથી.
Deesa ના આસેડા ગામના લોકો હેરાન-પરેશાન
આ રસ્તો માત્ર વાહન વ્યવહાર માટેનો માર્ગ નથી, પરંતુ આસેડા અને રામપુરાના ગ્રામજનો માટે જીવનરેખા સમાન છે. શાળા, હોસ્પિટલ, દૂધ મંડળી, બજાર અને રોજગાર માટે આ રસ્તો એકમાત્ર વિકલ્પ છે. છતાં વર્ષોથી આ માર્ગની હાલત એટલી દયનીય છે કે ગ્રામજનો રોજિંદા જીવનમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
વરસાદમાં કિચડ અને વરસાદ વગર ખાડા
ચોમાસામાં આ કાચો રસ્તો કાદવ અને કિચડથી ભરાઈ જાય છે. શાળાએ જતા નાના બાળકો પગમાં ચપ્પલ કાઢીને કાદવમાં ચાલવા મજબૂર બને છે. ઘણીવાર બાળકો લપસી પડે છે, જેના કારણે વાલીઓ ચિંતામાં મુકાઈ જાય છે. વરસાદ ન હોય ત્યારે પણ રસ્તા પર મોટા ખાડાઓ રહેતા હોવાથી બાઈક, રિક્ષા કે ટ્રેક્ટર ચલાવવું જોખમી બની જાય છે. આવી હાલતમાં અકસ્માતોનું જોખમ વધી જાય છે, અને તાજેતરમાં જ રામપુરા ખાતે ભયાનક અકસ્માત થયો હતો.
રસ્તા વગર રોજગારી છોડી રહ્યાં છે ગ્રામજનો
દૂધ ઉત્પાદન પર આધારિત ઘણા પરિવારો માટે આ રસ્તો મોટી સમસ્યા બની ગયો છે. દૂધ મંડળી સુધી પહોંચવામાં મુશ્કેલી પડતાં કેટલાક લોકોએ દૂધનો વ્યવસાય પણ છોડવો પડ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે કોઈને અચાનક બીમારી થાય તો હોસ્પિટલ સુધી પહોંચવું પણ મુશ્કેલ બની જાય છે. એમ્બ્યુલન્સ કે ખાનગી વાહનચાલકો આ રસ્તે આવવા તૈયાર નથી, જેથી ઘણા વખત દર્દીને ખાટલા પર બેસાડી દૂર સુધી લઈ જવાની ફરજ પડી રહી છે.
રજૂઆતો છતાં મળી રહ્યું નથી પરિણામ
સ્થાનિક લોકોનો આરોપ છે કે વિસ્તાર ડીસા તાલુકામાં હોવા છતાં લોકસભા પાટણ અને વિધાનસભા કાંકરેજમાં આવતો હોવાથી જવાબદારી એકબીજા પર ઠેલાઈ રહી છે. અનેક વખત અરજીઓ અને રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. હવે ગ્રામજનોની ધીરજ ખૂટી ગઈ છે. મીડિયા સમક્ષ સ્થાનિક લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વહેલી તકે આસેડા–રામપુરા રોડનું કામ શરૂ નહીં થાય, તો આવનારી ચૂંટણીમાં તેઓ મતદાનનો બહિષ્કાર કરશે.
જનપ્રતિનિધિઓ કેમ સમસ્યાને કરી રહ્યા છે નજરઅંદાજ
આ સમસ્યા માત્ર આસેડા-રામપુરા પુરતી મર્યાદિત નથી, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ કાચા રસ્તાઓની સમસ્યા જોવા મળે છે. તંત્ર અને જનપ્રતિનિધિઓને આ સમસ્યાને લઈને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. વિકાસના વચનો કાગળ પર ન રહે, પરંતુ જમીન પર અમલી બને તે જરૂરી છે. જો આમ ન થયું તો ગ્રામજનોનો આક્રોશ વધુ વકરી શકે છે અને ચૂંટણીમાં તેની અસર જોવા મળી શકે છે.
આ પણ વાંચો-Palanpurની નાનકડી નિક્ષાએ ચલાવી 4554 કિલોમીટર સાયકલ, વાવ્યા 1 લાખ વૃક્ષ


