દિલ્હીમાં હવા પ્રદૂષણનું સ્તર 'રેડ ઝોન'માં પહોંચ્યું, તબીબોએ માસ્ક પહેરવા કર્યું સૂચન
- દિવાળી પૂર્વે દિલ્હીમાં હવા પ્રદૂષણનું સ્તર ગગડ્યું
- વિતેલા કેટલાય દિવસોથી હવાની સ્થિતી સારી નથી
- ઘરની અંદર એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાની સલાહ આપી
Delhi Air Pollution : રાષ્ટ્રીય રાજધાની (NCR) માં વાયુ પ્રદૂષણ ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરના હવા ગુણવત્તા સૂચકાંક (AQI) અનુસાર, શુક્રવારે મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા "ખૂબ જ ખરાબ" શ્રેણીમાં રહી છે. જેમાં ગાઝિયાબાદ સૌથી પ્રદૂષિત શહેર રહ્યું છે, અને ત્યારબાદ નોઈડા અને દિલ્હીના અનેક વિસ્તારોને રેડ ઝોનમાં ગણવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગાઝિયાબાદનો AQI 301 પર પહોંચ્યો
ગાઝિયાબાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, 17 ઓક્ટોબર, 2025 ની સવાર સુધીમાં, AQI 301 પર પહોંચી ગયો હતો, જેને "ખૂબ જ ખરાબ" માનવામાં આવે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, પ્રદૂષણનું આ સ્તર લાંબા સમય સુધી ચાલુ રહે તો શ્વસન રોગોનું કારણ બની શકે છે. શહેરના વિવિધ વિસ્તારોના ડેટા વધુ ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. લોની વિસ્તારમાં 352 નો AQI નોંધાયો, જે "ગંભીર" શ્રેણીની ખૂબ નજીક છે. સંજય નાગરમાં 288, ઇન્દિરાપુરમમાં 280 અને વસુંધરામાં 284 AQI નોંધાયો છે.
PM 10 મુખ્ય પ્રદૂષક રહ્યું
ઓક્ટોબરના પહેલા અઠવાડિયાના ડેટા દર્શાવે છે કે, PM10 આ પ્રદેશમાં મુખ્ય પ્રદૂષક રહ્યું છે. 16 ઓક્ટોબરે PM10 નું સ્તર 307, 15 ઓક્ટોબરે 254 અને 14 ઓક્ટોબરે 261 પર પહોંચ્યું હતું.
નોઈડાની પરિસ્થિતિમાં બહુ સુધારો નહીં
નોઈડામાં પણ પરિસ્થિતિમાં ખાસ સુધારો થયો નથી. સેક્ટર 125માં 337 AQI નોંધાયું છે, જે 'ગંભીર' શ્રેણીમાં આવે છે. સેક્ટર 116માં 269 AQI, સેક્ટર 1માં 257 AQI અને સેક્ટર 62માં 218 AQI નોંધાયું છે.
દિલ્હીની પરિસ્થિતિ પણ ગંભીર
દિલ્હીમાં પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. માહિતી અનુસાર, આનંદ વિહાર સૌથી પ્રદૂષિત વિસ્તાર હતો, જેનો AQI 365 હતો, જે 'ગંભીર' શ્રેણીમાં આવે છે. વઝીરપુરમાં 333, બાવાનામાં 306 અને મુંડકામાં 283 AQI નોંધાયું હતું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, દિલ્હીના ઘણા વિસ્તારો 'ખૂબ જ ખરાબ' થી 'ગંભીર' સુધીની હવા શ્વાસમાં લઈ રહ્યા છે.
હવામાં એકઠા થતા પ્રદૂષકો
હવામાન વિભાગ અને પર્યાવરણીય નિષ્ણાતો માને છે કે, પવનની ગતિ ધીમી થવાથી અને તાપમાનમાં ઘટાડો થવાથી હવામાં પ્રદૂષકો એકઠા થઈ રહ્યા છે. આ સમયે પવનની દિશા અને ગતિ પ્રદૂષકોના વિખેરવા માટે અનુકૂળ નથી.
નાગરિકો માટે સલાહ-સૂચન
નિષ્ણાતોએ નાગરિકોને સવાર અને સાંજ બહારની પ્રવૃત્તિઓ ટાળવાની સલાહ આપી છે, ખાસ કરીને શ્વસન સમસ્યાઓ ધરાવતા લોકો અને વૃદ્ધોને. તેઓ માસ્ક પહેરવાની અને ઘરની અંદર એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી રહ્યા છે.
આ પણ વાંચો ----- દિલ્હી યુનિ.માં 'થપ્પડકાંડ', સંયુક્ત સચિવે કન્વીનરને તમાચો માર્યો