દિલ્હી બ્લાસ્ટની દુર્ઘટનામાં PM મોદીએ દુ:ખ વ્યકત કર્યું, મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
- Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની દુર્ઘટના અંગે PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
- લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસે કારમાં થયો વિસ્ફોટ
- આ વિસ્ફોટમાં 8 લોકોના મોત,24થી વધુ ઘાયલ થયા છે
સોમવારે સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસે એક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટે દેશભરમાં ગમગીની અને ભયનો માહોલ પેદા કર્યો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં અત્યાર સુધીના અહેવાલો મુજબ 8 લોકોના કરૂણ મોત નીપજ્યા છે અને 24થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે વિસ્ફોટગ્રસ્ત કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી અને તેની આસપાસ પાર્ક કરેલા અન્ય સાતથી આઠ વાહનોને પણ વ્યાપક નુકસાન થયું હતું. આ ઘટના પર PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું.
Delhi Blast: PM નરેન્દ્રભાઇ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
આ ગંભીર દુર્ઘટના પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને ટ્વીટ દ્વારા તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. વડાપ્રધાને ટ્વીટમાં જણાવ્યું કે, "આજે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના." તેમણે વધુમાં ખાતરી આપી કે, "અસરગ્રસ્તોને અધિકારીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે." વડાપ્રધાને માહિતી આપી કે તેમણે તાત્કાલિક ધોરણે ગૃહમંત્રી અમિત શાહજી અને અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરી છે અને જરૂરી કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.
Delhi Blast : PM મોદીએ ગૃહમંત્રી અમિતભાઇ શાહને આપ્યા નિર્દેશ
વડાપ્રધાનના નિર્દેશો બાદ તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ એક્શનમાં આવ્યા હતા. તેમણે દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચા અને અન્ય સુરક્ષા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમગ્ર મામલાની ગહન સમીક્ષા કરી હતી. સમીક્ષા બાદ ગૃહમંત્રી ઘાયલોના ખબર-અંતર પૂછવા માટે LLJP હોસ્પિટલમાં પણ પહોંચ્યા હતા. તપાસ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે વિસ્ફોટ એક i20 કારમાં થયો હતો અને પોલીસ તથા તપાસ એજન્સીઓ દ્વારા આ ઘટનાના દરેક સંભવિત એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચીને વિસ્ફોટના મૂળ કારણોની તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં બનેલી આ ઘટનાને પગલે મુંબઈ, ઉત્તર પ્રદેશ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં મોટો બ્લાસ્ટ થતા 9 લોકોના મોત,14થી વધુ ઘાયલ