દિવાળી પહેલા દિલ્હી-NCR માં હવા બની વધારે ઝેરીલી, GRAP ના સ્ટેજ-II ના નિયમો તાત્કાલિક લાગુ
- GRAP: દિવાળી પહેલા જ દિલ્હી-NCRની હવા બની ઝેરી
- દિલ્હી-NCR માં હવાની ગુણવત્તા (AQI) માં ચિંતાજનક વધારો
- દિલ્હી-NCRની હવાની ગુણવતા 302 પર પહોંચી
દિવાળીના તહેવારના એક દિવસ પહેલા જ દિલ્હી-NCR માં હવાની ગુણવત્તા (AQI) માં ચિંતાજનક વધારો નોંધાયો છે. રવિવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 300 ની સપાટી વટાવી જતા પ્રદૂષણ નિયંત્રણ માટેના ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળના સ્ટેજ II ના તમામ નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે.દિલ્હી-એનસીઆર વિસ્તારમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ શ્રેણીમાં આવતી હોવાથી આ એકશન પ્લાન અમલી બનાવ્યો છે.
GRAP: દિલ્હી-NCRની હવા બની ઝેરી
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના અહેવાલ મુજબ, દિલ્હીનો AQI સતત વધી રહ્યો છે. આજે સાંજે 4 વાગ્યે 296 નોંધાયા બાદ સાંજે 7 વાગ્યે 302 પર પહોંચી ગયો, જે હવાની ગુણવત્તાની "ખૂબ જ ખરાબ" (Very Poor) શ્રેણી દર્શાવે છે. NCR ના અન્ય શહેરોમાં પણ પરિસ્થિતિ ગંભીર છે: ગાઝિયાબાદ (379), ગ્રેટર નોઇડા (342), નોઇડા (304), ગુરુગ્રામ (287) અને ફરીદાબાદ (268). ભારતીય હવામાન વિભાગ (IMD) અને IITM ની આગાહી છે કે આગામી દિવસોમાં હવાની ગુણવત્તા વધુ બગડી શકે છે.
GRAP સ્ટેજ-II હેઠળ તાત્કાલિક પગલાં
GRAP ના સ્ટેજ II ના અમલ સાથે, પ્રદૂષણ ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે:
વાહન વ્યવહાર પર નિયંત્રણ: સરકારી વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, અને રસ્તા પર વાહનોની સંખ્યા મર્યાદિત કરવાના પગલાં લેવાશે.
બાંધકામ પર પ્રતિબંધ: બાંધકામના મોટા સ્થળો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ધૂળ નિયંત્રણ: રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવા અને ધૂળ ઘટાડવાના અન્ય ઉપાયો સક્રિય કરવામાં આવશે.
GRAP: નાગરિકોને અપીલ
અધિકારીઓએ લોકોને બહારની પ્રવૃત્તિઓ મર્યાદિત કરવા, માસ્ક પહેરવા અને ખાસ કરીને સંવેદનશીલ જૂથોને સાવચેત રહેવા વિનંતી કરી છે.
સંવેદનશીલ વયજૂથમાં બાળકો, વૃદ્ધો, શ્વસન રોગો ધરાવતા લોકોને બહાર જવાનું ટાળવા અને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્ય સરકારો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે, અને જો પરિસ્થિતિ વધુ વણસે તો સ્ટેજ III ના પગલાં પણ લાગુ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, CPCB અનુસાર 301 અને 400 વચ્ચેનો AQI "ખૂબ જ ખરાબ" ગણાય છે, જે લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શ્વસન રોગોનું જોખમ વધારે છે.
આ પણ વાંચો: અયોધ્યામાં 26.17 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો, રામ કી પૌડી પર રામાયણનો લેસર શો