અમદાવાદમાં DGGI ના દરોડા : 1500 કરોડની કરચોરીમાં પ્રભાત સોમાણીની ધરપકડ
- ટેકનો વાયર ડેટા સાયન્સમાં GST ફ્રોડ: DGGI એ પકડી 1500 કરોડની ગેરરીતિ
- બોગસ બિલિંગ અને ITC ફ્રો ડ: અમદાવાદમાં પ્રભાત સોમાણીની ધરપકડ, મોટા ખુલાસા અપેક્ષિત
- DGGIની મોટી કાર્યવાહી: 1500 કરોડની કરચોરીમાં ટેકનો વાયરના ડિરેક્ટર પકડાયા
- અમદાવાદ GST સ્કેમ : પ્રભાત સોમાણીના રિમાન્ડમાં ખુલી શકે મોટા માથાના નામ
અમદાવાદમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI)એ આર્થિક ગુનાખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ટેકનો વાયર ડેટા સાયન્સ લિમિટેડના ડિરેક્ટર પ્રભાત વિષ્ણુભાઈ સોમાણીની ધરપકડ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન 1500 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ છે. આ કેસમાં કંપનીએ બોગસ બિલિંગ અને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડ્યું હોવાનો આરોપ છે. તપાસમાં 1296 કરોડ 99 લાખથી વધુના વ્યવહારોમાં 77.75 કરોડની ખોટી ITC મેળવવાનું બહાર આવ્યું છે.
DGGI એ ગેરરીતિના પુરાવા કર્યા કબ્જે
DGGIની ટીમે અમદાવાદ સહિત અનેક સ્થળો પર દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ્સ અને આર્થિક ગેરરીતિના પુરાવા કબ્જે કર્યા છે. આ કૌભાંડમાં મેસર્સ નેક્સ્ટ્રોબિઝ મલ્ટિકોમ પ્રાઇવેટ લિમિટેડ, મેસર્સ ટેક્નોવાયર ડેટા સાયન્સ લિમિટેડ અને મેસર્સ સોમાણી મલ્ટિબિઝ લિમિટેડ જેવી કંપનીઓ સામેલ છે, જે છ અલગ-અલગ રાજ્યોમાં GSTIN સાથે નોંધાયેલી છે. આ તમામ કંપનીઓના ઓપરેટર અને કંટ્રોલર પ્રભાત સોમાણી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
બે દિવસના રિમાન્ડ મંજૂર
પ્રભાત સોમાણીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં DGGIના ખાસ એડવોકેટ ઈમરાન પઠાણે પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું કે નાણાંકીય વ્યવહારો, સાક્ષીઓ અને કૌભાંડમાં સામેલ અન્ય વ્યક્તિઓની વિગતો મેળવવા માટે કસ્ટોડિયલ ઈન્ટરોગેશન જરૂરી છે. આખરે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન કૌભાંડમાં સામેલ અન્ય મોટા માથાના નામ ખુલી શકે છે, કારણ કે આ નેટવર્ક દેશભરમાં ફેલાયેલું હોવાની આશંકા છે.
અનેક વેપારીઓ ભૂગર્ભમાં
આ કેસથી વેપારી વર્ગમાં ભયનું વાતાવરણ છે અને અનેક વેપારીઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાના અહેવાલ છે. DGGIની આ કાર્યવાહીથી GST ફ્રોડ સામે સખ્ત સંદેશ જાય છે. આવા કેસોમાં બોગસ ફર્મ્સ બનાવીને ખોટા ઇન્વોઇસ જનરેટ કરી ITCનો દુરુપયોગ કરવામાં આવે છે, જેનાથી સરકારને કરોડોનું નુકસાન થાય છે. તપાસ ચાલુ છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો- અમદાવાદમાં Kankaria Carnival 2025ની ધૂમ : 25થી 31 ડિસેમ્બર સુધી મનોરંજનનો મહામેળો- વિનામુલ્યે પ્રવેશ


