Banaskantha : હીરા નગરી તરીકે પ્રખ્યાત પાલનપુરમાં હીરા ઉદ્યોગ મૃતપ્રાય અવસ્થામાં
પાલનપુર : એક સમયે માત્ર બનાસકાંઠા (Banaskantha) નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં "હીરા નગરી" તરીકેની ખ્યાતિ ધરાવતા આજે પાલનપુરમાં હીરાનો ઉદ્યોગ મૃતપ્રાય અવસ્થામાં આવી ઉભો છે. જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ પાલનપુરમાં એક બાદ એક હીરાના કારખાનાઓને તાળા લાગી રહ્યા છે. પરિસ્થિતિ જોતા વર્ષોથી રત્ન કલાકારના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોના જીવ તાળવે ચોંટ્યા છે..
બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર એક સમયે સમગ્ર રાજ્ય સહિત દેશમાં "હીરા નગરી" તરીકે ઓળખાતું શહેર હતું. એક સમયે પાલનપુર શહેરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર હીરાના કારખાના ધમધમતા જોવા મળતા. પાલનપુર શહેરમાં એક સમયે હીરા ઘસવાના 800 થી વધુ કારખાનાઓ ધમધમતા જેમાં 50 થી 60 હજાર રત્ન કલાકરો હીરા ઘસવાનો વ્યવસાય કરી પોતાની આવક ઊભી કરતા હતા.
આ પણ વાંચો-ગુજરાત સાયબર સેન્ટરે આણ્યો ‘The Ghost’નો અંત, ગુજરાતની મેગા સાયબર વિજય
Banaskantha માં ખેતી-પશુપાલન સાથે હીરા ઉદ્યોગ
સરહદીય બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય ખેતી,પશુપાલન અને હીરાનો ઉદ્યોગ જ લોકોની આવકનો સ્ત્રોત હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી હીરાના ઉદ્યોગોમાં આવેલી મંદીને કારણે હીરા નગરી પાલનપુરમાંથી હીરાનો ઉદ્યોગ લુપ્ત થવા લાગ્યો છે. જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ એક બાદ એક હીરાના કારખાનાઓને તાળા લાગી રહ્યા છે. એક સમયે 800થી વધુ કારખાનાઓ ધરાવતું હીરા નગરી પાલનપુર શહેરમાં આજે માત્ર નામસેસ 100થી 120 જેટલા કારખાનાઓ વધ્યા છે. જેમાં 10 થી 12 હજાર જેટલાં રત્ન કલાકારો રહ્યા છે.
પરંતુ આ વર્ષની દિવાળી પાલનપુરના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારો માટે ચિંતાની દિવાળી બની છે જેનું મુખ્ય કારણ એ છે કે આ વર્ષના દિવાળી વેકેશન બાદ એક સમયની હીરા નગરી પાલનપુરના 100- 120 કારખાનાઓમાંથી પણ અનેક કારખાનાઓના શટર પડી ગયા છે. દિવાળી બાદ પાલનપુર શહેરમાં માત્ર 10 ટકા કારખાનાઓ જ ખુલ્યા છે. આ પરિસ્થિતિને કારણે રત્નકલાના વ્યવસાય સાથે સંકળાયેલા કારખાના માલિકો સહીત રત્નકલા ના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક પરિવારોના જીવ તાળવે ચોટયા છે.
જોકે જે કારખાનાઓ કાર્યરત છે તે કારખાનાઓમાં પણ રત્નકલાકારોને પૂરતું કામ નથી મળી રહ્યું. એક તરફ મોંઘવારી નું માર અને બીજી તરફ કામ ન મળવાને કારણે રત્નકલાના વ્યવસાય સાથે સંકળાયેલા આ રત્ન કલાકારો ના પરિવારોને ગુજરાન ચલાવવું તો કેવી રીતે તે સવાલ ઉભો થયો છે. જોકે છેલ્લા કેટલાય વર્ષોથી મંદીનો ભોગ બનેલા રત્ન કલાકારો સમયની સાથે સાથે બેરોજગારીનો પણ ભોગ બનતા જઈ રહ્યા છે અને આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સરકાર દ્વારા રત્ન કલાકારો માટે કોઈ સહાય કે કોઈ યોજના ઘડાય તેવી રત્ન કલાકારો સરકાર પાસે માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો- Ahmedabad ની જેમ Surat માં 15 વર્ષના કિશોરે 10 વર્ષના બાળકને ચપ્પુ માર્યું!