Japan Earthquake: જાપાનમાં 7.6 ની તીવ્રતાના ભૂકંપ પછી ભયંકર ચેતવણી!
- Japan Earthquake: ઉત્તરી કિનારે 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો
- જાપાન હવામાન એજન્સી (JMA) દ્વારા સુનામીની ગંભીર ચેતવણી
- સુનામીના મોજાં 10 ફૂટ (૩ મીટર) સુધી ઊંચા આવી શકે
- દરિયાકાંઠાના લોકોને તાત્કાલિક ઊંચા સ્થળોએ ખસી જવા સૂચનાઓ
Japan Earthquake: જાપાનના ઉત્તરી કિનારા પર સોમવારે 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ (Earthquake) આવ્યા બાદ જાપાન (Japan) હવામાન એજન્સી (JMA) દ્વારા સુનામી (Tsunami) ની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. આ ભૂકંપના કારણે સમુદ્રમાં 10 ફૂટ સુધી ઊંચા મોજાં ઉછળવાની ભીતિ છે, જેના પગલે ઉત્તરપૂર્વીય કિનારાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દરિયાકાંઠેથી સલામત સ્થળે ખસી જવા સૂચના
ભૂકંપ પછી તરત જ JMA એ દરિયાકાંઠાના રહેવાસીઓને તાત્કાલિક સલામત સ્થળોએ ખસી જવાની સૂચના આપી છે. પ્રાથમિક અહેવાલો મુજબ આઓમોરી કિનારે આશરે 40 સેન્ટિમીટર ઊંચા સુનામી મોજાં અથડાયા હોવાના સંકેત મળ્યા છે. જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ભય હજુ ટળ્યો નથી અને વધુ મોટા અને વિનાશક મોજાં આવવાની શક્યતા રહેલી છે.
રાહત અને બચાવ કાર્ય
પ્રાપ્ત અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં કોઈ મોટા જાનહાનિ કે વ્યાપક નુકસાનના તાત્કાલિક અહેવાલો નથી. તેમ છતાં, સાવચેતીના પગલા તરીકે, ઉત્તરી કિનારાના સંવેદનશીલ વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ દરિયાકાંઠાથી દૂર, ઊંચાઈવાળા સ્થળો પર જાય અને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપ્યા વિના માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરે. દરિયાઈ પ્રવૃત્તિઓ અને માછીમારીને તાત્કાલિક ધોરણે રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાપાનના વડા પ્રધાનના કાર્યાલય દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તમામ સરકારી એજન્સીઓને સંકલિત રીતે કામ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
જાપાનના માથે જોખમ!
જાપાન ભૌગોલિક રીતે પેસિફિક મહાસાગરના "રિંગ ઓફ ફાયર" પર સ્થિત છે, જે તેને વિશ્વના સૌથી વધુ ભૂકંપ સંભવિત પ્રદેશોમાંનું એક બનાવે છે. આ પ્રદેશ ચાર મુખ્ય ટેક્ટોનિક પ્લેટોના સંગમસ્થાન પર આવેલો છે, જેના કારણે અહીં વાર્ષિક ધોરણે અંદાજે 1,500 ભૂકંપ નોંધાય છે. જોકે મોટાભાગના ભૂકંપ હળવા હોય છે, પણ આ શક્તિશાળી 7.6ની તીવ્રતાનો ભૂકંપ સ્થાનિકોમાં ગભરાટનું કારણ બન્યો છે. સ્થાનિક વહીવટી તંત્રએ શાંત રહેવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે તમામ સુરક્ષા પ્રોટોકોલ્સનું સખતપણે પાલન કરવા જણાવ્યું છે.
આ પણ વાંચોઃNavjot Kaur Sidhu: કોંગ્રેસે પાર્ટીમાંથી નવજોત કૌરને કેમ સસ્પેન્ડ કર્યા?, જાણો