ભારતીય ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય, બિહાર વિધાનસભા અને પેટાચૂંટણીઓ માટે 470 કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકની કરી જાહેરાત
- ECI : ભારતીય ચૂંટણી પંચે વિવિધ રાજ્યોમાંથી કુલ 470 અધિકારીઓને ચૂંટણી માટે નિમણૂક કર્યા છે
- ભારતના વિવિધ રાજ્યોમાંથી બિહાર ચૂંટણી માટે 470 અધિકારીઓની તૈનાતી કરાશે
- નિરીક્ષકો ચૂંટણી પ્રક્રિયા પર બાજ નજર રાખશે અને આયોગને નિયમિતપણે રિપોર્ટ આપતા રહેશે
ભારતીય ચૂંટણી પંચે (ECI)બિહારમાં યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ તેમજ અન્ય સાત રાજ્યોની પેટાચૂંટણીઓને સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શી બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. પંચે વિવિધ રાજ્યોમાંથી કુલ 470 અધિકારીઓને કેન્દ્રીય નિરીક્ષક (Central Observers) તરીકે તૈનાત કરવાની જાહેરાત કરી છે. આ નિરીક્ષકો ચૂંટણી પ્રક્રિયા પર બાજ નજર રાખશે અને આયોગને નિયમિતપણે રિપોર્ટ આપતા રહેશે.
ECI : ભારતીય ચૂંટણી પંચે બિહારની ચૂંટણીને લઇને કરી જાહેરાત
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ 470 અધિકારીઓની ટુકડીમાં ભારતની ટોચની વહીવટી સેવાઓના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓમાં 320 ભારતીય વહીવટી સેવા (IAS) ના અધિકારીઓ, 60 ભારતીય પોલીસ સેવા (IPS) ના અધિકારીઓ અને 90 ભારતીય મહેસૂલ સેવા (IRS) તેમજ IRAS અને ICAS જેવી અન્ય કેન્દ્રીય સેવાઓના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓ સામાન્ય નિરીક્ષક, પોલીસ નિરીક્ષક અને ખર્ચ નિરીક્ષક તરીકે પોતાની ફરજ બજાવશે.
ECI : કયા રાજ્યોમાં નિરીક્ષકોની થશે તૈનાતી?
આ કેન્દ્રીય નિરીક્ષકો માત્ર બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે જ નહીં, પરંતુ નીચે મુજબના સાત રાજ્યોમાં યોજાનારી વિવિધ પેટાચૂંટણીઓ માટે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે, જમ્મુ-કાશ્મીર ,રાજસ્થાન ,ઝારખંડ ,તેલંગાણા,પંજાબ મિઝોરમ ,ઓડિશા
ECI : નિરીક્ષકો ચૂંટણીની કરશે દેખરેખ
ચૂંટણી પંચે એક પ્રેસ નોટમાં જણાવ્યું કે, નિરીક્ષકો ચૂંટણી આયોગના "આંખ અને કાન" સમાન હોય છે. તેઓ બંધારણના અનુચ્છેદ 324 અને પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 20B હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને ચૂંટણીની દેખરેખ કરશે. તેમનું મુખ્ય કાર્ય ચૂંટણી પ્રક્રિયાની શરૂઆતથી લઈને પૂર્ણતા સુધી આયોગના નિયંત્રણ અને દેખરેખ હેઠળ કામ કરવાનું રહેશે. આ અધિકારીઓ ચૂંટણીને નિષ્પક્ષ બનાવવાની સાથે સાથે, મતદાતાઓમાં જાગૃતિ લાવવા અને ખર્ચ પર દેખરેખ રાખવાનું પણ ગંભીર દાયિત્વ નિભાવશે, જે લોકશાહીની પાયાની વ્યવસ્થાને મજબૂત કરે છે.