“ખેડૂતોને પડીકું, બિહારમાં 10 હજાર” : Amit Chavda એ ભાજપ સરકાર પર કર્યા સીધા પ્રહાર
- બનાસકાંઠામાં કોંગ્રેસનો હલ્લાબોલ : ગલીએ દારૂ મળે, ગાંધીનગર સુધી હપ્તા ચાલે : Amit Chavda
- ખેડૂતોના દેવા માફ ન થાય ત્યાં સુધી લડીશું : પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની ગરમ ગરમ ટિપ્પણી
- બનાસકાંઠામાં અમિત ચાવડાનો ધડાકો : 6 ખેડૂતોએ આપઘાત કર્યા, સરકાર ઊંઘે છે
- યુવાનો નશાના રવાડે ચડ્યા, પોલીસ-ગાંધીનગર હપ્તા લે : કોંગ્રેસનો ભાજપ પર સીધો આક્ષેપ
પાલનપુર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ( Amit Chavda ) બનાસકાંઠા જિલ્લાના કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ખેડૂતોની દયનીય સ્થિતિ, દારૂબંધીનું નામે ખુલ્લું દારૂ વેચાણ અને હપ્તાખોરીના આરોપો સાથે તેમણે સરકારને આડે હાથ લીધી હતી.
અમિત ચાવડાએ કહ્યું કે, “આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. સરકારે ખેડૂતોને મદદના નામે ફક્ત પડીકું આપ્યું છે. રાજ્યમાં છેલ્લા થોડા સમયમાં 6 ખેડૂતોએ આપઘાત કર્યા છે, પણ સરકારને કોઈ ફરક નથી પડતો. બિહારમાં મત લેવા માટે એક ખેડૂતને 10 હજાર રૂપિયા આપવામાં આવે છે, પણ અહીંના ખેડૂતો માટે પૈસા નથી.”
તેમણે વધુમાં કહ્યું કે, “જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ ન થાય ત્યાં સુધી કોંગ્રેસ રસ્તા પર લડશે. નીતિ અને નિયમો હોય તો જ કામ થાય. અહીં પાણી નથી મળતું, પણ દારૂ ગલીએ-ગલીએ મળે છે. ગલીથી લઈને ગાંધીનગર સુધી દારૂનું કારોબાર ચાલે છે. યુવાનો નશાના રવાડે ચડી ગયા છે. પોલીસ અને ગાંધીનગર વાળા હપ્તા લઈને બેઠા છે. આજે ગુંડાઓ પણ કહે છે કે હપ્તા લઈને જ સરકાર ચાલે છે.”
અમિત ચાવડાએ ભાજપ સરકાર પર સીધો આક્ષેપ કરતાં કહ્યું કે, “આ સરકાર ખેડૂતો, યુવાનો અને મહિલાઓની વિરુદ્ધમાં કામ કરે છે. દારૂબંધીનું નાટક છે, પણ વાસ્તવમાં દારૂનો ધંધો ખુલ્લેઆમ ચાલે છે. કોંગ્રેસ આ બધા મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જઈને સરકારનો ભાંડો ફોડશે.”
આ સંબોધન બાદ બનાસકાંઠા જિલ્લામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ આવા આરોપો બાદ રાજ્ય રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો- Rajkot: વધુ એક હત્યાની ઘટનાથી હાહાકાર, પત્નીએ પુત્રો સાથે મળીને પતિને છરીના ઘા માર્યા


