Gandhinagar: તોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા, અનેક વેપારીઓની ગેરરીતિ સામે આવી
- તોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા બાદ દંડ કરાયો
- ખાતર,બિયારણ, જંતુનાશક દવાના વિક્રેતાઓને દંડ
- ખેતીના સાધનોના વિક્રેતાઓને પણ લાખોનો દંડ
- 4.95 લાખથી વધુનો વિક્રેતાઓને દંડ ફટકાર્યો
સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂપે અલગ-અલગ જિલ્લાઓમાં આવેલા ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના વિક્રેતાઓ પર આક્સ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્ર દ્વારા કાયદા અને નિયમોની જોગવાઇઓનો ભંગ કરતા કુલ 190 જેટલા વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજે કુલ રૂ. 4.95 લાખ જેટલો દંડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
વજનકાંટા ચકાસણી મુદ્રાંકન ન કરાવવા જેવી ગેરરીતિઓ સામે આવી
તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં કરવામાં આવેલી તપાસણી દરમિયાન ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના વિક્રેતાઓ પર એમ.આર.પી.થી વધુ ભાવ લેવા તેમજ ધંધામાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજનકાંટા ચકાસણી મુદ્રાંકન ન કરાવવા જેવી ગેરરીતિઓ સામે આવી હતી.
વિક્રેતાઓ દ્વારા વધુ ભાવ લઈ છેતરતા હોય છે
રાજ્યમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓના વિક્રેતાઓ પાસેથી આવનાર ચોમાસાની ઋતુને ધ્યાને લેતા બહોળા પ્રમાણમાં પોતાના વપરાશ માટે ખેડૂતો ચીજવસ્તુઓની ઉતાવળે ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત તેમની પાસેથી વિક્રેતાઓ દ્વારા વધુ ભાવ લઈને અથવા ઘણી વખત ચીજવસ્તુના વજન-માપમાં પણ છેતરવામાં આવતા હોય છે.
આ પણ વાંચોઃ Surat: સચિન પોલીસ સ્ટેશનની સામે બન્યો લૂંટનો નિષ્ફળ પ્રયાસ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના વિક્રેતાઓ પર તપાસ હાથ ધરી
આવા બનાવો ન બને અને ગ્રાહકો તરીકે ખેડૂતો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય અને છેતરાતા અટકે તેવા ગ્રાહક સુરક્ષાના વિશાળ હેતુથી કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યના ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ તથા ખેતીના સાધનોના વિક્રેતાઓ પર તંત્રના કાયદા અને નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે આ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, તેમ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી, ગુજરાતની યાદીમાં જણાવ્યું છે.
આ પણ વાંચોઃ Surat: સુમુલ ડેરીએ કિલોફેટે દૂધના ભાવમાં કર્યો વધારો, 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડના ફાયદો થશે