જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ભેદી વિસ્ફોટ થતા ક્રિકેટ રમતા ચાર બાળકો ઘાયલ
- Kupwara Blast: જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં અચાનક ભેદી વિસ્ફોટ
- મેદાનમાં ક્રિકેટ રમતા ચાર બાળકો ઇજાગ્રસ્ત
- ઘાયલ બાળકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા
જમ્મુ-કાશ્મીરના ઉત્તર કાશ્મીર જિલ્લાના કુપવાડા માં આજે બુધવાર બપોરે એક ભેદી વિસ્ફોટ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ક્રિકેટ રમી રહેલા ચાર બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બાળકોની ઉંમર 10 થી 13 વર્ષની વચ્ચેની હોવાનું જાણવા મળ્યું છે.આ તમામ ચાર બાળકોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.
Kupwara Blast: મેદાનમાં ભેદી વિસ્ફોટ થતા ચાર બાળકો ઘાયલ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ઉત્તર કાશ્મીરના હંદવાડા નજીક આવેલા તૂતીગુંડ ગામ ના એક ખુલ્લા મેદાનમાં બની હતી. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે વિસ્ફોટનું કારણ રમતના મેદાનમાં પડેલો કોઈ જૂનો અને કાટવાળો શેલ (rusted shell) હોઈ શકે છે, જે બાળકોના રમવા દરમિયાન અચાનક ફાટ્યો.ઘાયલ થયેલા ચાર બાળકોની ઓળખ ઉજૈર તાહિર, સાજિદ રાશિદ, હાઝિમ શબ્બીર અને ઝેયાન તાહિર તરીકે કરવામાં આવી છે. વિસ્ફોટ બાદ, તમામ ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર માટે હંદવાડાની સરકારી મેડિકલ કૉલેજ (GMC) માં ખસેડવામાં આવ્યા હતા. તબીબી અહેવાલો મુજબ, હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.
Kupwara Blast: વિસ્ફોટ થતા સુરક્ષાકર્મીએ વિસ્તારને કર્યો કોર્ડન
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા દળોનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે અને વિસ્ફોટના ચોક્કસ સ્ત્રોત અને પ્રકૃતિની તપાસ શરૂ કરી છે. આ વિસ્તારમાં કોઈ અન્ય વિસ્ફોટક સામગ્રી ન હોય તેની ખાતરી કરવા માટે વ્યાપક સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: એલોન મસ્કની સ્ટારલિંક ભારતમાં લોન્ચ માટે તૈયાર, મુંબઇમાં સુરક્ષાનો ડેમો કાર્યક્રમ યોજશે!