Gujarat Rain : અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, દાહોદમાં વીજળી પડતા પિતા-પુત્રનુ મોત
- ગોંડલમાં એક કલાકમાં જ ચાર ઈંચ વરસાદ
- ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસ્યો મેઘ
- ગાજવીજ અને ભારે પવન સાથે પડ્યો વરસાદ
- ભારે વરસાદ બાદ ગોંડલના રસ્તા પાણી પાણી
ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ : શહેરમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં ગાજવીજ તેમજ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રાજમાર્ગો પર ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા. શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા.
ગોંડલ નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પ્રથમ વરસાદે ખુલ જવા પામી હતી. ધોધમાર વરસાદને પગલે ગોંડલ રાજકોટ હાઇવે પર રસ્તાના કામોમાં અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ લઈને ખેતરો પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના આશાપુરા, લાલપુલ, ઉમવાડા, ખોડીયાર નગર અંડર બ્રિજ નીચે વરસાદી પાણી ભરાયા હતા. સતત પડી રહેલા વરસાદને લઈને વતવારણમાં ઠંડક પ્રસરી જવાની સાથે ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
જેતપુર શહેરમાં અને તાલુકાના વાતાવરણમાં પલટો
રાજકોટના જેતપુર શહેરમાં અને તાલુકાના વાતાવરણમાં પલ્ટો આવવા પામ્યો હતો. વાતાવરણમાં પલ્ટો આવતા ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન બાદ વરસાદ વરસવાનું શરૂ થતા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આસપાસના વિસ્તારોમાં વરસાદ થતા લોકોએ કંઈક અંશે ગરમીથી રાહત મેળવી હતી. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
ખેડા જિલ્લાના વાતવાતમાં પલટો
ખેડા જિલ્લાના વાતવાતમાં પલટો આવ્યો હતો. એક કલાક સુધી પવન સાથે આવેલ વાવઝોડા બાદ વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ભારે વરસાદી ઝાપટા પડવાનું શરૂ થયું હતું. ડાકોર ઠાસરા આગરવા રખિયાલ સેવાલીયામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ વરસતા વાતવાતમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વાવેતરની રાહ જોતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડાસા, માલપુર અને બાયડમાં ભારે પવન ફૂંકાયો હતો. માલપુરમાં એક મકાનના છત ઉપરનું છાપરૂ ઉડી ગયું હતું. મીની વાવાઝોડા જેવી અસર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી હતી. મોડાસા શહેરમાં જોરદાર પવન ફૂંકાયો હતો. અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ જવા પામી હતી.
વરસાદ રહેતા ધીમે ધીમે ઓસરવા લાગ્યા પાણી
રાજકોટ શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સાંજના સમયે વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. સાધુ વાસવાણી રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, રેસકોર્ષ રિંગ રોડ તેમજ મોટી ટાંકી ચોક, 150 ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ રહેતા ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં સમી સાંજે પલ્ટો આવ્યો હતો. હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાવાને લઈને અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જવા પામી હતી. હડીયોલ, ગઢોડા, સાબરડેરી સહિતના પંથકમાં પવન ફૂંકાયો હતો. પ્રાંતિજ પંથકમાં પણ ભારે પવન ફૂંકાયો હતો.
સુરેન્દ્રનગર જીલ્લામાં વાતાવરણમાં મોડી સાંજે આવ્યો પલટો
સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં મોડી સાંજે પલ્ટો આવ્યો હતો. મુળી અને થાન તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. મુળીના સડલા, સરા, ગોદાવરી, ગૌતમગઢ, ખંપાળીયા સહિત આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો. થાન તાલુકાનાં જામવાડી, સોનગઢ, ખાખરાળા, નવાગામ, તરણેતર સહિતના ગામોમાં પણ વરસાદ શરૂ થયો હતો. જોરાવરનગર, રતનપર, વઢવાણ સહિતના શહેરી વિસ્તોરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. પવન અને વરસાદને કારણે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વરસાદના આગમનથી કપાસ સહિતના પાકોના આગોતરા વાવેતરને જીવનદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.
અમદાવાદમાં મેઘરાજા ની એન્ટ્રી
અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. નિકોલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અસહ્ય ઉકળાટ પછી શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદને લઈ ઠંડકનો અહેસાસ કર્યો હતો. હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે તા. 14 થી 21 જૂનમાં અમદાવાદમાં વરસાદની આગાહી કરી હતી.
સરપંચનું આકાશી વીજળી પડતા મોત નીપજ્યું
પંચમહાલના કાલોલના મોકળ ગામમાં સરપંચનું આકાશી વીજળી પડતા મોત નિપજ્યું હતું. સરપંચ સંજયસિંહ ચૌહાણ કોન્ટ્રાક્ટની કામગીરી કરતા હતા. મંદિર નિર્માણ માટેનો સામાન ઘરે લઈ જતી વેળાએ ઘટના બની હતી. સાગાના મુવાડાથી બાઈક લઈ મોકળ પોતાના ઘરે જતા સમયે સાગાવાડ નજીક રસ્તામાં વીજળી ત્રાકટતા નિધન થયું હતું. સરપંચનું અકાળે મોત નિપજતા સ્વજનો અને ગામમાં શોકની કાલિમા છવાઈ જવા પામી હતી.
વીજળી પડવાના કારણે એકનું મોત
રાજકોટમાં વીજળી પડવાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. રાજકોટના રૈયાધાર મફતીયાપરા વિસ્તારમાં વીજળી પડવાના કારણે મોત નિપજ્યું હતું. 43 વર્ષીય દલુભાઈ બારૈયા નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સાંજના છ વાગ્યા આસપાસ દલુભાઈના ઘરે વીજળી પડવાથી તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતુ.
આ પણ વાંચોઃ Rajkot : ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિજયભાઈ રૂપાણીના નિધન અંગે વ્યક્ત કર્યું દુ:ખ
આ પણ વાંચોઃ Gandhinagar : કોંગ્રેસ નેતા લલિત કગથરાએ વ્યક્ત કર્યું દુ:ખ, અમારા સંબંધોમાં ક્યારેક કોઈ ખોટ નહોતી પડી