Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિક્ષકથી મંત્રી સુધી : કુંવરજી બાવળીયાની 30 વર્ષની અજેય રાજકીય સફર

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ થઈ ગયું છે. આગામી ચૂંટણીમાં પક્ષને મજબૂત કરવા માટે કુવરજી બાવળીયા જેવા અજેય યોદ્ધા ઉપર એક વખત ફરીથી બાજી લગાવવામાં આવી છે. આ સાથે જ તેમને ગ્રામણી વિકાસ મંત્રાલયની જવાબદારી તેમને સોંપવામાં આવી રહી છે.
શિક્ષકથી મંત્રી સુધી   કુંવરજી બાવળીયાની 30 વર્ષની અજેય રાજકીય સફર
Advertisement
  • કુંવરજી બાવળીયા : શિક્ષકથી મંત્રી સુધીની અદ્ભુત રાજકીય સફર
  • કોંગ્રેસથી ભાજપ : કુંવરજીનો પક્ષપલટો અને જસદણનો ગઢ કેવી રીતે બન્યો?
  • પાંચ વખત MLA, એક વખત MP : કુંવરજી બાવળીયા - જસદણના અજય યોદ્ધા
  • વિવાદો છોડી નવું મંત્રીપદ : કુંવરજી બાવળીયાની પ્રેરણાદાયી ઉત્થાનકથા
  • 35% કોળી વોટબેંકના સુપરસ્ટાર : કુંવરજી બાવળીયા 2025માં રિપીટ

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. આ વિસ્તરણમાં 20 નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જ્યારે કેટલાક જૂના મંત્રીઓને પણ યથાવત રાખવામાં આવ્યા છે. આમાં રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી કુંવરજી બાવળીયાને મહત્વનું સ્થાન મળ્યું છે. તેમને શ્રમ, રોજગાર અને ગ્રામીણ વિકાસ વિભાગની જવાબદારી સોંપીને તેમના અનુભવ અને સિનિયોરિટીનું માન રાખવામાં આવ્યું છે.

કુંવરજી બાવળીયાની રાજકીય કારકિર્દી એ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. એક સામાન્ય શિક્ષકથી લઈને પાંચ વખત વિધાનસભા સભ્ય, એક વખત લોકસભા સાંસદ અને હવે ફરીથી કેબિનેટ મંત્રી સુધીની સફર. તેમની આ સફરમાં જાતિગત રાજકારણ, પક્ષ પરિવર્તન અને વિવાદો પણ સામેલ છે. આજે અમે તેમની આ કારકિર્દીની વિગતવાર ઝલક રજૂ કરીએ છીએ.

Advertisement

શરૂઆત : ખેડૂત પરિવારથી શિક્ષણની દુનિયામાં પગરવ

Advertisement

કુંવરજી બાવળીયાનો જન્મ 16 માર્ચ 1955ના રોજ રાજકોટ જિલ્લાના અમરાપુર ગામમાં થયો. તેઓ ખેડૂત મોહન બાવળીયાના પુત્ર તરીકે મધ્યમ વર્ગીય પરિવારમાં મોટા થયા. પ્રાથમિક શિક્ષણ તેમણે પોતાના ગામની સરકારી શાળામાંથી પૂરું કર્યું અને પછી ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફ પગ ધર્યો. અહીંથી તેમણે બી.એસ.સી. અને બી.એડ.ની ડિગ્રીઓ મેળવી. શિક્ષક તરીકેની તેમની કારકિર્દીએ તેમને સમાજરૂપી તળાવમાં ડૂબીને લોકોના મુદ્દાઓ સમજવાની તક આપી, જે તેમના રાજકીય જીવનનો પાયો બન્યો હતો.

રાજકારણમાં પ્રવેશ : કોંગ્રેસ સાથેની લાંબી યાત્રા

કુંવરજીએ 1995માં પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની નવમી ચૂંટણીમાં જસદણ બેઠકથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને જીત મેળવી. આ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત હતી. ત્યારથી તેમણે 1998, 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીઓમાં જસદણથી જીતીને પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેમની કાર્યપદ્ધતિ અને લોકો સાથેના વ્યવહારને કારણે 2009ની 15મી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને રાજકોટ લોકસભા મતવિસ્તારથી ટિકિટ આપી. તેમણે ભાજપના ઉમેદવારને 25,800 મતોના તફાવતથી પરાજિત કરીને સાંસદ બન્યા. 2009થી 2014 સુધી તેઓ રાજકોટથી સંસદ સભ્ય રહ્યા. વિધાનસભામાં તેઓ પબ્લિક અકાઉન્ટ્સ કમિટી (PAC)ના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યા.

જસદણ બેઠકને હંમેશા 'સૌરાષ્ટ્રનો જંગલ' કહેવામાં આવે છે, કારણ કે અહીં જાતિગત રાજકારણનો દબદબો છે. કુલ 2,28,223 મતદાતાઓમાં 35% કોળી, 20% લેઉવા પટેલ, 10% દલિત, 7% લઘુમતી, 7% કડવા પટેલ, 8% ક્ષત્રીય અને 13% અન્ય સમુદાયો છે. કુંવરજી, કોળી સમાજના અગ્રણી નેતા તરીકે, આ વોટબેંક પર મજબૂત પકડ ધરાવે છે. તેમની ચૂંટણીઓમાં જીતની પરંપરા 'રાજકારણી પવનને બદલે લોકોની પસંદગી'ને પ્રતિબિંબિત કરે છે. જસદણમાં અત્યાર સુધી 13 સામાન્ય અને 1 પેટા ચૂંટણીઓ યોજાઈ, જેમાં કોંગ્રેસે 9 વખત, અપક્ષોએ 3 વખત અને ભાજપે 1 વખત જીત મેળવી છે.

સામાજિક સેવા : સંસ્થાઓમાં નેતૃત્વ

રાજકારણ વચ્ચે કુંવરજીએ સમાજસેવાને પણ પ્રાધાન્ય આપ્યું. તેઓ અખિલ ભારતીય કોળી સમાજ (રજિસ્ટર્ડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, જે ભારતભરમાં કાર્યરત છે. આ સંસ્થાના પૂર્વ અધ્યક્ષ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ રહ્યા છે.

1992-1995: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ના ડાયરેક્ટર.
1995-1998: ભારતીય રેલ્વે સલાહકાર સમિતિના સભ્ય.
1997-2010: જસદણ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર.
1998-2000: ડૉ. આંબેડકર યુનિવર્સિટીના ડાયરેક્ટર.
1999-2002: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય.

આ તમામ જવાબદારીઓએ તેમને ગ્રામીણ વિકાસ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં અનુભવી બનાવ્યા.

પક્ષ પરિવર્તન : કોંગ્રેસથી ભાજપ તરફનો મહત્વનો પ્રયાણ

2017ની વિધાનસભા ચૂંટણીમાં જસદણથી જીત્યા પછી જુલાઈ 2018માં કુંવરજીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. આ પલટો તેમના કારકિર્દીને એક નવા આયામ પર લઈ ગયો છે. ભાજપે તેમને તરત જ મંત્રી પદ સોંપ્યું. રાજીનામા પછી જસદણમાં પેટા ચૂંટણી યોજાઈ, જેમાં તેઓ જીત્યા. 2022ની ચૂંટણીમાં પણ તેઓ જસદણથી જીતીને ધારાસભ્ય બન્યા. આ પરિવર્તનથી ભાજપને સૌરાષ્ટ્રમાં કોળી વોટબેંક મજબૂત કરવામાં મદદ મળી, કારણ કે જસદણ ભાજપનો ગઢ હોવા કરતાં કુંવરજીનો વ્યક્તિગત ગઢ વધુ મજબૂત છે.

મંત્રી તરીકે જવાબદારીઓ અને યોગદાન

ભાજપમાં જોડાયા પછી તેમને વિજય રૂપાણી સરકારમાં પાણી પુરવઠા, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી સોંપાઈ. જોકે, 2021માં મંત્રીમંડળ પુનર્ગઠનમાં તેમને હટાવવામાં આવ્યા. હવે 2025ના વિસ્તરણમાં તેમને ફરી સ્થાન મળ્યું છે, જે તેમના અનુભવને કારણે છે. તાજેતરમાં તેમણે E-KYCમાં થયેલી સમસ્યાઓ દૂર કરવા, NFSA હેઠળ 75 લાખ કુટુંબોને આવરી લેવા અને સાબરમતી નદી પર 14 વિયર્સ બનાવવા જેવા મુદ્દાઓ પર કામ કર્યું છે.

વિવાદો : જમીન અને સમાજિક તણાવ

કુંવરજીની કારકિર્દી વિવાદો સાથે જોડાયેલી છે. 2025માં જસદણ વિંછિયાના સમાજસેવક ઘનશ્યામ રાજપરાની હત્યા મામલે બાવળિયાને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે આપ નેતા બ્રિજરાજ સોલંકી પર પ્રહાર કરતા કુંવરજીભાઈએ કહ્યું- 'કુતરુ મારું મોઢું ચાટી જાય તો હું કાંઈ કુતરાનું મોઢું ચાટવા ન જાવ' જેના કારણે કોળી સમાજમાં તણાવ ફેલાયો હતો. પહેલાં પણ તેમ પર ગૌચર જમીન પર કબજો કરવાનો આક્ષેપ લાગ્યો હતો, જેમાં 200 વિઘા જમીન સંકુલ અને સ્ટોન ક્રશર માટે વાપરવાનો આક્ષેપ હતો. તેમણે તેને નકાર્યો પરંતુ આ વિવાદોએ તેમની ઇમેજને અસર કરી.

જસદણનો અજેય યોદ્ધા

કુંવરજી બાવળીયા એ ગુજરાત રાજકારણના એવા નેતા છે, જેમણે કોંગ્રેસથી ભાજપ સુધીની યાત્રામાં જાતિ, વિકાસ અને વોટબેંકને સંતુલિત કર્યું છે. જસદણ જેવી જટિલ બેઠકમાં 1995થી સતત જીતવી તેમની લોકપ્રિયતા દર્શાવે છે. હવે નવા મંત્રી તરીકે તેઓ ગ્રામીણ વિકાસ અને રોજગાર જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમની સફર એટલી જ જટિલ અને પ્રેરણાદાયી છે, જેટલી કે સૌરાષ્ટ્રનું જાતિગત રાજકારણ. તેમના ભવિષ્યના પગલાં ગુજરાતના રાજકીય વર્તુળને આકર્ષી રાખશે.

આ પણ વાંચો- ભાવનગરના ‘ભાઈ’ની મત્સ્ય ઉદ્યોગમાં વાપસી : પુરુષોત્તમ સોલંકીની કેશુભાઈથી ભૂપેન્દ્ર સુધીની સફર

Tags :
Advertisement

.

×