Gandhinagar: CM ભૂપેન્દ્રભાઈ પટેલ પાલનપુરથી રાજ્યવ્યાપી "સશક્ત નારી મેળાનો" કરાવશે શુભારંભ
- 11 થી 23 ડિસેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી "સશક્ત નારી મેળા"નું આયોજન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 11ડિસેમ્બર, 2025 ના રોજ પાલનપુર ખાતેથી શુભારંભ કરાવશે
- જિલ્લા સ્તરીય મેળામાં મહિલાઓના યોગદાનને કરવામાં આવશે ઉજાગર
- દરેક મોટા જિલ્લાઓમાં 100 પ્રદર્શન સ્ટોલ અને નાના જિલ્લાઓમાં 50 પ્રદર્શન સ્ટોલનું આયોજન કરાશે
Gandhinagar: ગુજરાતમાં આગામી તા. 11 થી 23 ડિસેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી "સશક્ત નારી મેળા"નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 11ડિસેમ્બર, 2025 ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી “સશક્ત નારી મેળા”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. દરેક જિલ્લામાં યોજાનાર જિલ્લા સ્તરીય મેળામાં મહિલાઓના યોગદાનને ઉજાગર કરવામાં આવશે
રાજ્યવ્યાપી "સશક્ત નારી મેળા"નું આયોજન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં આગામી તા. 11 ડિસેમ્બરથી તા. 23 ડિસેમ્બર2025 દરમિયાન રાજ્યવ્યાપી "સશક્ત નારી મેળા"નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભગીરથ આયોજનનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. 11 ડિસેમ્બર, 2025 ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી કરવામાં આવશે. રાજ્ય સરકારની આ પહેલ મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરશે, ઉજવણી કરશે અને તેમના પ્રયાસોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.
લાખો મહિલાઓ માટે બનશે પ્રેરણા સ્ત્રોત
'સશક્ત નારી મેળા' થકી મહિલા ઉદ્યોગસાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો (SHGs), મહિલા ખેડૂતોને સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકો દ્વારા પાયાના સ્તરે લાવવામાં આવી રહેલા પરિવર્તનકારી બદલાવને પ્રોત્સાહન આપવામાં આવશે. મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગસાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર કેન્દ્રિત આ જિલ્લા-સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને પણ વેગ આપશે અને રાજ્યની લાખો મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે.
કાર્યક્રમનો શું છે મુખ્ય ઉદ્દેશ?
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલા-આગેવાની હેઠળના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે જિલ્લા-સ્તરીય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. અન્ય મહત્વના ઉદ્દેશોમાં સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક હસ્તકલા અને SHG ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું, મહિલા-કેન્દ્રિત સરકારી યોજનાઓ, સ્ટાર્ટઅપ સપોર્ટ અને આજીવિકા કાર્યક્રમો વિશે જાગૃતિ ફેલાવવી તથા લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ અને પ્રગતિશીલ મહિલા ખેડૂતોની સિદ્ધિઓને સન્માનિત કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મેળામાં મહિલા નેતાઓ અને ઉદ્યોગસાહસિકોને ઉભરતી પ્રતિભા સાથે જોડીને કૌશલ્ય વિકાસ, બજાર જોડાણો, ડિજિટલ સાક્ષરતા અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
મેળામાં વિવિધ ઘટકો દ્વારા મહિલાઓના યોગદાનને ઉજાગર કરવામાં આવશે
સ્વદેશી પ્રદર્શન પેવેલિયન: મહિલા SHGs, લખપતિ દીદીઓ, મહિલા સ્ટાર્ટઅપ્સ અને મહિલા ખેડૂતોના ઉત્પાદનોના સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે, જેમાં હસ્તકલા, ખાદ્ય પ્રક્રિયા અને મિલેટ-આધારિત ઉત્પાદનોના જીવંત પ્રદર્શનો યોજાશે. અહીં વેચાણ કાઉન્ટર અને B2B લિન્કેજ ડેસ્કની પણ વ્યવસ્થા હશે. મોટા જિલ્લાઓમાં 100 સ્ટોલ અને નાના જિલ્લાઓમાં 50 સ્ટોલનું આયોજન કરાશે.
માહિતી અને જાગૃતિ કાઉન્ટર: મહિલાઓ માટેની સરકારી યોજનાઓ, સ્ટાર્ટઅપ સપોર્ટ, નાણાકીય સમાવેશ, કૌશલ્ય વિકાસ, પોષણ અને ડિજિટલ સાક્ષરતા અંગેની માહિતી આપવામાં આવશે.
પ્રેરણાત્મક ટોક શો: મહિલા રાજકીય નેતાઓ, વરિષ્ઠ મહિલા અમલદારો, સફળ મહિલા ઉદ્યોગસાહસિકો અને પ્રભાવકો દ્વારા સ્વદેશી ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને ડિજિટલ તકો પર સત્રો યોજાશે.
સન્માન સમારોહ: જિલ્લા સ્તરે લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, પ્રગતિશીલ મહિલા ખેડૂતો અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવશે.
નેટવર્કિંગ અને માર્કેટ લિન્કેજ પ્રવૃત્તિઓ: બાયર-સેલર મીટ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડાણ અને બેંક/NBFC લિન્કેજ ડેસ્ક દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોને બજારની તકો પૂરી પાડવામાં આવશે.
આ પહેલ સુશાસન સપ્તાહ, હર ઘર સ્વદેશી ઝુંબેશ અને વિકસિત ગુજરાત @ 2047 ના રોડમેપ સાથે સુસંગત છે, જે મહિલા-આગેવાની હેઠળના વિકાસ પર ભાર મૂકીને ગ્રામીણ આજીવિકા તેમજ સ્વદેશી બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપશે. આ રાજ્યવ્યાપી કાર્યક્રમના માધ્યમથી મહિલા-આગેવાની હેઠળના સૂક્ષ્મ-ઉદ્યોગોને મજબૂત બનાવવા, સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા, સરકારી યોજનાઓમાં જાગૃતિ વધારવા અને ડિજિટલ-નાણાકીય સશક્તિકરણમાં વધારો કરવા સાથે, સશક્ત મહિલા નેતાઓ અને સિદ્ધિઓના જિલ્લા-વ્યાપી નેટવર્કનું નિર્માણ થશે.
આ પણ વાંચો: Surat માં ભયંકર ટ્રાફિક જામ, હજારો વાહનો કલાકો સુધી ફસાયા