Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે 20 વર્ષ પછી પોતાના શિક્ષકને મળ્યા, ભાવુક દ્રશ્યો સર્જાયા
Gandhinagar:કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુરુવારે પોતાના બાળપણના શિક્ષક જીવણભાઈ પટેલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. આ મુલાકાત લગભગ અડધો કલાક ચાલી, જેમાં બંનેએ જૂના દિવસોની યાદો તાજી કરી. અમિતભાઈ શાહને મળીને જીવણભાઈ પટેલની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા, જ્યારે અમિતભાઈ પણ ભાવુક દેખાયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પોતાના શિક્ષકને મળ્યા
મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાલમાં ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે છે ત્યારે ગઈ કાલે તેઓ ગાંધીનગરની મુલાકાતે પહોંચ્યા હતા જો કે તેમના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે તેઓ ગઈ કાલે અચાનક ગાંધીનગરના સેક્ટર 27માં પૂર્વ શિક્ષક જીવણભાઈ પટેલના ઘરે પહોંચ્યા હતા. અમિતભાઈ શાહે પૂર્વ શિક્ષક જીવણભાઈને પગે લાગીને આશીર્વાદ લીધા હતાં. ગુરુ સાથે મુલાકાત કરતા અમિતભાઈ શાહે પગરખા પણ ઘરની બહાર ઉતારી શિષ્ટાચાર જાળવ્યો હતો. અમિતભાઈ શાહએ જીવણભાઈને આશીર્વાદ લીધા પછી તેમની સાથે લાંબી વાતો કરી. આ મુલાકાતમાં અમિતભાઈએ પોતાના પ્રાથમિક શાળાના દિવસોની રસપ્રદ વાર્તાઓ શેર કરી, જેમાં તેઓ વહેલા ઉઠીને પરેડમાં ભાગ લેતા હતા અને જીવણભાઈ તેમને માર્ગદર્શન આપતા.
જીવણભાઈની આંખો ખુશીથી છલકાઈ
જીવણભાઈ પટેલ, જેઓ અમિતભાઈના પ્રાથમિક શાળાના શિક્ષક હતા, તેઓ હજુ પણ ગાંધીનગરમાં રહે છે અને તેમના વિદ્યાર્થીઓની સિદ્ધિ પર ગર્વ કરે છે. જીવણભાઈએ કહ્યું કે, "અમિતભાઈની આ મુલાકાતથી મારા 20 વર્ષ જૂના યાદો તાજી થઈ ગઈ. તેઓ હંમેશા શિક્ષકોનું સન્માન કરે છે." અમિત શાહે તેઓની મુલાકાત કરતા જીવણભાઈની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી.
અમિતભાઈ શાહે સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું
કેન્દ્રીય ગૃહ મંત્રીના અચાનક આગમનને કારણે ગાયત્રી નગરના સ્થાનિકોમાં હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી. અમિતભાઈ શાહ જીવણભાઈ સાથે અડધો કલાકથી વધુ સમય વિતાવ્યા બાદ રવાના થયા હતા ત્યારે અમિતભાઈ શાહે જતી વખતે સ્થાનિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
આ પણ વાંચો: Rashifal 6 December 2025: આજે બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિઓનું ચમકશે કિસ્મત