ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માટે બીજા તબક્કાની જાહેરાત
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વિદ્યાસહાયક ભરતી અન્વયે બીજા તબક્કાની સત્તાવાર સૂચના પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. 1 એપ્રિલ 2026 ના રોજ બહાર પાડવામાં આવેલી જાહેરાતના અનુસંધાને મેરીટમાં સ્થાન મેળવનારા લાયક ઉમેદવારો માટે જિલ્લા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
ઉમેદવારો 8 ઓક્ટોબર 2026 ના રોજ બપોરે 12:00 કલાકથી સત્તાવાર પોર્ટલ પરથી પોતાના ઓનલાઇન કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. જિલ્લા પસંદગીની આ સમગ્ર પ્રક્રિયા 13 ઓક્ટોબર 2026 થી 15 ઓક્ટોબર 2026 દરમિયાન 3 દિવસ સુધી યોજાશે. ઉમેદવારે પોતાને ફાળવવામાં આવેલી તારીખ, સમય અને સ્થળ મુજબ ઉપસ્થિત રહેવાનું રહેશે.
મેરીટ કટ-ઓફ, કોલ લેટર અને હાઈકોર્ટ પિટિશનની વિગતો
આ બીજા રાઉન્ડમાં વિજ્ઞાન પ્રવાહ સિવાયના ધોરણ 1 થી 5 ના સામાન્ય પ્રવાહ માટે બિન અનામત કેટેગરી (Open Category) નું મેરીટ કટ-ઓફ 64.7797 નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ કટ-ઓફ ગુણ સુધી આવતા ઉમેદવારો જ ઓનલાઇન કોલ લેટર મેળવી શકશે.
ભરતી પ્રક્રિયાના અગત્યના નિયમો અને આંકડાકીય વિગતો:
કુલ જગ્યાઓ અને કોર્ટ મેટર: જાહેરાત મુજબની કુલ 11000 જગ્યાઓ પૈકી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. 3005/2026 અને અન્ય પિટિશનોના 7 ઓગસ્ટ 2026 ના ઓર્ડર મુજબ 774 જગ્યાઓ ખાલી અનામત રાખવામાં આવી છે.
કેટેગરી નિયમ: બિન અનામત જગ્યાઓ માટે બોલાવાયેલા ઉમેદવારો પૈકી જો જિલ્લા પસંદગી વખતે અનામત કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થઈ જાય અને ઉમેદવાર પાત્રતા ન ધરાવતો હોય તો તેને તક મળશે નહીં.
કોલ લેટર માધ્યમ: જિલ્લા પસંદગી માટે ઉમેદવારોએ માત્ર પોર્ટલ પરથી જ ઓનલાઇન કોલ લેટર મેળવવાના રહેશે, ટપાલ કે અન્ય માધ્યમથી કોઈ કોલ લેટર મોકલાશે નહીં.
રાજ્યભરના 63 શિક્ષણ અધિકારીઓની એકસાથે બદલી
ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગના ઉપ સચિવ કિન્નરી આર. શાહની સહીથી બહાર પડાયેલી અધિસૂચના (ED/MSM/e-file/3/2026/0210/L - Services) મુજબ વહીવટી અનુકૂળતાને ધ્યાને રાખી ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 (વહીવટી શાખા) ના 63 અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે.
આ બદલીઓમાં રાજ્યભરની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો, મોડેલ સ્કૂલના આચાર્યો, શિક્ષણ નિરીક્ષકો (EI) તેમજ નાયબ જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલીનો સમાવેશ થાય છે. તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા નિમણૂક સ્થળે હાજર થવા આદેશ આપવામાં આવ્યા છે.
નાયબ DEO, શાસનાધિકારી અને GCERT માં ફેરબદલ:
શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ મોટા ફેરબદલમાં વહીવટી કચેરીઓ અને શૈક્ષણિક સંશોધન સંસ્થાઓમાં મહત્વની જગ્યાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે:
GCERT ગાંધીનગર: પુલકીત જોષી, રાકેશભાઇ પ્રજાપતિ, વનિતા પંચાલ, સ્નેહા રાવલ, ધર્મેન્દ્ર ડોડીયા અને ઇન્દુબેન ચાવડાને GCERT ગાંધીનગર ખાતે કામગીરી ફેરફારથી મૂકવામાં આવ્યા છે.
શિક્ષણ બોર્ડ (GSEB): ધારાબેન ઠાકરને મદદનીશ સચિવ તેમજ દિલીપ પટેલને મદદનીશ સચિવ (સંશોધન શાખા) તરીકે શિક્ષણ બોર્ડ ગાંધીનગરમાં નિયુક્ત કરાયા છે.
જિલ્લા કક્ષાએ બદલી: ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી તરીકે પ્રભાતસંગ મોરી અને જામનગર ખાતે ડો. બીના દવેની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત ગાંધીનગર, આણંદ, સુરત અને કચ્છ સહિતના જિલ્લાઓમાં નાયબ શિક્ષણાધિકારી સ્તરે બદલીઓ થઈ છે.
વધારાનો હવાલો: ઘનશ્યામભાઇ સોલંકીને અમરેલીમાં તેમજ મિતેશકુમાર પટેલને ખેડા ખાતે નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી તરીકે વધારાનો હવાલો સોંપાયો છે. જ્યારે નરેશભાઇ જોષીને છ માસ માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડમાં મૂકાયા છે.
આ પણ વાંચો : Gujarat FDCA Raid : આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની સૂચનાથી કડક કાર્યવાહી, દવાના ગેરકાયદે વેપાર પર તવાઈ