નેપાળની સંસદમાં Gen-Z પ્રદર્શનકારીઓ ઘૂસ્યા, પોલીસ ફાયરિંગમાં 14 લોકોના મોત, 40થી વધુ ઘાયલ
- નેપાળ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકતા દેશમાં Gen-Z પ્રદર્શનકારી ભારે બબાલ
- પ્રદર્શનકારીઓ દંશની સંસદમાં ઘૂસ્તા પોલીસે ગોળીબાર કર્યો હતો
- પોલીસ ફાયરિંગમાં 14 લોકોના મોત નિપજ્યા અને 40થી વધુ ઘાયલ થયા છે
નેપાળ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ દેશભરમાં યુવાનોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. સોમવારે રાજધાની કાઠમંડુ ખીણ સહિત અનેક શહેરોમાં યુવાનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું, જે દરમિયાન પોલીસ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 14 પ્રદર્શનકારીઓના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. વિરોધીઓએ પોલીસના બેરિકેડ તોડીને નવા બાણેશ્વર ખાતે આવેલા ફેડરલ પાર્લામેન્ટ સંકુલમાં ઘૂસી જવાનો પ્રયાસ કર્યો, જેના જવાબમાં પોલીસે ટીયર ગેસ, વોટર કેનન અને રબર બુલેટનો ઉપયોગ કર્યો. આ ઘટનામાં એક પત્રકાર સહિત સેંકડો લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.
Gen-Z પ્રદર્શનકારીઓએ કરી ભારે બબાલ
નોંધનીય છે કે મીડિયા અહેવાલ મુજબ પોલીસે પ્રદર્શનકારીઓના ટોળાને વિખેરવા માટે હવામાં ગોળીબાર કર્યો અને ડઝનબંધ રબર બુલેટ છોડ્યા, જેમાં ઓછામાં ઓછી 10 વ્યક્તિઓના મોત થયા છે. આ ઉપરાંત, ત્રણ પત્રકારો ઘાયલ થયા, જેમાંથી એક પત્રકાર શ્યામ શ્રેષ્ઠને ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વધતી જતી હિંસાને પગલે પોલીસે સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાદી દીધો છે, અને સેનાએ પણ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા જવાબદારી સંભાળી છે.
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવતા Gen-Z પ્રદર્શનકારીઓએ કર્યો વિરોધ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે 4 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન કેપી ઓલીની સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને એક્સ સહિત 26 સોશિયલ મીડિયા એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયનો યુવાનોએ તીવ્ર વિરોધ કર્યો અને શાંતિપૂર્ણ વિરોધની શરૂઆત કરી. જોકે, પોલીસે વિરોધીઓને રોકવા માટે બળપ્રયોગ કરતાં પરિસ્થિતિ હિંસક બની ગઈ.વિરોધીઓએ શરૂઆતમાં શાંતિ જાળવવાનો સંકલ્પ દર્શાવ્યો હતો, પરંતુ પોલીસના બળપ્રયોગ બાદ પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ. હાલ નેપાળમાં તણાવપૂર્ણ માહોલ છે, અને સરકાર તેમજ વિરોધીઓ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. સરકારે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાય આ ઘટના પર નજર રાખી રહ્યો છે.
ઓલીએ યુવાનોને અલ્ટીમેટમ આપ્યું....
નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ યુવાનોને તેમના વિરોધ અંગે ચેતવણી આપી છે અને કહ્યું છે કે તેમને ખબર હોવી જોઈએ કે તેમના વિરોધ માટે તેમને શું કિંમત ચૂકવવી પડશે.મીડિયા અનુસાર નેપાળ સરકારે કહ્યું છે કે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ ત્યારે જ હટાવવામાં આવશે જ્યારે ફેસબુક અને યુટ્યુબ જેવી કંપનીઓ નેપાળમાં તેમની ઓફિસ ખોલશે.
ઓલી સરકારનું કહેવું છે કે સોશિયલ મીડિયા સેવાઓ પૂરી પાડતી કંપનીઓએ નેપાળ આવીને નોંધણી કરાવવી જોઈએ અને છેતરપિંડી અને અનિયમિતતાઓને રોકવા માટે એક સિસ્ટમ તૈયાર કરવી જોઈએ. નોંધનીય છે કે અત્યાર સુધી નેપાળમાં કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં ફક્ત ટિકટોક, વાઇબર, નિમ્બઝ, વિટક અને પોપો લાઈવ જ નોંધણી કરાવી છે.
જનરલ-ઝેડ કોને કહેવાય છે?
જનરલ-ઝેડ એટલે કે જનરેશન ઝેડનો ઉપયોગ એવા લોકો માટે થાય છે જેમનો જન્મ 1997 થી 2012 ની વચ્ચે થયો છે. આ પેઢી ડિજિટલ ટેકનોલોજી, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં મોટી થઈ છે, તેથી તેને 'ડિજિટલ નેટિવ્સ' પણ કહેવામાં આવે છે.જનરલ-ઝેડ ટેકનોલોજીની રીતે વધુ કુશળ છે. એટલે કે, તેઓ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટિકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ સક્રિય છે, જ્યાં તેઓ મીમ્સ, ટ્રેન્ડિંગ પડકારો અને ડિજિટલ સામગ્રી બનાવવા માટે રસ દાખવે છે. આ ઉપરાંત, આ પેઢી તેના ખુલ્લા મન અને નવી વસ્તુઓ અપનાવવા માટે જાણીતી છે.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા બેનને લઈ Nepal માં યુવાનોની ચિંગારી ભભૂકી