44,000નો ચેક આપો 22,000 કેશ લઈ જાઓ! Jamnagar ના ઉપસરપંચે કૃષિ સહાયની ખુલ્લી લૂંટ શરૂ કરી
- Jamnagar : લાઈનમાં ઉભા રહી ફૉર્મ ભરવું હોય તો 100 રૂપિયાની માગ?
- લાઈન વિના ફૉર્મ ભરવું હોય તો 300 પડાવાતા હોવાનો દાવો
- પીડિત ખેડૂતે જિલ્લા પંચાયતમાં આવી ડીડીઓ સમક્ષ કરી અરજી
- "પ્રક્રિયા વિના 44 હજારનો ચેક આપો, 22 હજાર લઈ જાઓ"
- ઉપસરપંચના સામે થયેલાં આરોપથી સમગ્ર પંથકમાં ખળભળાટ
Jamnagar : સરકાર કરોડોની સહાય આપે છે પરંતુ ગામનો ઉપસરપંચ તો અમારા ખિસ્સા કાપી રહ્યો છે!” આ શબ્દો ધ્રોલ તાલુકાના સોયલી ગામના એક પીડિત ખેડૂતના છે, જેમણે જિલ્લા પંચાયતના ડીડીઓ સમક્ષ લેખિત ફરિયાદ કરીને ખુલાસો કર્યો છે કે કૃષિ સહાય પેકેજનો લાભ લેવા માટે ફોર્મ ભરવું હોય તો પણ પૈસા આપવા પડી રહ્યાં છે.
Jamnagar ના જિલ્લામાં ખેડૂતોને પડ્યા ઉપર પાટુ
ખેડૂતે જણાવ્યું કે ઉપસરપંચે સરકાર તરફથી આપવામાં આવી રહેલી સહાયના ફોર્મ ભરવા માટે ખુલ્લેઆમ રેટકાર્ડ જાહેર કરી દીધું છે. આ રેટ અનુસાર, લાઈનમાં ઉભા રહીને તમારે ફોર્મ ભરાવવું હોય તો તમારે 100 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. જો તમારે લાઈનમાં ઉભા રહેવું ન હોય અને સીધા ફોર્મ ભરાવવું હોય તો તમારે 300 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.
આ પણ વાંચો- Bharuch : કોન્ટ્રાકટર જોડે મોટો સાયબર ફ્રોડ, રૂ.1.09 કરોડ ગુમાવ્યા
આ સિવાય તમારે ગામપંચાયતમાં લાઈનમાં પણ ઉભા રહેવું નથી અને ગામ પંચાયતના પગથિયા પણ ચડવા નથી તો તમારે 44000 રૂપિયાનો ચેક આપવો પડશે અને તમને 22000 રૂપિયાનો રોકડા આપવામાં આવશે. આમ સરકાર તરફથી બે હેક્ટરની મર્યાદાથી સહાય આપવામાં આવે છે. એટલે એક ખેડૂતને ઓછામાં ઓછા 44000 રૂપિયા મળી શકે છે. આવા કેસમાં ઉપસરપંચ પોતાની રીતે ફોર્મ ભરવા સહિતની તમામ કામગીરી કરીને ખેડૂત પાસેથી 22000 રૂપિયા લઈ લેશે અને ખેડૂતને 22000 ચૂકવી દેશે.
તેથી સરકારી સહાય આવે તે પહેલા જ ઉપસરપંચ ખેડૂતને 22000 રૂપિયા આપીને તેના પાસેથી 44000 રૂપિયાનો ચેક લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ચેક લીધા પછી સહાય માટે થતી તમામ કામગીરી ગામ પંચાયત તરફથી કરી દેવામાં આવે છે. ખેડૂતના ખાતામાં 44000 રૂપિયા સહાય આવે, તેવી જ તે ચેક થકી ઉપાડી લેવામાં આવે છે. સોયલી ગામના ઉપસરપંચે આવી રીતની સિસ્ટમ સોયલી ગામમાં ગોઠવી હોવાનો આરોપ એક ખેડૂતે લગાવ્યા છે.
તે ઉપરાંત જે ખેડૂત પૈસા ન આપે તેની અરજી “ગાયબ” કરી દેવાની ધમકી પણ આપવામાં આવે છે. ખેડૂતોએ કહ્યું કે “અમે દિવસભર ખેતરમાં પરસેવો પાડીએ, સરકારની સહાયના બે પૈસા માટે પણ ગામના નેતા અમારું લોહી ચૂસે છે. આ ઘટના સામે આવતાં જ સમગ્ર ધ્રોલ-જામનગર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ખેડૂતોના વોટ્સએપ ગ્રુપમાં આ મેસેજ વાયરલ થઈ રહ્યા છે અને લોકો એક જ માંગ કરી રહ્યા છે. “આવા લાંચખોર ઉપસરપંચને તરત જ સસ્પેન્ડ કરો!”
ડીડીઓએ ફરિયાદ મળતાં જ તપાસના આદેશ આપ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પરંતુ ખેડૂતોનો સવાલ એક જ છે – “જ્યાં સુધી આવા લોકો પર કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી સરકારની કોઈ પણ યોજનાનો લાભ અમને મળવાનો નથી!”
આ પણ વાંચો- Vadodara : નશામાં ધૂત ડોર-ટુ-ડોર ટેમ્પો ચાલકે ગાયને બચાવવા જતાં અકસ્માત સર્જ્યો