Goa Nightclub Fire: ગોવા નાઈટક્લબના માલિકો લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં ધરપકડ, ભારત લાવવાની પ્રક્રિયા શરૂ
- ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી
- ક્લબના માલિક લૂથરા બ્રધર્સની થાઇલેન્ડમાં અટકાયત
- લુથરા બ્રધર્સને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ
- અગાઉ પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
Goa Nightclub Fire: ગોવા નાઈટક્લબ આગ કેસના આરોપી લુથરા બ્રધર્સ જેઓ ભારત સરકાર દ્વારા તેમના પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ દેશ છોડીને ભાગી ગયા હતા, તેમને થાઈલેન્ડમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે.
ગોવા નાઈટક્લબના માલિકો લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં ધરપકડ
ગોવા નાઈટક્લબ આગના મામલામાં થાઈલેન્ડમાં લુથરા બ્રધર્સની ધરપકડ કરવામાં આવી છે. તેમને હવે ભારત લાવવામાં આવી રહ્યા છે, અને તેમના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમની સામે કાનૂની કાર્યવાહી ભારતમાં કરવામાં આવશે. હાલમાં, ગોવા સરકાર દ્વારા કરવામાં આવેલી વિનંતી પર, વિદેશ મંત્રાલય તેમના પાસપોર્ટની માન્યતા રદ કરવાનું વિચારી રહ્યું છે.
થાઈલેન્ડમાં છુપાયેલા હતા
ઉલ્લેખનીય છે કે, 6 ડિસેમ્બરની રાત્રે લાગેલી આગમાં પચીસ લોકોના મોત થયા હતા. આગ લાગ્યા પછી તરત જ લુથરા બ્રધર્સ , ગૌરવ અને સૌરભ દેશ છોડીને ચાલ્યા ગયા હતા. આ પછી, સીબીઆઈએ તેમની ધરપકડ માટે ઇન્ટરપોલ પાસેથી બ્લુ કોર્નર નોટિસ મેળવી હતી.ત્યારથી તેમની શોધ ચાલુ હતી, અને અફવાઓ ફેલાઈ હતી કે તેઓ થાઈલેન્ડમાં છુપાયેલા છે. અંતે, એજન્સીઓએ તેમને ત્યાં પકડી લીધા. તેમના પ્રત્યાર્પણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
નાઈટક્લબમાં લોકો જીવતા સળગી રહ્યા હતા ત્યારે લુથરા બ્રધર્સ દેશ છોડીને ભાગી ગયા
ગોવા પોલીસની તપાસ મુજબ, બચાવ ટીમો આગ ઓલવવામાં વ્યસ્ત હતી ત્યારે બંનેએ ફ્લાઇટ બુક કરી અને દેશ છોડીને ભાગી ગયા. આમ, જ્યારે તેમના નાઈટક્લબમાં જીવતા સળગી ગયેલા લોકોના મૃતદેહ હજુ પણ સળગી રહ્યા હતા ત્યારે તેઓ ભાગી ગયા. અધિકારીઓનું કહેવું છે કે સૌરભ અને ગૌરવે 7 ડિસેમ્બરના રોજ સવારે 1:17 વાગ્યે MakeMyTrip પર ફ્લાઇટ બુક કરાવી હતી.
દિલ્હીની કોર્ટમાં દાખલ કરી હતી અરજી
એક અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યારે બચાવ ટીમો અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનો રસ્તો શોધી રહી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા હતા, ત્યારે આ બંને ભાઈઓ ભાગી જવાની તૈયારી કરી રહ્યા હતા. ધરપકડ ટાળવા માટે લુથરા બ્રધર્સ દ્વારા દિલ્હીની એક કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેણે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. તેમના વકીલે કહ્યું કે લુથરા બ્રધર્સ દેશ છોડીને ભાગી ગયા નથી પરંતુ વ્યવસાયિક યાત્રા પર ગયા હતા. વકીલે એમ પણ કહ્યું કે લુથરા બ્રધર્સ ક્લબના માલિક નથી, પરંતુ તેમની પાસે ફક્ત તેને ચલાવવાનું લાઇસન્સ હતું. વકીલે કહ્યું કે લુથરા બ્રધર્સ આ ઘટના માટે સીધા જવાબદાર નથી કારણ કે તેઓ ક્લબના સંચાલનનું સીધી દેખરેખ રાખતા નહોતા. ક્લબ સ્ટાફ દ્વારા ચલાવવામાં આવતી હતી.
5 મેનેજરો અને સ્ટાફની ધરપકડ કરવામાં આવી
ગોવા પોલીસે આ ઘટનાના સંદર્ભમાં અત્યાર સુધીમાં નાઈટક્લબના પાંચ સભ્યો અને સ્ટાફ સભ્યોની ધરપકડ કરી છે. પણજીથી 25 કિલોમીટર દૂર આવેલા ક્લબમાં મધ્યરાત્રિએ આગ લાગી હતી અને થોડી જ વારમાં સમગ્ર પરિસર આગની લપેટમાં આવી ગયું હતું. આગ એટલી ભયંકર હતી કે એકબીજા પર મૃતદેહો પડેલા મળી આવ્યા હતા. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે આગામી આઠ દિવસમાં તપાસ રિપોર્ટ ઉપલબ્ધ થશે. આ ઘટના બાદ, ગોવામાં ક્લબની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Goa Nightclub Fire: મુખ્ય આરોપી ગૌરવ અને સૌરભ લુથરાનો પાસપોર્ટ રદ, ઘટના બાદથી બંને ભાઈઓ ફરાર