Godhra: પ્લાસ્ટિક ફેક્ટરીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, લાખોનો સામાન બળીને...
Godhra: ગોધરા શહેરના ધોળા કૂવા વિસ્તારમાં આવેલા પવન પેકેજીંગ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગ ઉપર છેલ્લા 4 કલાક કરતાં વધુ સમયથી ગોધરા ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પરંતુ આગ ઉપર કાબૂ મેળવાયો નથી. અત્યારે ગોધરા ફાયર વિભાગ દ્વારા AFFF ફોમનો પણ આગ ઉપર કાબુ મેળવવા માટે લગાતાર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુ બાજુના 04 થી વધુ વિવિધ ચીજ વસ્તુઓના ગોડાઉનને લપેટમાં લીધા છે. આ બનાવની ગંભીરતા જોતા ઘટના સ્થળે ગોધરા પ્રાંત અધિકારી, ગોધરા મામલતદાર, એમ.જી.વી.સી.એલ., જેટકોનાં અધિકારીઓની સાથે સ્થાનિક પોલીસ પ્રશાસન પહોંચ્યા ગયા.
બપોરના 4 કલાકે ભીષણ અને વિકરાળ આગ લાગી
ગોધરાના ધોળાકુવા પાસે આવેલ પવન પેકેજીંગ નામની પ્લાસ્ટિકની ફેકટ્રીના ગોડાઉનમાં બપોરના 4 કલાકે ભીષણ અને વિકરાળ આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગોધરાના ઉદય પટેલ નામના વ્યક્તિની પવન પેકેજીંગ નામની પ્લાસ્ટિકની ફેકટ્રી અને ગોડાઉન હોવાનું સામે આવ્યું છે. આ પ્લાસ્ટિકની ફેકટ્રીમાં પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હતી. જેને લઈ આ પ્લાસ્ટિકની ફેકટ્રીમાં મોટા પાયે પ્લાસ્ટિકનો મોટો જથ્થો મુકવામાં આવ્યો હતો. સૌ પ્રથમ તો આ ફેકટ્રીમાં મુકેલ પ્લાસ્ટિકના સ્ક્રેપમાં આગ લાગી હતી. જોતજોતામાં જ આ આગ પ્લાસ્ટિકના ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી.
નગરપાલિકાની ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે
સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગોધરા પોલીસની ટીમ અને ગોધરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પોહચી પાણીનો અવિરત મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. પરંતુ ફેકટ્રીમાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાના કારણે આગ વિકરાળ બની હતી. છેલ્લા 4 કલાકથી ફાયર ફાયટરો દ્વારા સતત પાણીનો છાંટકાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ આગ કાબુમાં આવી નથી. જેના કારણે હાલોલ કાલોલ, શહેરા સહિત મહીસાગર જિલ્લામાંથી ફાયર ફાઈટર ની ટીમને બુલાવવામાં આવ્યા છે. આગ પર અવિરત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ હાલ સુધી આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો નિશ્ફળ નીવડ્યા છે.
આગને પગલે ડી-માર્ટ મોલને ખાલી કરવામાં આવ્યો
ગોધરાના ધોળા કૂવા ગામ ખાતે આવેલા પ્લાસ્ટિક ફેકટરીમાં તેમજ ગોડાઉનમાં લાગેલ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સલામતીના ભાગરૂપે આગ લાગેલી જગ્યાની બાજુમાં આવેલ ડી માર્ટ મોલને ખાલી કરવામાં આવ્યો. આગની ઘટનાને લઈને અને ગ્રાહકોની સાવચેતીના ભાગરૂપે ડી માર્ટ ખરીદી કરવા આવેલ તમામ ગ્રાહકોને મોલ માંથી બહાર કાઢી દેવામાં આવ્યા હતા. આગને પગલે ડી માર્ટ મોલને બંધ કરી દેવામાં આવ્યો. સતત 4 કલાકથી અને મોડી રાત સુધી પાણીનો અવિરત છાંટકાવ કરવામાં આવ્યા બાદ પણ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
આ પણ વાંચો: હરણી દૂર્ઘટના મામલે વધુ ત્રણની ધરપકડ, તળાવમાં બોયન્સી કેપેસિટી ટેસ્ટ કરાયો
2 લાખથી વધુના નુકસાનમાં મેજર કોલ જાહેર થાય
ગોધરા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. મેજર કોલ એટલે આગની ઘટનામાં રૂ.2 લાખથી વધુનું નુકસાન થાય તો મેજર કોલ જાહેર કરવામાં આવે છે. જેમાં ગોધરા, લુણાવાડા, સંતરામપુર, હાલોલ, કાલોલ, વણાંકબોરી તેમજ જી.આઇ.ડી.સી.ના ખાનગી કંપનીના ફાયર ફાઇટરો ને પ્રચંડ આગ ઉપર કાબુ મેળવવવા માટે બોલાવવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈ જિલ્લા કલેકટર અને ગોધરા પ્રાંત ઓફિસર એ ઘટના સ્થળે પોહચી સમગ્ર ઘટનાની માહિતી મેળવી જરૂરી સૂચન કરવામાં આવ્યા હતાં.
અહેવાલ: નામદેવ પાટીલ, પંચમહાલ