Gondal: અમિત ખૂંટના આપઘાત પર જીગીશા પટેલનું નિવેદન, ગોવિંદ સગપરીયાએ પણ કર્યા આક્ષેપો
- જીગીશા પટેલનું અમિત ખૂંટના આપઘાત પર નિવેદન
- જયરાજ હોય કે અનિરૂદ્ધ હોય એક સિક્કાની બે બાજુ
- મૃતકનો ફોટો લઈ આ બંને રાજકારણ ન કરે તો સારૂ
ગોંડલ રિબડાના અમિત ખૂંટે આપઘાત કરી લેતા ગોંડલનું રાજકારણ ફરી ગરમાયું છે. આ મામલે જીગીશા પટેલે જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહ પર આક્ષેપ કર્યા હતા. જીગીષા પટેલે જણાવ્યું હતું કે, આત્મહત્યા એ વિકલ્પ નથી. અમિત ખૂંટ માટે ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના છે. અમિત ખૂટ દોષિત હતો કે નિર્દોષ હતો તેનો નિર્ણય ન્યાયતંત્ર કરશે. પરંતું તેની પર જે આરોપ લાગ્યા અને ત્યાર બાદ તેણે આત્મહત્યા કરી લેવી પડે. માધ્યમો દ્વારા જાણવા મળ્યું કે તેમાં અનિરૂદ્ધ અને તેના દીકરાનો હાથ છે. હું તો તમને પહેલેથી જ કહેતી આવું છું કે જયરાજ હોય કે અનિરૂદ્ધ હોય એક સિક્કાની બે બાજુ છે. આજે એ બે ના ડખામાં મર્યું કોણ? અને આ બે ના ડખામાં મરે છે કોણ? આજે એવું કહેવાય છે કે અમિત ખૂંટ એ જયરાજ જૂથનો માણસ છે. એટલા માટે જ અનિરૂદ્ધસિંહના માણસોએ તેને ફસાવી તેની પર રેપ કેસ કરાવ્યો. અને તેણે પોતાનું જીવન પણ ટૂંકાવી નાંખ્યું.
બંને જણા પોલીસને તંત્રને મેનેજ કરવામાં ખૂબ જ માહેરઃ જીગીશા પટેલ
તો મારે ગોંડલના સામાન્ય નાગરિકોને એટલું જ કહેવાનું છે કે તમે જયરાજ હોય કે અનિરૂદ્ધ હોય એને વ્હાલા થવા જોઓ છો તેના ખોળે બેસવા જાઓ છો. તમારે વિચારવું જોઈએ કે આવા લોકોના રવાડે ચડવાથી આનું પરિણામ શું આવે. બીજુ મારે એ પણ કહેવું છે કે, અમિત ખૂંટની આત્મહત્યા પછી જયરાજસિંહ ત્યાં પહોંચ્યા અને આશ્વાસન આપ્યું હતું. જ્યારે અમિત ખૂંટ જીવતો હતો ત્યારે તમે ક્યાં હતા. આ બંને લોકો માટે ધંધો બની ગયો છે. ગોંડલના પાટીદાર જીવે તો લાખના, અને મરે તો સવા લાખના....મને એવો પણ ડર છે કે મૃતકનો ફોટો લઈ આ બંને રાજકારણ ન કરે તો સારૂ. અમિત ખૂંટની ઉપર જે આરોપ લાગ્યા છે અને જે ઘટના બની છે. પૂરેપૂરીએ મેટરની અંદર ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કાર્યરત છે અને આ મેટર છે આ બાબતે છે સબ જ્યુડીશીલય મેટર છે એટલે આમાં ફરિયાદી અને આરોપી બંનેની ગોપનીય રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે એના વિસે વધારે વાત ના કરી શકીએ. પરંતુ મને લાગે છે કે, તંત્ર ઉપર ભરોસો ન હતો અને ત્યાંના સ્થાનિક લોકો પણ માને છે કે આ બંને જણા પોલીસને તંત્રને મેનેજ કરવામાં ખૂબ જ માહેર છે. બીજુ મારેએ કહેવું છે કે આ તપાસમાં જે કઈ પણ સત્ય બહાર આવે અને જો કોઈની સાથે અન્યાય થાય તો મન ધનથી અમે લોકો સાથે જ છીએ. જય સરદાર જય હિન્દ...
રાજકોટ જિલ્લાના રીબડા ગામમાં અમિત ખૂટ યુવકની આત્મહત્યાના બનાવે ભારે ચકચાર જગાવી છે. આ દુઃખદ ઘટનાને પગલે અનેક વિવાદો અને આરોપ-પ્રતિઆરોપનો દોર શરૂ થયો છે, જેમાં રાજકીય અને સામાજિક આગેવાનોના નામ પણ ઉછળી રહ્યા છે.
ગોવિંદ સગપરીયાના ગંભીર આક્ષેપો
આ ઘટના સંદર્ભે ગોવિંદ સગપરીયા નામના વ્યક્તિએ જીગીશા પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. સગપરીયાએ જણાવ્યું કે, રીબડામાં અગાઉ પણ અનેક હત્યાઓ થઈ ચૂકી છે અને તેમ છતાં જવાબદાર લોકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જીગીશા પટેલ રીબડાની મુલાકાતે કેમ આવતા નથી? સગપરીયાએ વધુમાં દાવો કર્યો કે, "જીગીશા પટેલ પહેલાં અનિરુદ્ધસિંહ વિરુદ્ધ નિવેદનો આપતા હતા, પરંતુ રૂપિયા મળ્યા બાદ તેમણે બોલવાનું બંધ કરી દીધું."
તેમણે એમ પણ જણાવ્યું કે, "અગાઉ જ્યારે રેલી યોજાઈ હતી, ત્યારે અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જો તેઓએ તે સમયે રજૂઆતને ગંભીરતાથી લઈને રીબડાની મુલાકાત લીધી હોત, તો કદાચ આ યુવકને આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવાની નોબત ન આવી હોત." આ ઉપરાંત, સગપરીયાએ અનિરુદ્ધસિંહ પર આક્ષેપ કરતાં કહ્યું કે, "અનિરુદ્ધસિંહના ઈશારે એક યુવતીએ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી હતી અને આ રીતે તેમણે અગાઉ પણ ચાર જેટલા લોકોને ફસાવ્યા છે."
મૃતદેહનો સ્વીકાર અને અંતિમ સંસ્કાર
યુવકની આત્મહત્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો, જેના કારણે તંગદિલી સર્જાઈ હતી. જોકે, પોલીસ દ્વારા સમજાવટ અને દરમિયાનગીરી બાદ પરિવારે આખરે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. યુવકના અંતિમ સંસ્કાર રીબડા ખાતે કરવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.
વિવાદ વકર્યો, જાડેજા પરિવારના સમર્થનમાં રેલીનું આયોજન
આત્મહત્યાની ઘટના બાદ વિવાદ વધુ વકર્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના સમર્થનમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી આવતીકાલે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાશે, જ્યાં આવેદનપત્ર પાઠવવામાં આવશે. આયોજકોનો દાવો છે કે, જાડેજા પરિવારના સમર્થનમાં તમામ વર્ગના લોકો જોડાશે. સમર્થકોનું માનવું છે કે, જાડેજા પરિવારને બદનામ કરવાનું આ એક ષડયંત્ર છે. ઉલ્લેખનીય છે કે, અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ વિરુદ્ધ આ મામલે ફરિયાદ પણ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણમાં સત્ય શું છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ હાલ પૂરતું રીબડા ગામ અને રાજકોટનું રાજકારણ આ ઘટનાને લઈને ગરમાયેલું છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ચંડોળા તળાવ ડિમોલિશન મામલો,કોર્ટ-બાંધકામ ગેરકાયદે છે તે ધ્યાને આવ્યું છે