પીએમ મોદીની લોકપ્રિયતા ઓછી થવાના કારણે સરકારે GST ના રેટ ઘટાડ્યા : Isudan Gadhvi
- ભારત પાકિસ્તાનની મેચના કારણે પણ પીએમ મોદીની લોકપ્રિયતા ખૂબ જ ઓછી થઈ ગઈ : Isudan Gadhvi
- વન નેશન વન ટેક્સની જાહેરાત કરી પણ ભાજપે પેટ્રોલ-ડીઝલને જીએસટીમાંથી બહાર રાખ્યું : Isudan Gadhvi
- પેટ્રોલ-ડીઝલનો જીએસટીમાં સમાવેશ થાય તો 15 થી 20 ટકા ભાવ ઘટી શકે તેમ છે: ઈસુદાન ગઢવી
- છેલ્લા 8 વર્ષમાં ભાજપ સરકારે 127 લાખ કરોડ GST ઉઘરાવ્યો, મોટાભાગે GST ગરીબોએ આપ્યો: ઈસુદાન ગઢવી
અમદાવાદ : આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ( Isudan Gadhvi ) અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા. તેમણે GST ઘટાડવાના તાજેતરના નિર્ણયને મોદીની ઘટતી લોકપ્રિયતા સાથે જોડીને સરકારની નીતિઓ, ખાસ કરીને પેટ્રોલ-ડીઝલને GST હેઠળ ન લાવવા અને ખેડૂતો પ્રત્યેની ઉપેક્ષા માટે ભાજપની આકરી ટીકા કરી હતી. ઈસુદાન ગઢવીએ ભાજપના “સ્વદેશી”ના દાવાને પણ કટાક્ષ કરતાં નેતાઓની વિદેશી વસ્તુઓની પસંદગી પર સવાલો ઉભા કર્યા.
ઈસુદાન ગઢવીના કોંગ્રેસ ઉપર અનેક આક્ષેપ કર્યા છે. જે નીચે પ્રમાણે વિગતવાર જોઈશું
GST ઘટાડીને મોદીની લોકપ્રિયતા વધારવાની કોશિશ
ઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે પીએમ મોદીની ઘટતી લોકપ્રિયતાને કારણે સરકારે થોડી ચીજવસ્તુઓ પર GST ઘટાડવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, “છેલ્લા 8 વર્ષથી GSTની લૂંટ ચલાવનારી ભાજપ સરકારે હવે થોડી વસ્તુઓ પર GST ઘટાડીને વાહવાહીની આશા રાખી છે, પરંતુ લોકો આ નાટક સમજી ગયા છે.”
પેટ્રોલ-ડીઝલને GST હેઠળ નહીં લાવવાનો આરોપ
ગઢવીએ ભાજપના “વન નેશન, વન ટેક્સ”ના નારાને હાસ્યાસ્પદ ગણાવ્યું કારણ કે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, “પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવામાં આવે તો તેના ભાવ 15થી 20 ટકા ઘટી શકે જેનાથી લોકોને રાહત મળે પરંતુ ભાજપ આમ નથી કરતી કારણ કે મોંઘવારીથી તેમને નફો થાય છે.”
આ પણ વાંચો- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની નાગરિકોને અપીલ : “Digital arrest ના ફ્રોડથી સાવધાન, લોભ-લાલચમાં ન પડો”
GSTની અસમાન વસૂલાત
ઈસુદાન ગઢવીએ આંકડાઓ ટાંકીને દાવો કર્યો કે ભાજપ સરકારે છેલ્લા 8 વર્ષમાં 127 લાખ કરોડ રૂપિયાનો GST વસૂલ્યો, જેમાંથી 80 લાખ કરોડ ગરીબો પાસેથી અને માત્ર 4 લાખ કરોડ અમીરો પાસેથી વસૂલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, “ગરીબોએ અમીરોના કોર્પોરેટ ટેક્સ અને ઇન્કમ ટેક્સ કરતાં પણ વધુ GST ચૂકવ્યો છે, જે ભાજપની ગરીબ વિરોધી નીતિ દર્શાવે છે.”
મોદીની લોકપ્રિયતા પર આક્ષેપ
ગઢવીએ વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા તળિયે પહોંચી ગઈ હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું, “આખા દેશને લાગતું હતું કે યુદ્ધમાં પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવામાં આવશે, પરંતુ મોદીએ ટ્રમ્પ સામે ઝૂકી જઈને દેશનું ગૌરવ ઘટાડ્યું હતુ. ભારત-પાકિસ્તાન મેચની હારે પણ મોદીની લોકપ્રિયતા ઘટાડી છે.”
સ્વદેશીનો દંભ
ભાજપના “સ્વદેશી” નારાને કટાક્ષ કરતાં ગઢવીએ કહ્યું, “ભાજપના નેતાઓ સ્વદેશીની વાતો કરે છે, પરંતુ વિદેશી પેન, ગાડી, મોબાઈલ અને વિમાનમાં ફરે છે. નિકોલની સભા બાદ મોદી વિદેશી સુઝુકી પ્લાન્ટનું એક્સપાન્શન કરવા ગયા જેનો નફો વિદેશ જશે. પહેલા ભાજપના નેતાઓએ સ્વદેશી અપનાવવું જોઈએ પછી જનતાને શિખામણ આપવી જોઈએ.”
ખેડૂતો સાથે દગો
ગઢવીએ ભાજપ પર ખેડૂતો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, “ભાજપે વિદેશી કપાસને ટેક્સ ફ્રી કરીને ગુજરાતના ખેડૂતોના સ્વદેશી કપાસને નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપનારી સરકારે ખેડૂતોની જાવક ડબલ કરી નાખી છે.”
ઈસુદાન ગઢવીની આ પ્રેસ કોન્ફરન્સ ગુજરાતના રાજકીય વાતાવરણમાં નોંધપાત્ર હલચલ મચાવે તેવી શક્યતા છે. AAPના પ્રદેશ પ્રમુખ તરીકે ગઢવીએ ભાજપની આર્થિક નીતિઓ અને ખેડૂતો પ્રત્યેના વલણ પર સતત પ્રહારો કર્યા છે. આ પહેલાં પણ તેમણે ભાજપની નીતિઓને “ગરીબ વિરોધી” અને “કોર્પોરેટ તરફી” ગણાવીને ટીકા કરી હતી. આ વખતે તેમણે GST અને પેટ્રોલ-ડીઝલના મુદ્દે સરકારની નિષ્ફળતા અને મોદીની લોકપ્રિયતાને જોડીને રાજકીય નેરેટિવ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
GST અને પેટ્રોલ-ડીઝલનો મુદ્દો
ઈસુદાન ગઢવીએ ઉઠાવેલો પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાનો મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બની શકે છે. તેમણે દાવો કર્યો કે આ નિર્ણયથી ઇંધણના ભાવમાં 15-20%નો ઘટાડો થઈ શકે છે. જેનાથી મોંઘવારી ઘટે અને સામાન્ય નાગરિકોને રાહત મળી શકે છે. જોકે, ભાજપે આ મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.
આ પણ વાંચો- લુખ્ખા તત્વોએ મફતમાં ગરબા જોવા પોલીસની હાજરીમાં કર્યો હુમલો, FIR માં ઈજાગ્રસ્ત પોલીસનું નામ-ઠામ છુપાવાયું?


