ગુપ્ત બાતમી આધારે નેટવર્કનો કર્યો પર્દાફાશ
ATS ના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયને ગુપ્ત બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જૈશ-એ-મોહમ્મદ (JeM) ની વિચારધારાને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ આરોપીઓ વિવિધ માધ્યમોથી ભારતીય લોકોને પ્રોત્સાહિત કરી ગુજરાતમાં એક સક્રિય નેટવર્ક (Active network) સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ બાતમીના આધારે વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે આ આરોપીઓ અન્ય લોકોને સંગઠન સાથે જોડાવા માટે દાવત આપી રહ્યા છે અને જેહાદી સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરી પ્રચાર કરી રહ્યા છે. ત્યારબાદ બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાં સંયુક્ત રેડ પાડીને 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
પકડાયેલા આરોપીઓએ ગુજરાતમાં 'દારૂલ ઇસ્લામ ગુજરાત જૈશ-એ-મોહમ્મદ' નામની તન્જીમ (Organization) બનાવી હતી. તેઓ પાકિસ્તાની હેન્ડલર્સના સતત સંપર્કમાં હતા અને આતંકવાદી કૃત્યો (Terrorist acts) પાર પાડવાની યોજના બનાવી રહ્યા હતા. આ ષડયંત્ર માટે તેમણે અંદાજે 3 લાખ રૂપિયાનું ફંડિંગ (Funding) મેળવ્યું હતું, જેમાંથી એક જૂની કાર પણ ખરીદવામાં આવી હતી.
પ્રતિબંધિત સાહિત્ય અને પુરાવા
રેડ દરમિયાન આરોપીઓના મોબાઈલમાંથી 'નોર્ડ લોકર' (Nord Locker) એપ દ્વારા 254 જેટલું વાંધાજનક સાહિત્ય મળી આવ્યું હતું, જેમાં જેહાદી પુસ્તકો, ઓડિયો, વીડિયો અને સંગઠનના ઝંડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાકિસ્તાનથી છપાયેલા પુસ્તકો અને મસુદ અઝહરને સંબોધિત ઉર્દુ ભાષામાં લખાયેલા પત્રો પણ મળી આવ્યા છે. આ પુરાવાઓના આધારે, તમામ આરોપીઓ વિરુદ્ધ અનલોકફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (UAPA) અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આ તમામ આતંકીઓને આજે કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમની વધુ પૂછપરછ માટે 14 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં તપાસ એજન્સીઓ આતંકીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી કાવતરાના અન્ય પાસાઓ બહાર લાવી શકાય.
પકડાયેલા આતંકીઓના નામ
અહમદ અબ્દુલ્લા ગાજીવાળા
ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા
મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાળા
ઝકારિયા દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘા
મુફ્તિ ફૌજાન ઇસ્માઇલ દાઉવા
મોહમ્મદ અમીન શેરા
મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી
બિલાલ મોહમ્મદ અમ્માર ઘાઘા
આ પણ વાંચોઃ Ahmedabad Terrorist Arrest: ગુજરાતમાં આતંકી ષડયંત્ર નાકામ, જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ પાલનપુર અને સિદ્ધપુરથી ઝડપાયા