મુન્દ્રામાં એટીએસ-કોસ્ટગાર્ડની મોટી સફળતા! 118 કિલો કોકેઇન જપ્ત કર્યું
ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલી મોટી કાર્યવાહીમાં બ્રાઝિલથી ગુજરાતના દરિયાકાંઠે લાવવામાં આવેલા કોકેઇનના જથ્થાને દિલ્હી સુધી પહોંચાડવાના આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ થયો છે. ગુપ્ત માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે ‘યુરોપ’ નામના કાર્ગો જહાજમાં ક્રૂ મેમ્બર Ngingite Nassoro Jumanne અને Juma Nasir Omar સહિત તેમના સાથીદારો દ્વારા આશરે 150 કિલો કોકેઇન (6 થેલાઓમાં) બ્રાઝિલથી લાવવામાં આવ્યો હતો, જેને 26 મે 2026ની વહેલી સવારે મુન્દ્રા નજીક આઉટર એન્કરેજ વિસ્તારમાં ફિશિંગ બોટ મારફતે ડિલિવર કરવાની યોજના હતી. આ જથ્થો દિલ્હીમાં રહેતા Kelvin Chukwuma અને Byaruhanga James સુધી પહોંચાડવાનો હતો.
એટીએસ-કોસ્ટગાર્ડની સંયુક્ત કાર્યવાહી
બાતમી મળતા ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.એમ. પટેલના નેતૃત્વમાં પીઆઈ વી.આર. જાડેજા, પીઆઈ બી.એમ. પટેલ અને પીએસઆઈ જે.પી. વરમોરા સહિતની ટીમ મુન્દ્રા રવાના થઈ, જ્યારે ટેકનિકલ ટીમ એટીએસ કચેરીથી સહયોગ આપી રહી હતી. બાદમાં કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને માહિતી મુજબનું કાર્ગો જહાજ શોધવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન જહાજના ડેક પર 2 વ્યક્તિઓની હલચલ જોવા મળી હતી, જેમણે પોલીસ બોટ જોઈને કેટલાક વજનદાર થેલા દરિયામાં ફેંકી દીધા હતા. કોસ્ટગાર્ડની મદદથી દરિયામાંથી કુલ 5 થેલા રિકવર કરવામાં આવ્યા. આ થેલાઓમાંથી એક-એક પેકેટ ખોલીને તપાસ કરતા ડ્રગ્સ ડિટેક્શન કિટ દ્વારા કોકેઇનની હાજરીની પુષ્ટિ થઈ હતી. કુલ 115 પેકેટ મળી આવ્યા, જેનું કુલ વજન 118.977 કિલોગ્રામ થયું હતું. આ સાથે થેલાઓમાંથી 4 એપલ એરટેગ્સ પણ મળી આવ્યા હતા. કામગીરી દરમિયાન એસઓજી કચ્છ-ભુજ, કોસ્ટલ અને મરીન પોલીસની ટીમો પણ જોડાઈ હતી.
જહાજ રોકી તપાસ, એક આરોપીની કબૂલાત
વધુ તપાસ માટે કાર્ગો જહાજ પર રેડિયો સંદેશ મોકલીને તેને રોકવામાં આવ્યું અને ત્યારબાદ એટીએસ તથા કોસ્ટગાર્ડની ટીમે બોર્ડિંગ કરી ક્રૂ મેમ્બરોની પૂછપરછ અને ઝડતી હાથ ધરી. તપાસ દરમિયાન Juma Nasir Omar પાસેથી મહત્વપૂર્ણ માહિતી મળી કે તેણે બ્રાઝિલથી આ માલ લાવ્યો હતો અને મોટર રૂમમાં છુપાવ્યો હતો, જે તેના હેન્ડલરના નિર્દેશ મુજબ આગળ ડિલિવર થવાનો હતો. બીજી તરફ Ngingite Nassoro Jumanne દરિયાઈ તપાસ દરમિયાન પાણીમાં કૂદી ફરાર થઈ ગયો હતો, જેને શોધવા માટે કોસ્ટગાર્ડની શોધખોળ ચાલુ છે.
આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ
જહાજના સ્ટીયરિંગ ગિયર રૂમમાંથી ગાર્મિન કંપનીના 2 GPSMAP 67i સેટેલાઈટ કોમ્યુનિકેટર પણ મળી આવ્યા હતા, જે આ નેટવર્ક દ્વારા ઉપયોગમાં લેવાતા હતા. તમામ મુદ્દામાલ જપ્ત કરીને Juma Nasir Omarની ધરપકડ કરવામાં આવી છે અને કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ દિલ્હીથી ડ્રગ્સની ડિલિવરી લેવા આવનાર Kelvin Chukwuma અને Byaruhanga Jamesને દિલ્હી પોલીસની મદદથી દ્વારકા વિસ્તારમાંથી રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને તેમને ગુજરાત લાવવાની કાર્યવાહી ચાલી રહી છે. તપાસમાં ખુલ્યું છે કે પકડાયેલા આરોપીઓ તાન્ઝાનિયા, નાઇજીરિયા અને યુગાન્ડા જેવા દેશોના નાગરિકો છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન મુન્દ્રા પોર્ટ ઓથોરિટીએ પણ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત પ્રયાસોથી આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ સામે સફળ કાર્યવાહી થઈ છે.
આ પણ વાંચો : Mumbai Airport Drug Seizure : મુંબઈ એરપોર્ટ પર ₹13.29 કરોડનું કોકેઈન જપ્ત, DRI નો મોટો સપાટો


