NDRF અને સ્થાનિક પોલીસ બની દેવદૂત
આ કટોકટીના સમયે NDRF ની ટીમો અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી ખરેખર પ્રશંસનીય રહી છે. મીઠી ખાડી વિસ્તારમાં પાણીનું સ્તર વધતા પરિસ્થિતિ હાથમાંથી નીકળી રહી હતી, પરંતુ NDRF ના જવાનોએ અવિરત પ્રયાસો કરીને ૧૫૩ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ બચાવ કામગીરીમાં ૧૯ બાળકો અને ૫૩ મહિલાઓને પ્રાધાન્ય આપીને પ્રથમ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૭૧ પુરુષોને પણ રેસ્ક્યુ કરીને જીવનદાન અપાયું હતું.
Surat flood crisis: પાંડેસરામાં ટ્રેક્ટર દ્વારા થયું રેસ્ક્યુ
પાંડેસરા વિસ્તારમાં પણ પૂરની સ્થિતિ વિકટ હતી. અહીં લક્ષ્મી હોમ્સ ખાતે ફસાયેલા ૧૦૦ જેટલા લોકો માટે સ્થાનિક પોલીસે કમર કસી હતી. પાંડેસરા પોલીસ મથકના પીઆઈ અને તેમના સ્ટાફે પોતાની જીવના જોખમે ટ્રેક્ટરની મદદથી પાણી ભરાયેલા વિસ્તારોમાં પહોંચીને તમામ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કર્યા હતા. આ કામગીરીને લઈને લોકોમાં પોલીસ પ્રત્યે આદરની લાગણી જોવા મળી હતી.
બામરોલીમાં પણ સ્થિતિ ગંભીર
બામરોલીના GIDC વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પણ પૂરના પાણી ઘૂસી જતા શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા હતા. અહીં NDRF ની ટીમે એપાર્ટમેન્ટ્સમાં ફસાયેલા લોકોને બોટ અને અન્ય સાધનોની મદદથી બહાર કાઢ્યા હતા.
તંત્રની સજ્જતા અને આગામી આયોજન
વહીવટી તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્ત લોકોને હાલ પ્રાથમિક સુવિધાઓ જેવી કે ભોજન, પીવાનું પાણી અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. જોકે, આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરત મુલાકાતને લઈને તંત્ર હજુ વધુ સજ્જ બન્યું છે. મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ખાડીના પાણીનો ઝડપી નિકાલ કેવી રીતે કરવો અને લોકોને કાયમી રાહત કેવી રીતે મળી શકે તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી છે. હાલ વરસાદે વિરામ લીધો હોવા છતાં, પાણીના સ્તરનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે.
પૂર બાદ ડીંડોલીમાં હાલાકી, દૂધ મેળવવા લોકોની પડાપડી
સુરતમાં આવેલા પૂર બાદ હાલત કફોડી બની છે. ડીંડોલી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દૂધ ન મળવાને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન, દૂધનું વાહન આવતા જ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને દૂધ લેવા માટે પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે લોકો દૂધના વાહનનો દરવાજો ખોલીને વાહન પર ચઢી ગયા હતા, જે પૂર પછીની ગંભીર સ્થિતિને સ્પષ્ટ કરે છે.
આ પણ વાંચો: Surat: મીઠી ખાડી વિસ્તારમાં NDRF ની સરાહનીય કામગીરી, 153 લોકોને બચાવી લેવાયા