Gujarat Local Elections : આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ, 5 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ દાવ પર
- 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા
- નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ
- જૂનાગઢ મનપાની 8 બેઠક પર ભાજપ બિનહરીફ છે
Gujarat Local Elections : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન શરૂ થયુ છે. રાજ્યના જિલ્લાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન સલામતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આજે રવિવારે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે.
નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ
નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે કુલ 5 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઇ રહી છે. જેમાં 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે.
તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા છે.
જૂનાગઢ મનપાની 8 બેઠક પર ભાજપ બિનહરીફ છે
66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ રહી છે. આ તમામ જગ્યાએ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં મતદાન થશે. આજે મતદાન પૂર્ણ થયા બાદ આગામી 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, સાત વર્ષ બાદ મતદારોને મતદાનનો મોકો મળી રહ્યો છે. મોટાભાગની પાલિકામાં 2018માં મતદાન થયું હતું. દોઢ-બે વર્ષથી ચાલતા વહીવટદાર શાસનનો અંત આવશે. 38 લાખથી વધુ મતદારો આજે મતાધિકારનો ઉપયોગ કરશે.
કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવાર મેદાને ઉતર્યા
કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવાર મેદાને ઉતર્યા છે. 213 બેઠક બિનહરીફ છે જ્યારે 3 બેઠક પર ઉમેદવાર જ નથી. ST અનામત બેઠક પર ઉમેદવાર ન હોવાથી ચૂંટણી નહીં થાય. ધ્રોલમાં વોર્ડ 7ની 4 બેઠકની ચૂંટણી મુલતવી, ત્યાં 10 ઉમેદવાર હતા. સ્થાનિક સ્વરાજ સંસ્થાની કુલ 1958 બેઠક પર મતદાન થવાનું છે. આજે 5 હજાર 74 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવવાનો છે. 38 લાખ જેટલા મતદારો મતદાન કરશે. જૂનાગઢ મનપાની 8 બેઠક પર ભાજપ બિનહરીફ છે.
આ પણ વાંચો : Delhi Railway Station Stampede : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં 18 લોકોના મોત, ઘટનાની તપાસ માટે સમિતિની રચના