Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : રાજ્યમાં આજથી રાષ્ટ્રવ્યાપી વિકસીત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ

કૃષિ વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ અધિકારીઓની ૫૫ ટીમો ખેડૂતોને ઘરઆંગણે માર્ગદર્શન પૂરું પાડશે
gujarat   રાજ્યમાં આજથી રાષ્ટ્રવ્યાપી વિકસીત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ
Advertisement
  • કૃષિ અધિકારીઓની ૫૫ ટીમો ખેડૂતોને ઘરઆંગણે માર્ગદર્શન પૂરું પાડશે
  • આગામી ૧૫ દિવસ આ ટિમો ગુજરાતમાં યાત્રા કરશે.
  • રાજ્યના ૨,૯૫૧ ગામના ૩.૫૦ લાખથી વધુ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે

Gujarat : ગુજરાતમાં આજથી રાષ્ટ્રવ્યાપી “વિકસીત કૃષિ સંકલ્પ અભિયાન”નો પ્રારંભ થયો છે. જેમાં કૃષિ ક્ષેત્રના ટકાઉ વિકાસ માટે કૃષિ વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ અધિકારીઓની ૫૫ ટીમો ખેડૂતોને ઘરઆંગણે માર્ગદર્શન પૂરું પાડશે. ગુજરાતમાં યાત્રા કરીને આ ટીમો આગામી ૧૫ દિવસમાં રાજ્યના ૨,૯૫૧ ગામના ૩.૫૦ લાખથી વધુ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજકોટ ખાતેથી અભિયાનનો શુભારંભ કરાવ્યો છે.

Advertisement

આજે “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નો રાજ્યવ્યાપી શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ ક્ષેત્રને વધુ આધુનિક, ટકાઉ અને કાર્યક્ષમ બનાવવાના શુભ આશય સાથે સમગ્ર દેશમાં આજથી આગામી ૧૫ દિવસ સુધી “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન” હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી આજે “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે, જે આગામી તા. ૧૨ જૂન સુધી યોજાશે. કેન્દ્ર સરકારના ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ના સીધા માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા સમગ્ર દેશમાં “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

Advertisement

૨,૯૫૧ જેટલા ગામોના આશરે ૩.૫૦ લાખથી વધુ ખેડૂતો સાથે સીધો સંવાદ

વધુ વિગતો આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાન દરમિયાન રાજ્યના ૩૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ૪ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે-ગામડે ફરીને લાખો ખેડૂતોની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ ગુજરાતના તમામ ૩૩ જિલ્લાના આશરે ૨૩૫ તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકો, તજજ્ઞો, અધિકારીઓ અને સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોની ભાગીદારીથી રાજ્યમાં કુલ ૫૫ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમો આજથી આગામી ૧૫ દિવસ સુધી નિર્ધારિત રૂટ પર યાત્રા કરીને ૨,૯૫૧ જેટલા ગામોના આશરે ૩.૫૦ લાખથી વધુ ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે અને તેમને કૃષિ વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે, તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.

૭૬૦ ગામના ૭૦ હજારથી વધુ ખેડૂતોને માહિતી પૂરી પાડવામાં આવશે

વિગતવાર માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૦૯ જિલ્લામાં ૧૩ ટીમો દ્વારા ૭૯૩ ગામના એક લાખથી વધુ ખેડૂતોને માહિતી પૂરી પાડવામાં આવશે. તેવી જ રીતે, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૦૭ જિલ્લામાં ૧૦ ટીમો દ્વારા ૪૬૫ ગામના ૭૮ હજારથી વધુ ખેડૂતોને, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૧૦ જિલ્લામાં ૨૦ ટીમો દ્વારા ૯૩૩ ગામના ૧.૨૦ લાખથી વધુ ખેડૂતોને તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૦૭ જિલ્લામાં ૧૨ ટીમો દ્વારા ૭૬૦ ગામના ૭૦ હજારથી વધુ ખેડૂતોને માહિતી પૂરી પાડવામાં આવશે.

રિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને તૈયારીઓની તલસ્પર્શી સમીક્ષા કરી

અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજકોટના ખેરડી ગામ ખાતેથી “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે, રાજ્યભરમાં જિલ્લા-તાલુકા કક્ષાએ પ્રભારી મંત્રી, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા અને તાલુકાના સ્થાનિક પદાધિકારી તેમજ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ અભિયાનના સફળ આયોજન માટે અગાઉ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ૪ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને તૈયારીઓની તલસ્પર્શી સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો: Gujarat Rain : 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

Tags :
Advertisement

.

×