તાપીમાં Gujarat પોલીસનો સૌથી મોટો એકસ્પો, પોલીસ કઇ રીતે કરે છે કામ જાણો
- પોલીસની કાર્યપદ્ધતી અંગે નાગરિકોને માહિતગાર કરાશે
- તાપીના વ્યારા પોલીસ હેડક્વાર્ટર ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ રહ્યા હાજર
ગાંધીનગર : વ્યારા ખાતે તાપી જિલ્લા પોલીસ દ્વારા આયોજીત પોલીસ એક્સ્પોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખુલ્લો મુક્યો હતો. ત્રિ-દિવસીય એક્સ્પોમાં નાગરિકો દેશની આંતરિત-બાહ્ય સુરક્ષા કરતી વિવિધ ટુકડીઓનો પરિચય મેળવશે. તાપીના નગરજનોને પોલીસના આધુનિક શસ્ત્રો નિહાળવા મળશે. 76 માં રાજયકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે તાપી જિલ્લા પોલીસ દ્વારા સૌમ્ય, શૌર્ય, ધીરજ અને તકનીકી કુશળતાને પ્રદર્શિત કરતા પોલીસ એક્સપોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને રસપૂર્વક નિહાળ્યા હતા.
આ પણ વાંચો : કુવૈતના યોગ ટ્રેનર, બ્રાઝિલના વેદાંત ગુરુ... પદ્મ પુરસ્કારોની જાહેરાત, જાણો કોને મળ્યું આ સન્માન
વ્યારા પોલીસ હેડક્વાર્ટર ખાતે 3 દિવસ ચાલશે એક્સ્પો
વ્યારા પોલીસ હેડકવાર્ટર ખાતે તારીખ 27 મી જાન્યુઆરી સુધી ચાલનારા ત્રિ-દિવસિય પોલીસ એક્સ્પો સમાજના પ્રત્યેક નાગરિકને જવાનોની કર્તવ્યનિષ્ઠા અને દેશ પ્રત્યેના સમર્પણની ભાવનાને ઉજાગર કરતી કામગીરી નિહાળી શકશે. તાપી જિલ્લાના નાગરિકો એકસ્પોને સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી નિહાળવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : બિહારના પત્રકાર ભીમ સિંહ ભાવેશને મળશે પદ્મશ્રી પુરસ્કાર , PM મોદીએ કર્યો હતો મન કી બાતમાં ઉલ્લેખ
પોલીસ કઇ રીતે કરે છે કામ તે અંગે અપાશે માહિતી
આ શસ્ત્ર પ્રદર્શનમાં પોલીસની કામગીરીમાં ઉપયોગી એવા આધુનિક હથિયારો અને પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાઓના ઉકેલ માટે કરવામાં આવતી કામગીરીને રજુ કરતા 35 સ્ટોલ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં ચેતક કમાન્ડો ફોર્સ, બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, શી-ટીમ, એલસીબી, એસ.ઓ.જી, સાયબર સુરક્ષા, એસ.ડી.આર.એફ, મરીન ટાસ્ક ફોર્સ, એટીએસ, બીડીડીએસ, એફ.એસ.એલ., ટ્રાફિક સહિત વિવિધ જવાનોની ટુકડીઓની સેવા અને કામગીરી દર્શાવવામાં આવી છે. આ પ્રદર્શનીમાં વિવિધ ટુકડી કેવી રીતે દેશની આંતરિક અને બ્રાહ્ય સુરક્ષા માટે ખડેપગે નિસ્વાર્થ ભાવે સેવા આપે છે તે અંગેની માહિતી સ્ટોલ મારફતે પ્રદર્શિત કરવામાં આવી છે.
આ પણ વાંચો : તાપીમાં રાજ્યની પ્રજાસત્તાક દિવસની ઉજવણી, નાગરિકોને કરી રાજ્યપાલ-CM ની ખાસ અપીલ