Gujarat Rain : ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, પાકનો સોથ વળ્યો
- સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ
- મહેસાણા, પાટણમાં પાણી ભરાતા ભારે હાલાકી
- કડી, ઊંઝા, પાટણમા રેલવે અંડરપાસ થયા બંધ
Gujarat Rain : ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ ખાબક્યો છે. તેમજ મહેસાણા, પાટણમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી છે. તથા કડી, ઊંઝા, પાટણમા રેલવે અંડરપાસ બંધ થયા છે. તેમજ વડગામમાં ભારે પવનથી ઉભા પાકનો સોથ વળ્યો છે. તથા મોડાસામાં ખેડૂતે કાપી રાખેલો પાક પાણીમાં ખરાબ થઇ ગયો છે.
હાઈવે પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
ચોમાસું હજુ તો શરૂ થયું પણ નથી ત્યાં જ વરસાદે ઉત્તર ગુજરાતને ધમરોળી નાખ્યુ છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠામાં ખાબકેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ઊંઝા, પાટણ અને કડીમાં વરસાદી પાણી ભરાતા રેલવે અંડરપાસ બંધ કરી દેવાયા હતા. જ્યારે પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજીબાજુ ભારે પવનના લીધે વડગામના બાયડમાં ઉભા પાકનો સોથ વળી ગયો હતો. તો અરવલ્લીના મોડાસામાં ખેડૂતોએ કાપીના રાખેલા પાક પર પાણી ફરી વળ્યું હતું.
અમુક વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી
આજે સવારથી રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે અનેક તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. આજે 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આહવામાં 23 મિ.મી. અને ઝગડિયામાં 22 મિ.મી વરસાદ વરસ્યો છે. ગત 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં મોડાસામાં 2.4 ઇંચ અને સરસ્વતીમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે બહાર પાડેલા વેધર બુલેટિનમાં જણાવ્યું છેકે, આગામી ત્રણ કલાક દરમિયાન ડાંગ, તાપી, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ અમુક વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
આગામી ત્રણ કલાકમાં ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છમાં વરસાદ આવશે
મોડી રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજે સવારે કરેલી આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આણંદ, નર્મદા અને બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો: UKમાં કામ કરવું ભારતીયો માટે સરળ નહીં રહે, નિયમો બદલાતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી