Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 130 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ
- વડોદરાના ડભોઈમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો
- છોટા ઉદેપુરના સંખેડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો
- ઉમરપાડા, ઉમરગામ અને ડાંગમાં 3-3 ઇંચ વરસાદ
Gujarat Rain : ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં વડોદરાના ડભોઈમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ છોટા ઉદેપુરના સંખેડામાં 4 ઇંચ વરસાદ વરસ્યો તથા ઉમરપાડા, ઉમરગામ અને ડાંગમાં 3-3 ઇંચ વરસાદ સાથે શિહોર, પાલનપુર, ખાંભા, કામરેજમાં 2-2 ઇંચ વરસાદ અને માંગરોળ, વધઈ, તારાપુરમાં 2-2 ઇંચ વરસાદ આવ્યો છે.
રાજ્યના 15 તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો
રાજ્યના 15 તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ થયો છે. વડોદરાના શિનોર સહિત ગ્રામ્યમાં વરસાદ પડયો છે. જેમાં વડોદરાના ગ્રામ્ય વિસ્તાર શિનોરમાં પણ અસહ્ય ઉકળાટ બાદ મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે, અવાખલ, સેગવા, સાધલી, માલસરમાં વરસાદ પડયો છે તો બીજી તરફ અવાખલના રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા છે. તેમજ પાટણ જિલ્લામાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો જેમાં સમી, સાંતલપુર, શંખેશ્વર, હારિજ પાટણ અને સરસ્વતી તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તથા વરસાદ વરસવાની સાથે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતુ, સાથે સાથે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.
આહવામાં 3.5 ઇંચ વરસાદ, શિહોરમાં 3 ઇંચ, પાલનપુરમાં 2.8 ઇંચ વરસાદ
ઉલ્લેખનીય છે કે આહવામાં 3.5 ઇંચ વરસાદ, શિહોરમાં 3 ઇંચ, પાલનપુરમાં 2.8 ઇંચ વરસાદ, ખાંભામાં 2.6 ઇંચ, કામરેજમાં 2.4 ઇંચ વરસાદ, માંગરોળ 2.2 ઇંચ, વઘઇમાં 2.4 ઇંચ વરસાદ, તારાપુર અને વલ્લભીપુરમાં 2-2 ઇંચ વરસાદ ખાબકયો છે. 19થી 25 જૂન દરમિયાન ઉત્તર અને તેની આસપાસના મધ્ય બંગાળની ખાડીમાં ઉપરના હવામાં ચક્રવાતી પરિભ્રમણ/લો પ્રેશર ક્ષેત્ર બનવાની શક્યતા છે. આ ઉપરાંત, ઉત્તર ભારતમાં નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરોમાં પૂર્વ-પશ્ચિમ ટ્રફ અને પશ્ચિમ કિનારા પર પશ્ચિમ/દક્ષિણપશ્ચિમ પવનોને કારણે, અઠવાડિયાના કેટલાક દિવસોમાં પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત, મધ્ય અને તેની આસપાસના ઉત્તરપશ્ચિમ ભારતમાં વ્યાપક વરસાદની શક્યતા છે.