Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલી થઇ મેઘમહેર
- સાબરકાંઠાના ઇડરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
- આણંદના સોજીત્રામાં 2 ઇંચ વરસાદ વરસ્યો
- ખંભાત અને તારાપુરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain : ગુજરાતમાં 24 કલાકમાં 59 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સાબરકાંઠાના ઇડરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ આણંદના સોજીત્રામાં 2 ઇંચ વરસાદ વરસ્યો તથા ખંભાત અને તારાપુરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. ગુજરાત રાજ્યમાં લાગે છે કે હવે ધીમે ધીમે ચોમાસું બેસી રહ્યું છે. કેમ કે, છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અને છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં 59 તાલુકામાં ધીમાથી લઇને ભારે વરસાદ
છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો, રાજ્યમાં 59 તાલુકામાં ધીમાથી લઇને ભારે વરસાદ પડ્યો હતો. જેમાં ઇડરમાં સૌથી વધુ 68 મીમી વરસાદ પડ્યો હતો. તથા માંડલ, વઢવાણ, ખેરાલુમાં સવા ઇંચ વરસાદ વરસ્યો અને ગણદેવી, ઉમરગામ, પારડીમાં એક-એક ઇંચ વરસાદ સાથે 49 તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 59 તાલુકામાં 1 મીમીથી લઇને 68 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં સાબરકાંઠાના ઇડરમાં 68 મીમી, સોજીત્રા 48 મીમી, ખંભાતમાં 40 મીમી, તારાપુરમાં 31 મીમી, વઢવાણમાં 30 મીમી, ખેરાલુમાં 30 મીમી, ગણદેવીમાં 24 મીમી અને ઉંમરગામમાં 24 મીમી વરસાદ પડ્યો હતો.
લઘુતમ તાપમાન 29 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા
હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ સુરત શહેરનું અધિકતમ તાપમાન 34.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 29 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા, હવાનું દબાણ 102.0 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 12 કિ.મીની ઝડપે પવન ફૂંકાયા હતા. દરમ્યાન પ્રતિ કલાક 25 કિ.મી સુધીની ઝડપે પવન ફુંકાયા હતા. દરમ્યાન છેલ્લા ઘણા દિવસોથી વાદળો બંધાય છે અને કેટલાક વિસ્તારોમાં રાત્રીના કે દિવસના પૂરઝડપે પવન ફુંકાવાવની સાથે વરસાદનું જોરદાર ઝાપટુ પડે છે. પરંતુ રેગ્યુલર વરસાદ વરસતો નથી.
આ પણ વાંચો: Gujarat Rain: હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી, જાણો અમદાવાદમાં કેવુ રહેશે વાતાવરણ