Gujarat Relief Package : AAP MLA ગોપાલ ઇટાલિયાએ રાહત પેકેજને મજાક ગણાવી
- સરકાર દ્વારા માવઠાને લઇને મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું
- રાહત પેકેજનો ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ દ્વારા વિરોધ કરાયો
- રાહત પેકેજની સામે દેવા માફીની માંગ પ્રબળ બની રહી છે
Gujarat Relief Package : રાજ્યમાં કમોસમી વરસાદનો માર વેઠનાર ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા રૂ. 10 હજાર કરોડનું માતબર રાહત પેકેજ (Gujarat Relief Package) જાહેર કર્યું છે. આ પેકેજ રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, આ રાહત પેકેજને લઇને ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતા મેદાને આવ્યા છે. વિસવદરના ધારાસભ્ય ગોપાલભાઇ ઇટાલિયાએ (MLA Gopalbhai Italia) રાહત પેકેજને મજાક ગણાવી છે. અને ખેડૂતોનો ખર્ચો પણ ના નીકળે તે પ્રમાણે રાહત પેકેજ આપવામાં આવ્યું હોવાનો મત વ્યક્ત કર્યો છે.
ખેડૂતો માલામાલ થઇ જશે
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા રૂ. 10 હજાર કરોડના રાહત પેકેજ અંગે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઇ ઇટાલિયાએ (MLA Gopalbhai Italia) કહ્યું કે, આંકડો મોટો છે, 10 હજાર કરોડ, સાંભળવામાં એવું લાગે કે, ખેડૂતો માલામાલ થઇ જશે, અને ખેડૂતોના ફળિયામાં હેલીકોપ્ટર આવી જશે. એટલા રૂપિયા જાહેર કર્યા હોય. ખેડૂતને દવા, ખાતર, બિયારણ, મજૂરી વગેરેનો ખર્ચો થયો છે, તેના કરતા પણ ઓછી રકમ હાથમાં આવવાની છે.
ઠેક ઠેકાણે ખેડૂતો પણ પેકેજના વિરોધમાં
અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસીક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કે, બીજી તરફ આ રાહત પેકેજની ઘોષણા બાદ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ઠેક ઠેકાણે ખેડૂતો પણ આ પેકેજના વિરોધમાં હોય તેમ લાગી રહ્યું છે. બીજી તરફ તમામ દેવા માફીની બાબતે સહમત હોવાનું તેમના નિવેદનો પરથી સામે આવી રહ્યું છે.